Story : થુંક
અનોખી ધુંઆપૂંઆ હતી. થાક, અણગમો અને ગુસ્સો – બધું ભેગું થયું હતું. કઈ કેટલું થઇ ગયું છેલ્લા બે અઠવાડિયામાં! ઘર – કુટુંબનું ઘમાસાણ ઓછું હતું તો દિલ્લીમાં આ રમખાણ શરુ થઇ ગયા? આમ તો, અમદાવાદમાં મોટી થયેલી, અને ૨૦૦૨ને જાતે અનુભવેલા એટલે રમખાણ કઈ અજાણ્યો શબ્દ ના હતો. હુલ્લડના dos અને donts તો ૧૯૮૦નાં દસકામાં જન્મેલા અમદાવાદી બાળકને ગળથૂથીમાં જ આપી દેવાતા. પહેલા પોળમાં અને પછી પાલડીમાં ઘણું જોયેલું, જાણેલું, અને સમજેલું. જરૂર પડે, ખપ પુરતી ચર્ચા પણ કરેલી. આમ, ‘હશે, ‘એ લોકો તો એવા જ હોય. એમનાથી બચીને રહેવું’ – ના સંસ્કારે અનોખી મોટી થઈ ગઈ. ઇન્ટર્નશિપ માટે બે મહિના અને લગ્ન થયા પછી એકાદ વરસ દિલ્લી રહ્યા એટલે અનોખીની દિલ્લીથી ઓળખાણ વધેલી. એટલે દિલ્લીની વાત આવે ત્યારે થોડી ઉંચી થાય એવું ખરું. અવાજ ઉઠાવવાનું પણ ધીમે ધીમે શરુ તો થઇ જ ગયેલું. ********************** સામાજિક વ્યવસ્થા અને સંસ્કાર માનીને સ્વીકારી લીધેલી ઘણી વાતો પર અનોખીએ હવે સવાલ ઉઠાવવા માંડ્યા હતા. નાના-નાના ગામડાઓમાં સ્ત્રીઓની અને બાળકોની પરિસ્થિતિ સાવ નજીકથી જોવા-જાણવા-સમજવા માંડી ત્યારે સામાજિક ન્યાયની સમજ પણ કેળવાઈ. અનોખીએ જયારે શ...