Story : થુંક










અનોખી ધુંઆપૂંઆ હતી.
થાક, અણગમો અને ગુસ્સો – બધું ભેગું થયું હતું. કઈ કેટલું થઇ ગયું છેલ્લા બે
અઠવાડિયામાં! ઘર – કુટુંબનું ઘમાસાણ ઓછું હતું તો દિલ્લીમાં આ રમખાણ શરુ થઇ ગયા?
આમ તો, અમદાવાદમાં મોટી થયેલી, અને ૨૦૦૨ને જાતે અનુભવેલા એટલે રમખાણ કઈ અજાણ્યો
શબ્દ ના હતો. હુલ્લડના dos અને donts તો ૧૯૮૦નાં દસકામાં જન્મેલા અમદાવાદી બાળકને ગળથૂથીમાં
જ આપી દેવાતા. પહેલા પોળમાં અને પછી પાલડીમાં ઘણું જોયેલું, જાણેલું, અને સમજેલું.
જરૂર પડે, ખપ પુરતી ચર્ચા પણ કરેલી. આમ, ‘હશે, ‘એ લોકો તો એવા જ હોય. એમનાથી બચીને
રહેવું’ – ના સંસ્કારે અનોખી મોટી થઈ ગઈ. ઇન્ટર્નશિપ માટે બે મહિના અને લગ્ન થયા
પછી એકાદ વરસ દિલ્લી રહ્યા એટલે અનોખીની દિલ્લીથી ઓળખાણ વધેલી. એટલે દિલ્લીની વાત
આવે ત્યારે થોડી ઉંચી થાય એવું ખરું. અવાજ ઉઠાવવાનું પણ ધીમે ધીમે શરુ તો થઇ જ
ગયેલું.


**********************


સામાજિક વ્યવસ્થા
અને સંસ્કાર માનીને સ્વીકારી લીધેલી ઘણી વાતો પર અનોખીએ હવે સવાલ ઉઠાવવા માંડ્યા
હતા. નાના-નાના ગામડાઓમાં સ્ત્રીઓની અને બાળકોની પરિસ્થિતિ સાવ નજીકથી
જોવા-જાણવા-સમજવા માંડી ત્યારે સામાજિક ન્યાયની સમજ પણ કેળવાઈ. અનોખીએ જયારે
શહેરની સ્કુલની નોકરી પોતાનો NGO શરુ કરીને શનિવાર-રવિવારે ગામડા ખુંદવાના શરુ
કાર્ય ત્યારે નાનો-મોટો વિરોધ સહન કરવો પડ્યો હતો. પણ, તે નવી જિંદગીના રોમાંચમાં
અને ઉભરતી જતી નવી સમજણ – શિક્ષણના આનંદની સરખામણીમાં ઘણો ઓછો લાગેલો. પુરુષપ્રધાન
પરિવારો અને જાતિ-પ્રધાન સમાજથી સ્ત્રીઓને થતી સમસ્યાઓનો ચિતાર સમજતા શરૂઆતમાં
અનોખીને એવું લાગ્યું કે આવી પરેશાનીઓ ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં જ હશે. પરતું,
બે-ત્રણ વરસે જયારે પતિએ અને મમ્મીએ પરપુરુષ સાથે ઘરથી દુર જઈને શનિ-રવિ કામ
કરવાના મોડેલ પર સવાલ ઉઠાવ્યા ત્યારે
patriarchy,
gender justice,
અને social justice ની ઘણી વધારે સમજ આંખ સામે આવી ગઈ. વિરોધ સામેનો સવિનય,
અહિંસક, અને દ્રઢ સંઘર્ષ તો NGOના કામનો પાયો હતો એટલે કુટુંબ સામે તો જીરવી
જવાયું પણ આ ઘટનાએ અનોખીને ઘણા મોટા અને ઊંડા પાઠ ભણાવી દીધા.


*********************


જીવન નીતનવા
અનુભવોથી અવનવી સમજ શીખવાડતું રહે છે.  નવા
કામના અલગ અલગ અનુભવોથી અનોખી હવે બદલાઈ રહી હતી. સમય અને તક મળે ત્યારે અનોખી આ
નવી સમજ ઘરે મા – વર – દીકરીને આપતી રહેતી. પોતાના બાળપણના અનુભવોથી અલગ થઇને
અનોખીએ પોતાના આ નાના પરિવારમાં ‘સંવાદ’ ને મોટું સ્થાન આપેલું. ઘરના ચારેય જણા
સાથે મળીને વાતો કરતા એકબીજાને સમજતા, અને સમજાવતા. વાંચન, ફિલ્મો, નાટકો વગેરે આ
સંવાદોને વ્યાપ આપતા અને એ રીતે ઘરમાં ઘર-કુટુંબની, સમાજની, દેશની લાગતી વળગતી
વાતો બાર વરસની દીકરીથી લઈને બાસઠ વરસ મા સુધી બધાની સાથે થતી.  આ વાતોમાં અસહમતીનું પૂરેપૂરું સન્માન હતું.
ચારેયમાં થી કોઈપણ કોઈ બીજાને પરાણે સમજાવવાની કોશિશ નાં કરતા. બાર વરસની દીકરી
જયારે બાલાકોટ એર-સ્ટ્રાઈક, કાશ્મીર કે અયોધ્યા જેવી વાતો સ્કૂલમાંથી ઘરે લાવતી
ત્યારે પરિવાર એની પણ ચર્ચા કરતું. એટલે જ, CAA-NRCને લગતી પ્રોટેસ્ટની વાતો પણ
ઘરમાં થઈ જ હતી. સાથે સાથે, facebook – twitter – instagram અને whatsaap પણ ઘરોમાં
પહોચેલા જ હતા. અનોખી આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ સીમિત રાખતી. એના વધુ પડતા સક્રિય
ઉપયોગ સામે પતિ માનવને પણ ચેતવતી કારણ કે હવે સમય સારો નથી રહ્યો. ‘આપણે એકબીજા
સાથે વાતો કરીએ જ છીએ ને, દુનિયા બદલવાની વાતો ફેસબુક પર કરવાની શી જરૂર?’ – જેવી
દલીલો પણ થતી. પણ, છેલ્લા ઘટના ઘણી આકરી રહી.


*********************


કુટુંબમાં લાંબી
બીમારી પછી એક વડીલનું અવસાન થયેલું. વડીલને ઘરની વહુ સાથે બહુ બને નહિ. એટલે
એમનું વર્તન થોડું અળગું રહેતું.  પોતાની
સરકારી નોકરી અને વડીલ – એમ બંને કારણસર વહુ બીજા શહેરમાં રહેતી, અને વાર-તહેવારે વર
સાથે રહેવા આવી જતી અને જરૂર પડે પ્રસંગોમાં હાજરી પણ આપી જતી.  પણ, આવા સમયે વડીલ પોતાના બીજા સંતાનને ત્યાં
જતા રહેતા.  તેમ છતાય, મરણપથારીએ પડેલા
વડીલની ખબર કાઢવા અને પતિને સહારો બનવા વહુ સતત આવેલી અને રજા લઈને પડખે ઉભેલી.  પણ, વડીલના વર્તનમાં ખાસ ફરક નાં પડ્યો, અને એમ
જ અંતે એમનું અવસાન થઇ ગયું.  આ વડીલના કારજમાં
‘વહુની ફરજો’ની વિસ્તારથી ચર્ચા થતી જોઇને અનોખીનું લોહી ઉકળી ગયેલુ. એ જ કુટુંબની
વહુ તરીકે અનોખીએ પરિસ્થિતિ અને પોતાને મુલવી ત્યારે વાત પોતાની ન હોવા છતાય
પુરુષ-પ્રધાન સમાજમાં પીતૃસતાક માનસિકતાથી પોતાને થયેલા દરેક અન્યાયો અનોખીની સામે
આવીને ઉભા રહી ગયા. પોતાના મમ્મી અને સાસુ સાથે જયારે આ બાબતે ખુલ્લીને વાત કરી
ત્યારે બંનેએ રૂઢિગત અભિગમથી ‘સ્ત્રીએ તો ઘરને ઢાંકવું જ જોઈએ’ અને ‘ઘરની શાંતિ
માટે સ્ત્રીએ જ જતું કરવું પડે’ જેવા મત મળ્યા. ‘પણ, આટલા વરસમાં વડીલે અને વરે
એની સાથે ખરાબ વર્તન કર્યું એનું શું?’ અનોખીના આ સવાલ સામે જવાબ મળ્યો કે, ‘એ તો
બધી સામાન્ય વાત કહેવાય’. 





આખો દિવસ વ્યગ્ર
રહેલી અનોખીને થયું કે રાત્રે માનવ સાથે વાત કરીશ એટલે સારું લાગશે. પણ, સાંજે માનવ
આવ્યો ત્યારે ખબર લઈને આવ્યો કે દિલ્લીમાં હુલ્લડ શરુ થયા છે, અને ઓળખીતા લોકો જે
વિસ્તારમાં રહે છે ત્યાં જ પરિસ્થિતિ ખરાબ છે.  બંને જણા દિલ્લીના ઓળખીતા લોકોને ફોન મેસેજ
કરવામાં લાગી ગયા અને હિંદુ-મુસ્લિમ દોસ્તોના હાલ-હવાલ પૂછ્યા.  માનવને મન સહજ રીતે ૨૦૦૨-૨૦૨૦ની સરખામણી થઇ ગઈ અને
સાઉથ આફ્રિકામાં પોતાના પર થયેલા હુમલાથી અનુભવાયેલી ડર અને અસહાયતાની લાગણીઓ
ફરીથી જીવાય ગઈ. ઘરમાં વાતો કરવાની આદત હોઈને સત્તાહીન અને સત્તાધીન વર્ગો વચ્ચેનો
ભેદભાવ અને ધર્મ, જાત-પાત, સ્ત્રી-પુરુષ જેવા સામાજિક ન્યાયને લગતી ઘણી ચર્ચાઓ થઇ.
 માનવથી રહેવાયું નહિ એટલે એણે ફેસબુક પર
ડર, શરમ, ધર્મને લગતા રાજકારણ અને હિંસાને લગતો એક મેસેજ મુક્યો.  અનોખીને સમાજની અને ઘર-કુટુંબની પરેશાનીઓમાં અને
તેના કારણોમાં ઘણી સામ્યતાઓ મળી, અને મોડે સુધી વાતો કરતા કરતા બંને સુઈ ગયા.


************





“તારો વર અને
તારું ઘર આટલું બધું એન્ટી-હિંદુ કેમ છે? “ – અનોખીના whatsapp પર એક મેસેજ આવ્યો.
વીસ વરસ જુનો મીત્ર કે જેણે સુખ-દુઃખમાં સાથે રહ્યો હોય, પરંપરાગત પરિવાર કે જેમાં
પુરુષ મિત્ર સ્વીકાર્ય ના હોય તો ભાઈ તરીકે સાથ આપ્યો હોય, અને જેની ગેરહાજરીમાં
એના પપ્પાએ દરરોજ ખબરઅંતર પૂછ્યા હોય એવા મિત્રના આવા મેસેજથી અનોખી સ્તબ્ધ થઇ ગઈ.
 “શું થયું? વિગતે વાત કર, મનીષ” – એવા મેસેજના
જવાબમાં મનીષે અનોખીને માનવના ફેસબુક પોસ્ટની સ્ક્રીનનો ફોટો મોકલ્યો. આદત મુજબ
ફોન પર ચર્ચા કરવાને બદલે બીજા કામ પડતા મુકીને અનોખી મનીષને રૂબરૂ મળીને વાત કરવા
ગઈ. 





“તું કુમારને કેમ
સમજાવતી નથી? આપણા ધર્મની કાઈ પડી જ નથી એમને! એ લોકોની તરફદારી જ કેમ કરો છો તમે?
– મનીષની દલીલોનો કઈક આવો સાર હતો. 





અનોખીએ શાંતિથી જવાબ
આપ્યો, “ જો, એમને જે લાગે એ વિચારે અને લખે. એ મારામાં નથી પડતા અને હું એમનામાં
નથી પડતી. પણ, હા હું ય એટલું તો માનું જ છું કે જે થઇ રહ્યું છે એ ઠીક તો નથી જ.  નફરતના સમયમાં વધુ નફરત કેમ ફેલાવવાની?”





“અરે, નફરત તો એ
લોકો સદીઓથી ફેલાવે છે. તને ખબર નથી. આપડી બેન-દીકરીઓના મોઢામાં થુંકી થુંકીને
એમણે વટલાવ્યાં છે. યાદ તો રાખવું પડે ને, બધું?!!”





“ક્યારની વાત લઈને
ક્યાં જાય છે, તું, મનીષ? અત્યારે જે થઇ રહ્યું છે એમાં એને શું લેવાદેવા? તારી
સાથે, તારા ઘરના સાથે, તારા કોઈ ઓળખીતા સાથે કોઈ મુસલમાને એવું કઈ કર્યું છે?”





“ આવા સમયમાં
સ્વાર્થી ન બનાય. પોતાનું જ વિચારવું હોય તો અત્યારે પોતાનાને સમજાવવાના હોય. આમ
શનિ-રવિ ગામડે ગામડે જઈને આદિવાસીઓને ભણાવે છે એમાં કરતા પોતાના ઘરે રહીને વરને જ
સમજાવને!”





હવે વાત અલગ જ રસ્તે
જઈ રહી હતી એટલે અનોખીએ કીધું કે, “એક કામ કરીએ. તમે લોકો આ સોમવારે જમવા આવો જ છો
ને ઘરે. માનવ સાથે બેસીને વાત કરીએ?”





“નથી આવવું. માનવ
જેવી એન્ટી-હિંદુ માનસિકતા વાળા તારે ઘરે અમારે જમવા નથી આવવું. આપણે મળતા રહીશું.
પણ, જમવાનું રહેવા દે” – મનીષએ વાત પુરી કરી. 





અનોખી અવાક થઇ ગઈ. મનીષની
વાતથી અત્યારે અનોખીને એના મોઢા પર પર જાણે જોઈ થુક્યું હોય અને એને ફરીથી વટલાવી
હોય એવું એને લાગ્યું, અને તરછોડી દીધાની ભાવના થઇ.  પંદર વીસ પેઢી પહેલા કોઈએ કોઈના મોઢામાં થુક્યું
હશે., અને એ વટલાઈ ગયા હશે.  આ વટલાવેલા
હિન્દુઓને એ જમાનામાં બીજા હિન્દુઓએ જ નહિ અપનાવ્યા હોય ત્યારે જ ઇસ્લામનો આટલો
ફેલાવો થયો હશે ને.  





“હશે, મારા વાર અને
મારા ઘરના વિચારો સ્વીકાર્ય ના હોય એવા સંબંધોનું મારેય શું કામ”, એમ વિચારીને
અનોખી ઉભી થઇ ગઈ. “જો મનીષ, ઘરે ન આવવું હોય તો તારી મરજી. પણ, જો આવવું હોય તો અમારું
ઘર અને અમારા મન બંને ખુલ્લા જ છે” એમ કહીને અનોખી ત્યાંથી નીકળીને ચાલવા માંડી. 





સદિયોથી સ્ત્રીઓ ધર્મ,
સમાજ, ઘર, વર, જર જેવા કેટલા થુંક ઉતારતી જ આવી છે. જેમ સદીઓ પહેલા હિંદુઓ મુસલમાનના
થુંકથી વટલાયા તેમ સ્ત્રીઓ તો આજે પણ સમાજ, ઘર, વર, અને બીજા પુરુષોથી થી સતત વટલાય
જ છે ને ! ધર્મ કે સમાજ પ્રત્યેની એમની નારાજગીનું શું ? 





ગુસ્સો, રોષ, આક્રોશ
જેવી વિવિધ લાગણીઓ અનુભવતી અનોખીને નાનપણથી સતત સાંભળેલી શિખામણ યાદ આવતી રહી, “બેટા,
ગુસ્સાને ગળતા શીખ.”  અને, અનોખી થુંકનો ઘૂંટડો
ગળે ઉતારી ગઈ.





કદાચ, આ સમાજ નો
રાજીપો આમાં જ છે.


*****************











Comments

  1. It is quite true and relatable in some aspects.. thank you for sharing this.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health