Story: વસાહત
અમદાવાદ પાછા આવવા નીકળતા પહેલા માનવને ગીરમાં રહેતા માલધારીઓમાંના સૌથી વડીલ એવા રેવાબાપાને મળવાની ખુબ ઈચ્છા હતી . તપાસ કરી તો ખબર પડી કે ચોમાસાને લીધે એ દુધાળા નેસનું પોતાનું ઘર છોડીને દીકરાને ઘરે બાકોલ ગામે ગયા છે . સાસણથી પચીસેક કિલોમીટરે દુર આ ગામે પહોંચ્યા તો જોયું કે નાનકડી ટેકરીની તળેટીમાં એક જ ઢબના પથ્થરથી બનાવેલા મકાનોની હારમાળા હતી . ટેકરી ઉપર પીઠડમાનું મંદિર છે એવું દર્શાવતું એક નાનકડું પાટિયું અને એની પાસે ‘વલ્લભનગર’ લખેલું એક બીજું પાટિયું હતું . સોએક વર્ષના રેવાબાપા અને એમના ૬૫ - ૭૦ વર્ષના દીકરા સાથે ખુબ વિગતે વાત કરી તો માલધારીઓની વિષે આશ્ચર્ય પમાડે એવી બે હકીકતો સામે આવી . એક , માલધારીઓનો જંગલમાં સિંહોની સાથેનો વસવાટ સો - દોઢસો વરસ કરતા વધારે જુનો છે . જયારે જૂનાગઢમાં નવાબનું રાજ હતું ત્યારે સતત શિકારથી લગભગ ૧૫ જેટલા જ સિંહ બચેલા . તે સમયે આ માલધારીઓના પ્રયત્નોના આધારે જ નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મુકેલો . બીજી વધુ રસપ્રદ હકીકત એ સામે આવી કે ૧૯૭૫માં જયારે ગીરનું જંગલ એક નેશનલ પાર્ક અને અભ્યારણ જાહેર થયું ત્યારે આ જ માલધારીઓને જંગલની બહાર ખસેડવામાં આવ્યા . આ ...