Story: વસાહત
અમદાવાદ પાછા આવવા નીકળતા પહેલા માનવને ગીરમાં રહેતા માલધારીઓમાંના
સૌથી વડીલ એવા રેવાબાપાને મળવાની ખુબ ઈચ્છા હતી. તપાસ કરી તો ખબર પડી કે
ચોમાસાને લીધે એ દુધાળા નેસનું પોતાનું ઘર છોડીને દીકરાને ઘરે બાકોલ ગામે ગયા છે. સાસણથી પચીસેક કિલોમીટરે દુર આ ગામે પહોંચ્યા તો જોયું કે નાનકડી ટેકરીની
તળેટીમાં એક જ ઢબના પથ્થરથી બનાવેલા મકાનોની હારમાળા હતી.
ટેકરી ઉપર પીઠડમાનું મંદિર છે એવું દર્શાવતું એક નાનકડું પાટિયું અને એની પાસે ‘વલ્લભનગર’
લખેલું એક બીજું પાટિયું હતું.
સોએક વર્ષના રેવાબાપા અને એમના ૬૫-૭૦ વર્ષના
દીકરા સાથે ખુબ વિગતે વાત કરી તો માલધારીઓની વિષે આશ્ચર્ય પમાડે એવી બે હકીકતો સામે
આવી. એક, માલધારીઓનો જંગલમાં સિંહોની સાથેનો
વસવાટ સો-દોઢસો વરસ કરતા વધારે જુનો છે. જયારે જૂનાગઢમાં નવાબનું રાજ હતું ત્યારે સતત શિકારથી લગભગ ૧૫ જેટલા જ સિંહ
બચેલા. તે સમયે આ માલધારીઓના પ્રયત્નોના આધારે જ નવાબે સિંહોના
શિકાર પર પ્રતિબંધ મુકેલો. બીજી વધુ રસપ્રદ હકીકત એ સામે આવી
કે ૧૯૭૫માં જયારે ગીરનું જંગલ એક નેશનલ પાર્ક અને અભ્યારણ જાહેર થયું ત્યારે આ જ માલધારીઓને
જંગલની બહાર ખસેડવામાં આવ્યા. આ ‘વલ્લભનગર’ એટલે ગીરમાંથી બહાર
ખસેડવામાં આવેલ માલધારીઓનું નવું વસાવાયેલું ગામ. ‘ઈ સરકારી નામ
વલ્લભનગર, પણ અમારે તો બાકોલ જ ગણો ને!’ રેવાબાપા હસતા હસતા બોલ્યા. માનવે, સહજ રીતે સરખામણી કરતા પૂછ્યું, ‘હે દાદા,
આમ નેસમાં અને અહિયાં ગામની જીંદગીમાં શું ફરક ? રેવાબાપા બે ઘડી શાંત થઇ ગયા, દૂર ક્ષિતિજમાં જોતા રહ્યા અને પછી હળવો નિસાસો નાખીને બોલ્યા, ‘ફરક તો રેવાનો
ભાઈ’. પણ, આમ જુવો તો સરકારે ઘણું આપ્યું. સાડા અઢાર વીઘા જમીન
આપી, રહેવા માટે મકાન બાંધી આપ્યું’, લાઈટ-પાણીની સુવિધા આપી,
ને અમારા છોકરા નિશાળે જતાં થયા". પછી, માનવ સામે જોઇને ઉમેર્યું, ‘પણ, આ વસાહતમાં અમને સોરવે
નહિ’.
માનવને થોડું અજુગતું લાગ્યું.
એણે તરત પૂછ્યું, ‘દાદા, તમને અહી આજ-કાલ કરતા એકતાલીસ વરસ થયા !! મારી આખી ઉંમર કરતા વધારે સમયથી તમે અહિયાં રહો
છો અને તો’ય તમે એને હજુ ‘વસાહત’ કહો છો? તમને આ જગ્યા હજુ ગામ નથી લાગતી?
રેવાબાપા ભીની આંખે એમના નાના દીકરા સામે જોઇને કહે, આમને માટે
આ ગામ હશે, પણ અમારા માટે તો આ વસાહત જ! અને પછી થોડા બોખા મોઢે
થોડું હસ્યા, અને બોલ્યા, ‘પણ ભાઈ,તમે વાત સમજી ગયા હો!’.
-----***----
એક રિસર્ચર તરીકે માનવને અવનવા અનુભવો થતા રહેતા. ચાલીસ
વરસની ઉંમર અને ૧૫ વરસનો કામનો અનુભવ. દેશવિદેશના પ્રવાસો, ભારતના અલગ-અલગ રાજ્યોના
અંતરિયાળ વિસ્તારોની મુલાકાતો, વિવિધ પ્રકારના માણસો સાથેના સંવાદો, અને અઢળક
વાંચનથી એ સતત ઘડાતો ગયો. અલગ ઘરેડની શિક્ષિકા પત્ની મિતાલી અને સૌથી અનેરી દીકરી સુજાતા
પણ એના જેવા જ – સામાજિક દ્રષ્ટીએ વિચિત્ર લાગે એટલું રખડવાનો, નિતનવું અનુભવવાનો
અને શીખતા રહેવાનો એમનો ય શોખ. આઠ વરસની થઇ ત્યાં સુધીમાં તો સુજાતાએ મમ્મી-પપ્પા
સાથે કઇ કેટલા પર્વતો, જંગલો, નદીઓ અને દરિયાઓ ખુંદી નાખેલા. મરીન કેમ્પ હોય કે
રીવર રાફટીંગ, રોક-ક્લાઈમ્બીંગ- રેપલીંગ હોય કે ટ્રેકિંગ, કે પછી અલગારી રખડપટ્ટી.
માનવ, મિતાલી અને સુજાતા સાથે સાથે ખુબ મજા કરતા રહેતા. એવામાં માનવને કામ અને શોખને ભેગા કરી શકાય એવી
તક મળી – ગીરના જંગલમાં રહેતા માલધારીઓના જીવન પરનું સંશોધન.
બે-ત્રણ મહિના માટે માલધારી લોકોના સતત સાનિધ્યમાં રહીને,
એમની જેમ જીવીને એમની જીવનશૈલી વિષે જાણવા સમજવાનું હતું. આ સંશોધનની તૈયારી માટે માનવ બે-ત્રણ દિવસ માટે ગીરમાં ગયો.
સ્થાનિક માણસોની મદદથી જંગલની અંદર નેસમાં રહેતા પરિવારોને મળ્યો. ઓળખાણ આપી,
કામને સમજાવ્યુ. ઘરડા, જુવાન અને બાળકો સાથે વાતો કરી. બહેનો સાથે બહુ વાત ના થઇ
શકી પણ એટલું સમજાયું કે માલધારી સ્ત્રીઓ આમ સાવ અજાણ્યા માણસને પોતાના જીવનની
અતરંગ વાતો નહિ કરે. ચાર-પાંચ નેસની મુલાકાત પછી માનવને સમજાણું કે એના કામને જો
સરખી રીતે કરવું હશે તો પોતે જયારે પુરુષોની વિગત-માહિતી ભેગી કરશે ત્યારે
સ્ત્રીઓની અને બાળકોની વિગત-માહિતી માટે
એક સ્ત્રી કર્મચારીની જરૂર પડશે જ. મનમાં વિચાર આવી ગયો કે અમદાવાદ પાછો
જઈને મિતાલી સાથે વાત કરશે. જો એ રાજી થશે તો સુજાતાની સ્કુલમાં પણ વાત કરી લઈશું.
---***---
‘અકુપારની વાર્તામાં
સમજાવે છે એમ જંગલી જાનવર પણ કોઈ છોડને મૂળમાંથી નથી ખાતું. જમીનમાં ઉગતું ઘાસ પણ
હરણાઓ ઉપર ઉપરથી જ ખાય. પણ, વિકાસના નામે માણસે એવી વ્યવસ્થા ઉભી કરી છે કે સમાજના
કોઈ એક વર્ગની સગવડ વધારવા માટે કોઈ બીજા વર્ગના માણસોને એમના જડમૂળ જેવા ઘર-ખેતર-સમાજ-
સંસ્કૃતિથી આપને અલગ કરી દઈએ!!.’ ‘ભારત-પાકિસ્તાનના ભાગલા, પંજાબીઓ, બંગાળીઓ અને
સિંધીઓ વિષે કેવી કેવી વાતો સાંભળી સમજી છે અને તોય, નર્મદા ડેમના વિસ્થાપિતોના
પ્રોબ્લેમને સમજવામાં આપણને કેટલી વાર લાગી હતી?" "અને હવે, આ
માલધારીઓની વાત. જેમને લીધે સિંહો રહ્યા અને વધ્યા એમને જ સિંહોના સંરક્ષણના ખાતર એમના
ગમતા જંગલથી બહાર કાઢી નાખવાના??’ તું, વિચાર તો કર, મિતાલી!!!
અમદાવાદ પાછો આવીને માનવ બે દિવસ સુધી સતત ગીરની અને માલધારીઓની
સાથે થયેલી અવનવી વાતો કરતો રહ્યો. મિતાલીને પણ માલધારીઓમાં અને એમના જીવનમાં રસ
પડ્યો અને માનવની બે મહિના માટે સાસણ રહેવાની અને સાથે કામ કરવાની વાત એણે સહર્ષ
સ્વીકારી લીધી અને બીજા જ દિવસે સુજાતાના પ્રિન્સીપાલને મળી આવી.
---***--
પ્રિન્સિપાલે સુજાતાના વખાણ કરીને કીધું હતું કે, ‘દીકરી હોશિયાર
છે, તમે કોઈ બ્રાઈટ સ્ટુડંટની નોટબુક ઝેરોક્ષ કરાવી લેજો એટલે વાંધો નહિ આવે. આમ
બે મહિના સળંગ ગેરહાજર નહિ રાખી શકાય, પણ કૈક રસ્તો નીકળશે’
‘તમે એક અરજી આપી દો’.
મિતાલીએ માનવને ખુશ થઈને આ સમાચાર આપ્યા ત્યારે સુજાતા હાજર
જ હતી. ઘરના નાના-મોટા નિર્ણયો ત્રણે જણા સાથે જ
લેતા, એટલે ગીર જવાની વાત પણ સાથે જ થયેલી. શરૂઆતમાં તો સુજાતાએ
જંગલમાં રખડવા મળશે એમ માનીને ખુશી વ્યકત કરેલી પણ જયારે ખબર પડી કે બે મહિનાની વાત
છે તો કજીયા સાથે કહેલું કે, ‘ના હો, મારે પછી કોઈકની બુક માંગીને
એક સાથે લખવી પડે’ મને એવું નથી કરવું.’ પછી, આજે જયારે મમ્માની
પ્રિન્સીપાલ સાથે થયેલી વાત જાણી તો સુજાતા ખુશ થવાને બદલે ઉદાસ થઈને રડવા લાગેલી. ‘પણ, એ તો સાવ અજાણી જગ્યા ! ત્યાં તો મારા કોઈ ફ્રેન્ડ નહિ હોય, તમે અને પપ્પા તો કામમાં બીઝી હશો, હું કોની સાથે રમીશ?’ – જેવી રજૂઆતો કરી. સામે મમ્મી મિતાલીએ ‘નવી જગ્યાએ
નવા ફ્રેન્ડ બનશે. કામ તો અહિયાં પણ કરીએ જ છીએ ને’ – એવી દલીલો કરી. અંતે, ‘પણ, મને
એક-બે દિવસ વિચારવા માટે તો આપો!’, કહીને સુજાતા રડી પડી અને એના રૂમમાં જતી રહી. મિતાલીએ ઈશારો કરીને માનવને કીધું કે, ‘બાળક છે, ચિંતા ના કરો, હું સમજાવી દઈશ’.
---***---
માનવ ઓફીસે જઈને આખો દિવસ કામમાં લાગેલો રહ્યો. સાસણ
જતાં પહેલા ઘણા કામ પુરા કરવાના હતા એટલે આજે ખુબ કામ રહેવાનું હતું. મિતાલી અને સુજાતા સાથે આવવાના હતા
એટલે ગીરના કામને લઈને માનવ હવે થોડો નિશ્ચિંત હતો પણ મનમાં અજાણી જગ્યાએ કુટુંબ
સાથે રહેવા જવાનો આનંદ-મિશ્રિત અજંપો અને ચિંતા હતી. જુના કામ પતાવવામાં લાગેલા માનવના
મનમાં ગીર, ગીરના લોકો અને એમની વાતો સતત રમ્યા કરી. આખા
દિવસના કામ અને ખુબ બધા વિચારોથી સાંજ પડતા થાકીને ટેબલ પર બે હાથ રાખીને એના પર
માથું ઢાળીને બેઠેલા માનવની બંધ આંખમાં ઘણી બધી ભાગતી તસ્વીરોના અંતે રેવાબાપા દેખાણા.
ભીની આંખે અને થોડા બોખા મોઢે બોલ્યા, ‘આ વસાહતમાં અમને સોરવે નહિ’!!’ આટલું કહીને
પાછા અંતર્ધ્યાન થઇ ગયા. મનની અંદર સાવ ખાલીપો અનુભવાયો અને એ જ ક્ષણે સુજાતાનો
રડતો ઉદાસ ચહેરો સામે આવ્યો અને સાથે સંભળાયો રેવાબાપનો એ જ સવાલ, ‘કાં ભાઈ, તમે તો
વાત સમજી ગયા’તા ને?!!!’
માનવની બંધ આંખ ખુલી ગઈ. ‘વીજળીના ચમકારે મોતીડા પરોવોને
પાનબાઈ’ની જેમ કૈક અચાનક જ સમજાયું હોય એમ એ જ ઘડીએ કોમ્પ્યુટર બંધ કરીને, ઓફીસ
સમેટીને માનવ ઘરે ભાગ્યો. સુજાતા બહાર ગાર્ડનમાં એના ફ્રેન્ડસ સાથે રમતી હતી. એની
પાસે જઈને માનવ ગોઠણભેર થયો, ભેટ્યો અને બે-ત્રણ પપ્પીઓ કરી. પછી, સુજાતાની આંખ
સામે આંખ લાવીને બોલ્યો, ‘બેટા, હું સમજી ગયો. તું અહી જ રહેજે મમ્મા સાથે. તને
ગીર ના આવવું હોય તો કઇ નહિ..’!!!
___________________________________________________________________________
OMG...
ReplyDelete