World population day -બેટી-બચાવો બેટી-વધાવો’થી ઉપર ઉઠીએ !!
કોઈ પણ ગામ, શહેર, જીલ્લો, રાજ્ય, કે દેશની વસ્તી વધવા કે ઘટવા પાછળ ત્રણ પ્રક્રિયાઓ કારણભૂત હોય છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર અથવા માઈગ્રેશન. આ ફેરફારો સામાન્ય લોકો કુટુંબના સ્તરે જ અનુભવતા હોય છે. પણ, રિસર્ચર લોકો આવા ફેરફારોને સામાજિક સ્તરે સમજવાની કોશિષ કરતા હોય છે. આવા લોકોને ડેમોગ્રાફર કે પોપ્યુલેશન સાઈન્ટીસ્ટ પણ કહેવાય. લોકોના જન્મ કે મરણથી વસ્તીમાં વધારા કે ઘટાડા સિવાય શું ફરક પડે? આવી આમ સાવ કુદરતી પ્રક્રિયા પાછળ પણ કોઈ વિજ્ઞાન હોય? એનાથી સામાજિક સ્તરે કેવા કેવા ફેરફાર આવી શકે અને એ ફેરફારોને કેવી રીતે સમજી શકાય ? આવા ફેરફારોની ખરાબ અસરને કેવી રીતે ઓછી કરી શકાય?
આ વાતને થોડા રોજીંદા જીવનના દાખલાથી સમજીએ. ‘બેટી બચાઓ – બેટી વધાવો’ તો સાંભળ્યું જ હશે !! આવા કાર્યક્રમોની જરૂર કેમ પડી? કારણ કે છોકરા-છોકરીના જન્મના સરેરાશ પ્રમાણમાં સામાજિક સ્તરે ફેરફાર દેખાયો. છેલ્લા ચાર દસકાની વસ્તી ગણતરીમાં એવું જણાયું કે છોકરા કરતા છોકરીઓ ઓછી જન્મે છે. આવું કેમ થયું? અથવા, બીજા શબ્દોમાં પૂછીએ તો, ‘સામાજિક સ્તરે કોઈ સમુદાય/ધર્મ/જ્ઞાનીના લોકો કેમ એવી પસંદગી કરતા થયા કે જેનાથી બાળકીઓની સરેરાશ સંખ્યા અને પ્રમાણ ઓછા થયા?’ આની પાછળ એક-બીજા સાથે સંકળાયેલી ઘણી પ્રક્રિયાઓ ભાગ ભજવતી હોય છે. આવી બે સૌથી મહત્વની પ્રક્રિયા છે – ‘પરિવાર દીઠ બાળકોની સંખ્યામાં ઘટાડો’ અને ‘સરેરાશ આયુષ્યમાં વધારો’.
એક-બે પેઢી પહેલાંના કુટુંબોને જોઈએ તો દરેક ઘરમાં – એટલે કે દરેક સ્ત્રીને - સરેરાશ ચાર-પાંચ બાળકો થતા. ચાર-પાંચ બાળકોમાં એક-બે દીકરાઓ તો થઇ જ જતાં. એટલે દીકરા-દીકરી એવી પસંદગીની જરૂર ન રહેતી. વધારે બાળકો હોવા પાછળ એક મૂળભૂત કારણ એ પણ હતું કે બાળ-મૃત્યુનું પ્રમાણ પણ વધારે હતું. સમયાંતરે તબીબી સુવિધાઓ મળતી થઇ એટલે બાળકો લાંબુ જીવતા થયા. પછી, પરિવાર નિયોજનની જરૂરિયાત સ્વીકારાતી થઇ એટલે ઓછા બાળકો, નાનો પરિવાર થતા ગયા. એટલે, બે-ત્રણ દસકાની અસર જોતા એવું લાગે કે આજની કે આજની પહેલાની પેઢીમાં સરેરાશ એક-બે બાળકોની પ્રથા પડવા માંડી. જયારે પરિવાર નાનો રાખવાનો હોય ત્યારે દીકરા-દીકરી એવી પસંદગીની વાત આવવાની શરુ થઇ. ઓછામાં ઓછું એક સંતાન તો દીકરો જોઈએ જ – આ જૂની પ્રણાલી હવે ઉભરીને જરૂરિયાત બની ગઈ. આવું ખાસ કરીને એવા પરિવારોમાં વધારે જોવા મળે કે જ્યાં બાળકોની સંખ્યા ઓછી થતી ગઈ, અને આર્થિક સદ્ધરતા વધતી ગઈ. ગરીબ પરિવારોને ત્યાં હજુય સરેરાશ ત્રણ-ચાર બાળકો હોય અને એમાં પસંદગીની કોઈ જરૂરિયાત પણ ના હોય.
આર્થીક સદ્ધરતા એ દીકરા-દીકરીની પસંદગીને અસર કરતુ એક મહત્વનું પાસું છે. ખાસ કરીને ભારતીય સસ્કૃતિમાં કે જેમાં લગ્ન પછી છોકરો પોતાનું ઘર નથી છોડતો પણ વહુ તેનું ઘર છોડીને સાસરે રહેવા આવે છે. અંગ્રેજીમાં આ પદ્ધતિને Patrilocality કહેવાય. જે પરિવારોમાં આર્થિક સદ્ધરતા હોય, સ્થાયી મિલકત હોય, તેમને માટે વંશવેલો વધારવાનું આર્થિક દ્રષ્ટીએ ખુબ મહત્વનું બની જાય. આમ તો દીકરાને હિંદુ ધર્મમાં શાસ્ત્રોક્ત રીતે નરકમાંથી બચાવનાર કીધો છે અને એટલે પુત્ર-ઝંખનાને કૈક અંશે વાજબી ગણાવાય છે. પરંતુ, દીકરાની ચાહના કે ઝંખના પાછળ ઉપર જણાવેલ આર્થિક સમજ પણ કામ કરતી હોય છે. એટલે જ, ધર્મના આધારે જોઈએ તો છોકરા-છોકરીના પ્રમાણમાં સૌથી નીચે – એટલે કે સૌથી ખરાબ પ્રમાણ - શીખ અને જૈન લોકો છે, અને સૌથી ઉપર ખ્રિસ્તી અને મુસ્લિમ લોકો આવે છે. એક સંશોધન મુજબ એવું જોવામાં આવ્યું છે કે શીખ અને જૈન લોકોમાં વડીલોનું દીકરાઓ સાથે રહેવાનું પ્રમાણ ખુબ વધારે છે જયારે ખ્રિસ્તી લોકોમાં આ પ્રમાણ ઓછું છે. એટલે જ માતૃકુલીય કે માતૃવંશીય સમાજમાં કે પછી એવા સમાજમાં કે જ્યાં નજીકના સગાઓમાં લગ્ન થતા હોય ત્યાં દીકરીઓના ઘટતા પ્રમાણનો આટલો બધો પ્રોબ્લેમ નથી. કારણકે, ઘરની મિલ્કતની વહેચણી ઘર-કુટુંબના લોકોમાં જ થાય છે.
દીકરાની જરૂરિયાત વૃધાવાસ્થામાં જરૂરી સેવા-સહારા માટે પણ છે. જુના જમાનામાં સરેરાશ ઉંમર ઓછી હતી. લગ્નની અને એટલે માં-બાપ બનવાની સરેરાશ ઉંમર ઓછી હતી. નાની ઉંમરમાં થતા ચાર-પાંચ સંતાનો પણ માં-બાપ વૃદ્ધાવસ્થામાં પહોચે ત્યાં સુધીમાં યુવાન થઇ જતાં. કાકા-બાપના સંયુક્ત પરિવારમાં ઘડપણના થોડાક વર્ષો સચવાઈ જતાં. પણ, નાના અને વિભક્ત થતા પરિવારો અને સાથે સાથે, સરેરાશ ઉમર વધતા, લાંબુ ખેચાતા ઘડપણના લીધે ઘડપણની જરૂરિયાતોનું આયોજન પણ જરૂરી બન્યું. અને, દીકરી પરણીને સાસરે જાય એવી સામાજિક વ્યવસ્થામાં દીકરો હોવો એટલે ઘડપણમાં ‘બે માણસ’ની સંભાળની શક્યતા, અને દીકરી હોવી એટલે ઘડપણમાં કોઈ સંભાળ લેનારું કોઈ નહિ. એટલે, જયારે યુવાનીમાં કેટલા બાળકો કરવા (નાનો પરિવાર, સુખી પરિવાર) એવી પસંદગીની સમજ બંધાતી ગઈ ત્યારે દીકરાની જરૂરિયાત પણ દ્રઢપણે બંધાતી ગઈ. બદલાતા સમયમાં કુટુંબની સમજ પણ બદલાઈ રહી છે. વિભક્ત પરિવાર, નોકરિયાત આવક, સ્ત્રીઓની વધતી જતી આર્થિક અને સામાજિક ક્ષમતા, અને ઘડપણનું આર્થિક આયોજન – આ બધું દીકરા/દીકરીના જન્મના નિર્ણયને અસર કરશે જ.
આમ, બાળકીઓનું ઘટતું જતું પ્રમાણ એ અલાયદો વિષય નથી. મહિલાઓને અપાતું સન્માન એ લાગતો વળગતો વિષય ખરો પણ, અંતે તો આ સામાજિક પ્રક્રિયા અને પસંદગીનો વિષય છે. સામાજિક સ્તરે સેંકડો લોકો દ્વારા થતી આવી પસંદગીઓ પાછળ પણ ઘણા સામાજિક, આર્થિક, અને કૈક અંશે સાંસ્કૃતિક પરિમાણો પણ કારણભૂત હોય છે. આ બધા પરિમાણો સમજવા જરૂરી છે અને આવા ફેરફારો કેમ આવ્યા એ સમજવાની જરૂર છે. આવનાર બે-ત્રણ દસકામાં થનારા પરિવર્તનોની સચોટ આગાહી કરીને એને માટે તૈયારી કરવાની જરૂર છે. બાકી, ફક્ત રેલીઓ કાઢવાથી, કે પ્રવચનો દેવાથી, કે દીકરીઓ સાથે સેલ્ફી પડાવવાથી ઉકેલ આવી જાય એવો સરળ પ્રશ્ન આ નથી. સ્ત્રીઓનું (ફક્ત બેટીઓનું નહિ) સામાજિક અને આર્થીક મુલ્ય વધે તે માટેના પ્રયત્નો જરૂરી છે. સાથે જ વૃધાવાસ્થાની સાર-સંભાળ, તેની સામાજિક અને આર્થિક જરૂરિયાતો, અને તે માટે પુરુષોનું સામાજિક અને આર્થીક મુલ્ય ઘટે (એટલે કે સરકાર મારી ઘડપણની લાઠી બનશે, અને મારે એ માટે દીકરાની જરૂર નહિ પડે એવો વિશ્વાસ બંધાય) એવા પગલાઓની અંત્યત અને તાકીદે જરૂર છે.
આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે – એટલે કે વિશ્વ વસ્તી દિન – નિમિતે એટલું સમજીએ કે વસ્તીમાં થતા ફેરફારો ખુબ જ અગત્યના છે. વસ્તીમાં વધારો કે ઘટાડો મહત્વનો જ છે. પણ, વસ્તીના પ્રમાણ અને માળખામાં થતા ફેરફારો પણ એટલા જ મહત્વના છે.
Comments
Post a Comment