"હાજર હ્રદયથી હોઈએ" ગઝલ સંગ્રહની વાત
ગઝલ કવિતાઓનું પુસ્તક હાથમાં આવે અને
એકાદ ગઝલ વાંચીએ તો હજુ બીજી વાંચવાનું મન થાય એવું ઘણા વખતે થયું. થોડી ઘણી રચનાઓ વાંચ્યા પછી એટલા માટે સાઈડમાં
મૂકવાનું મન થયું કારણ કે કેટલીક પંક્તિઓએ મનને જકડી દીધું. પેન્સિલ લઈને બેઠો કે આવી પંક્તિઓને નોંધું તો
એકાદ ગઝલમાં તો બધા જ શેર માં નોંધ થઈ. વિકી
ત્રિવેદીને બુક રિસીવ થયાનો મેસેજ કર્યો ત્યારે લખ્યું હતું કે બુક વાંચીને
અભિપ્રાયો લખીશ. પણ, આવી રીતે વાંચવાનું શરૂ થયું એટલે ફરી જણાવ્યું કે હમણાં તો
ભૂખ ઊઘડી છે, પેટ ભરાશે પછી જ લખાશે. આવું મને ઘણા વર્ષે થયું. મારા માટે ‘હાજર હ્રદયથી
હોઈએ’ આટલી મહત્વની છે. ઘણા વરસની ભૂખ ભાંગનારી આ બુક વિષે મારા વિચારો અને ભાવનાઓ
લખવાનો રાજીપો છે.
![]() |
વિકીની કવિતાઓ માં સંદર્ભોનો વ્યાપ બહુ વિશાળ છે. એટલે એની કવિતાઓમાં પુનરાવર્તનો
ઓછા છે. એ દોસ્તી અને પ્રેમ વિષે લખે છે અને સાથે સાથે એ ગરીબી અને પીડા વિષે પણ લખે
છે. એ પોતાના વિષે તો લખે જ છે પણ સાથે સાથે પરમાત્મા વિષે પણ એટલી જ સહજતા થી લખે
છે. એમની રચનાઓના અલગ અલગ સંદર્ભનાં શેરનું અલગ થી સંકલન કરીને એના પર પણ લખી શકાય.
આ લેખમાં હું એમાંથી મને રસ પડેલા બે સંદર્ભોની
વાત કરીશ – એક ઈશ્વર અને બીજી મા.
ઈશ્વર સાથે નાં સંવાદો અને ઈશ્વર
વિષેની વાતો નાઝિર દેખૈયાની રચનાઓમાં વાંચેલી/સાંભળેલી. પછી સૌમ્ય જોશીની ‘ઠોકર
સાથે તુજ નામ’ માં અનુભવેલી. ત્યાર પછી ઈશ્વર સાથે રૂબરૂ કરનાર વિકી ત્રિવેદી
પહેલા કવિ છે મારા માટે. ક્યાંક કવિ પ્રભુનો
પાડ માને છે. ક્યાંક એ ઈશ્વરને સાદ પાડે છે, તો ક્યાંક ખુદાને ફરિયાદ ક્કરે છે. દરેક
વખતે અલગ અંદાજમાં વિવિધ રીતે આત્માની પરમાત્મા સાથે મુલાકાત કરાવે છે. અલગ અલગ ગઝલનાં
જે થોડા શેર નીચે ટાંક્યા છે એનો પૂરો આસ્વાદ તો આખી ગઝલ વાંચે જ મળશે.
‘તેના ઉપર
તો ગર્વ હશે ઈશ્વરોને પણ,
ભક્તિ સુધી લઈ ગઈ જેની તરસ મને’
આભાર ઓ પ્રભુ કે તેં રાખ્યો છે ઘૂમતો,
રાખે છે એ ઘુમાવ સતત એક રસ મને.’
પ્રભુ મેં કેવી કેવી જંગ જોઈ એ તું જાણે છે,
આ દુનિયાને કહી દે એ કરે છે એ છમકલું છે
બનાવ્યો છે અલગ તેથી અલગ છે રીત પણ મારી,
ખુદા મે બંદગી તારી કરી ફરિયાદના પરદે
મારવા નહીં દે એક બીજું જીવવા ન દે,
ઈશ્વર અને જગત અહિયાં સરખા ખરાબ છે
હું ખોટું જોઈને રડું કારણ મનુષ્ય છું,
પણ તું પ્રભુ છે તારે પ્રભુ ખળભળાય નહીં
‘વિકી’ માંનું કે ના માંનું પરંતુ કૈંક લાલચ છે,
નથી મંદિરે જતો પણ દૂરથી જય જય કરી લઉં છું
આખા જગતને સુખમય કરવા જે ઝંખતો’તો,
એ આદમી ઉપર જઈ ઈશ્વર બને તો સારું
હું એક છું, તું એકના હિસાબે પીડા દે,
ભગવાન, મારી ભીતરે બે-ત્રણ જણા નથી
એવી અદાથી એણે કહ્યું કે શું જોઈએ?
બોલી જવાયું કે પ્રભુ કોઈ અછત નથી
તો પ્રશ્ન એ છે કે પ્રભુ મારા લલાટે શું લખ્યું?
હું જે ચહું છું એ તો બીજાના લલાટે હોય છે.
તું ઝુંપડીમાં પણ ગરીબીને નહીં સમજી શકે,
તું ઝુંપડીમાં પણ પ્રભુ હિંડોળાખાટે હોય છે.
પોતાની સ્વર્ગીય માને અર્પણ કરેલી વિકી ત્રિવેદીની આ બૂકની રચનાઓમાં ઈશ્વરની સાથે સાથે એક બીજી સતત હાજરી
મા ની વર્તાય છે. મજાની વાત એ છે કે એમની ગઝલોમાં માનો દરેક ઉલ્લેખ માની ગેરહાજરી થકી
જ છે. આ પહેલા વાંચેલા કે સાંભળેલા કોઈ કવિની આટલી બધી રચનાઓમાં મા નો ઉલ્લેખ આટલી
વિવિધતાથી અને આટલી સરસ રીતે જાણ્યો અને માણ્યો નથી. મા માટેના થોડા શેર નીચે ટાંક્યા
છે પણ સૂચન એ જ છે કે આ શેર ને એમની પૂરી ગઝલ સાથે વાંચવાનું ચૂકવું નહીં.
તો માનાં ચિત્ર માટે જે માંગે એ આપી દઉં,
ચીતરી શકાય મમતા અગર ચિત્રકારથી
નહિતર તો મા રહે નહીં આવ્યા વગર અહી,
નક્કી અવાજ ચીસનો ઉપર નથી ગયો
શું દોડી આવશે એ સ્વર્ગમાંથી પણ ?
મે રડતાં રડતાં માને બૂમ પાડી છે
માનાં જવાથી આવી ગયો તર્કમાં ફરક,
સમજી ગયો છું પ્રેમ અને શર્તમાં ફરક
મા સ્વપ્નમાંય આવી ઓઢાડવા મને જો,
તો રાતભર ઠર્યાનો અફસોસ ના થયો કઈ
પાછલી રાતે મને મા સ્વપ્નમાં આવી હતી,
બે ઘડી તો બે ઘડી પણ બાળપણ પાછું મળ્યું
નાની વયે જ જેણે બીમાર માને ખોઈ,
એ બાળ મોટું થઈને ડૉક્ટર બને તો સારું
અને છેલ્લે મને ગમતા આ બંને સંદર્ભોને સાથે લાવતી સૌથી અનેરી
વાત કે જેમાં કવિ અસરકારક રીતે ક્યારેક માને પ્રભુની સાથે લાવે છે તો ક્યારેક એમની
સામે. જુઓ.
ને તારે આવવું છે પ્રભુ માનાં સ્થાન પર ?
અહી તો મને જે દુખી કરે એનાથી લડતી’તી
શું તારે મારી માની સાથે ઝગડા થાય છે ઈશ્વર?
આ છેલ્લે મુકેલ શેર આ પુસ્તકની છેલ્લી એટલે કે ૧૫૧મી ગઝલનો શેર
છે. આ ગઝલ આમ તો અહિયાં આખે આખી મૂકવાનું મન થાય પણ જો તમે અહિયાં સુધી આ વાંચ્યું જ છે તો મારી વિંનતી
છે કે ‘હાજર હ્રદયથી હોઈએ’ ખરીદો અને એક પછી એક રચનાઓને માણતા માણતા આ છેલ્લી ગઝલે
પહોંચીને આખી રચનાને દિલથી જાતે જ વાંચશો ને તો ખૂબ મજા પડશે.

સ-રસ!👍👍👍👌👌👌💐💐💐
ReplyDeleteસ-રસ!👍👍👍👌👌👌💐💐💐
ReplyDelete