પંદરમાં જન્મદિવસે મારી દીકરીને પત્ર
- An English version of this letter is available here -
૧૯ ઓકટોબર ૨૦૨૧
પ્રિય છમ્મુ
આ તારો પંદરમો જન્મદિવસ છે. તે મને દસમા જન્મદિવસે લખી
હતી એવી કવિતા લખવા કીધું પણ હું નાં લખી શક્યો. એના બદલે તને આ પત્ર લખું છું.
પંદરમું વર્ષ આમ તો દરેકના જીવનનો એક અગત્યનો પડાવ હોય છે. છોકરીઓ માટે તો ખાસ. એક
રીતે જોઈએ તો હવે તારી ગણના એક બાળક તરીકે નહીં થાય. હવેથી તારો સમાવેશ કામ કરી
શકે એવા લોકોમાં અને પ્રજનનની દ્રષ્ટિએ વયસ્ક એવી સ્ત્રીઓમાં થાય. કેવું સરસ,
નહીં?
જીવનનો આ સમય બહુ મજાનો હોય છે. મારા માટે આ સમય લગભગ ૩૦ વરસ પહેલા હતો. એક
પંદર વર્ષના માણસ તરીકે આપણે આપણી વાસ્તવિક્તાને સવાલ કરતાં હોઈએ. આપણાં આજુબાજુના
લોકો કે પરિસ્થિતિ એ ઊભી કરેલી મર્યાદાઓને આપણે સવાલ કરતાં થઈએ. આપણે આપણી આજુબાજુની નાનકડી દુનિયા અને વિશ્વને
બહેતર બનાવવાના પ્રયત્નો કરતાં હોઈએ. એક ભવિષ્યવાદી તરીકે આપણે આશા અપેક્ષાઓથી
ભરપૂર હોઈએ. આ બધુ સ્વાભાવિક છે. તો, જ્યારે તું પંદર વર્ષની થનગનતી છોકરી તરીકે
ભવિષ્યના જીવનની વાટ માંડે ત્યારે મારે તને મારા ભૂતકાળની થોડી વાત કરવી છે.
હું જેને જોઈ કે મળી નથી શક્યો એવા મારા દાદી કદાચ
પંદર વરસની ઉંમરે પરણી ગયા હતા. એમનું લગ્ન પહેલાનું અને પછીનું કુટુંબ સાવ
સામાન્ય આવકવાળું હતું. આજની સરખમણીમાં એમને ગરીબ કહી જ શકાય. એ લોકો ભાવનગરના
ગીચ વસ્તી ધરાવતા શેરી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા. મારા નાનીની
પરિસ્થિતિ પણ કઈક આવી જ હતી. જો કે નાની દાદી કરતાં થોડા નસીબદાર હતા કેમ કે
તેઓ ૬-૭ પ્રેગ્નન્સી પછી પણ જીવી ગયા.
મારા દાદી એમની ૮-૯ પ્રેગ્નન્સી પછી જ્યારે નાની ઉંમરમા ગુજારી ગયા ત્યારે મારા
પપ્પા, એટલે તારા દાદા, પંદર વર્ષના પણ ન હતા.
એમના અવસાનનાં થોડા વર્ષો પછી પંદર વરસના મારા પપ્પા એમના સાત ભાઈ-બહેનો
સાથે નાની મોટી વસ્તુઓ માટે કજિયો કરતાં મોટા થતાં હતા. ખૂબ ગીચ વિસ્તારમાંથી હવે
તેઓ ભાવનગરના થોડા સારા વિસ્તારમાં શેરીમાં પહેલા માળે બે-ત્રણ રૂમવાળા ભાડાનાં
ઘરમાં રહેતા હતા. લગભગ એ જ સમયે મારા મમ્મી એમના પંદરમાં વર્ષે ભણવાનું છોડવાનું
વિચારતા હશે કારણ કે વીસ વરસના થતાં સુધીમાં એમને ભણવાનું મૂકી દીધેલું.
મારા મમ્મી-પપ્પાની પહેલાંની બધી પેઢીઓનું જીવન બે
છેડા ભેગા કરવામાં જ ગયું અને તે છતાંય તેઓ આવનારી પેઢીનું જીવન એમના પોતાના કરતાં
સારું જાય એ માટે પ્રયત્નશીલ રહ્યા. આ કારણે મારો પંદરમો જન્મદિવસ ભાવનગરના શેરી
વિસ્તારથી દૂર પ્લોટ વિસ્તારમાં મારા માં-બાપની પોતાની માલિકીના મકાનમાં ઉજવાયેલ.
જો કે એક પંદર વર્ષના કિશોર તરીકે હું એમની ચાર બાળકોને ગુણવતા સભાર ભણતર અને જીવન
આપવાના એમના પ્રયત્નોને પૂરતો સમજી કે વખાણી શક્યો ન હતો. એ સમયે હું મારા
મિત્રોનાં અમારા કરતાં નાના અને વધારે સાધનસંપન્ન પરિવારો સાથે મારી એ સમયની વાસ્તવિકતાને સરખાવતો અને મનોમન ફરિયાદ કરતો. એમની અને અમારી જીંદગીને સારી અને સુઘડ
બનાવવામાં વ્યસ્ત એવા મારા મમ્મી પપ્પા અમારી સાથે બેસીને ન તો એમની પરેશાનીઓ
સમજાવી શકતા કે ના અમારા સપનાઓને માર્ગદર્શન આપી શકતા. એક બાજુ જ્યાં બદલી વાળી
સરકારી નોકરીના લીધે પપ્પા જગ્યાઓ અને ઘર બદલતા રહેતા ત્યાં બીજી બાજુ મમ્મી એકલા
ઘરને અને અમને ચાર ટીનેજરસ્ ને માંડ માંડ સંભાળી શકતા.
યોગ્ય માર્ગદર્શન અને ગાઢ સંબંધોની હૂંફના અભાવે એ ચાર
ટીનેજરસ્ માનો સૌથી નાનો હું ધૂંધવાયેલો રહેતો. ઘણી વખત મને સાવ એકલું લાગતું. મારા
મનમાં વર્તમાન અને ભવિષ્યને લઈને સવાલો થતાં. સપનાઓ તો હતા પણ એને પૂરા કરવા
માટેના સંસાધનો કે સલાહ સૂચનો ન હતા. તે છતાંય, ભાવનગરમાંથી ડી. ફાર્મ. કરીને હું
અમદાવાદ બી. ફાર્મ. કરવા ગયો. અમારા ચાર ભાઈબહેનમાં બહારગામ હોસ્ટેલમાં રહીને
ભણવાનો અનુભવ એ સમયે ફક્ત મને જ મળી શક્યો હતો. પપ્પા રિટાયર્ડ થઈ ગયા પછી પણ હું
પચીસ વરસની ઉંમરે માસ્ટર્સનું ભણવા ગુજરાતની બહાર જઇ શક્યો, અને એ બે વરસે મારી
કેરિયરની દિશા અને વ્યાપ બંને બદલી નાખ્યું.
પંદરમાં વરસે તારી લાઈફ ઘણી અલગ છે. અમારું એક જ
સંતાન હોઈને બે પેઢી પહેલાના ૭-૮ બાળકોની જેમ તારે ઘર-કુટુંબનાં પૈસા-સાધનોમાં કોઈ
સ્પર્ધા જેવુ નથી. સાવ ઓછા ભણતર વાળી બે
પેઢીની સરખામણીમાં તારા મમ્મી પપ્પા ઘણું વધારે ભણેલા છે, અને ગુજરાતી અને
અંગ્રેજી બોલી લખી શકે છે અને તને ભણવામાં મદદરૂપ પણ થઈ શકે છે. ભાવનગરની શેરીના બે પેઢી પહેલાના બાળપણની સરખામણીએ તું અમદાવાદનાં સમૃદ્ધ વિસ્તારમાં વિવિધ
રાજ્યોના લોકો સાથે મોટી થઈ રહી છો. મારા દાદા ચાલીને નોકરીએ જતાં. મારા પપ્પા
પણ સાઇકલ પર શરૂ કરીને મોપેડ સુધી આગળ વધેલા. તારા પંદર વર્ષે આપણે બીજી કાર વસાવી
શક્યા છીએ. મારા દાદા એમની આખી જિંદગીમાં કદાચ એક વાર એરોપ્લેનમાં બેઠા હશે અને મારા
પપ્પા બે વાર. મે ૨૫ વરસે પહેલી વાર લોંગ-ડિસ્ટન્સ ટ્રેનની અને ૨૭ વરસે પહેલીવાર
ઍરોપ્લેનની મુસાફરી કરેલી. એની સામે તે તો જીવનની શરૂઆતમાં જ મુસાફરી અને
પ્રવાસોના એટલા બધા અનુભવો કરી લીધા કે તને સાવ નાનપણ થી જ આખી દુનિયા એકલા ફરવા
જવાનો નિર્ણય કરી લીધો. બે-ત્રણ પેઢીમાં જ કેવું અલગ બાળપણ, નહીં !!
મને ખબર છે કે તું તારા આ સપનાં ને પૂરું કરીશ જ. અને
એમ કરતાં કરતાં તું તારી આવનારી પેઢી માટે ઉપર ઉડવા માટેનું એક આગવું સ્તર નક્કી
કરીશ. અને તે છતાંય, આવનારી પેઢીને એમના પંદરમાં વર્ષે તારા માટે એવા જ સવાલો હશે
જે મને મારા મમ્મી-પપ્પા માટે હતા અને તને કદાચ મારા માટે છે. આ ઉંમરે આવા સવાલો
સ્વાભાવિક છે. હું સમજી શકું છું.
તારા આ જન્મદિવસ અને એના પછીની જિંદગીમાં તું જીવનના
ત્રણ અગત્યના પાસાઓનાં મહત્વને સમજે એવી મારી ઈચ્છા છે. આ ત્રણ પાસાઓને અંગ્રેજી ‘M’ તરીકે સમજીએ તો એને આપણે Myself, My people, and
Money કહી
શકીએ. આપણી જાત, આપણાં પોતાના ગમતા લોકો – સગા-સંબંધી, મિત્રો - અને પૈસા – આ
ત્રણેય જરૂરી તો છે જ પણ એનું મહત્વ પણ તું જેમ મોટી થઈશ એમ સતત બદલાતું રહેશે.
અને એટલા માટે જ આ ત્રણેય પાસાઓનું બેલેન્સ જરૂરી છે. જો આ
ત્રણેય પહેલુંમાં સમયાંતરે અને યોગ્ય રીતે ઇન્વેસ્ટ ના કરીએ તો imbalance થઈ શકે અને એટલે ક્યારેક
ક્યારેક આપણે એમાંના એક પહેલુંને સાચવવા બીજા પહેલુંને જતું કરવું પડે. એટલે, આ
ત્રણેય પહેલુંની સમજ જરૂરી છે. થોડું વિસ્તારથી સમજાવું.
એક બાળક તરીકે આપણે આપણાં ગમતા લોકો પાસેથી પ્રેમ અને
સારસંભાળ લેતા રહેતા હોઈએ. બાળપણમાં આપણે
લેનાર વધારે અને દેનાર ઓછા હોઈએ. પ્રેમ અને સંભાળની સાથે સાથે મોટા લોકો બાળકોને
આદેશ, સૂચનાઓ, વિચારો, મૂલ્યો, અને આદર્શો પણ આપતા હોય. એક બાળક તરીકે જે નાનપણથી
મળતું રહ્યું હોય એને સમજવા અને મૂલવવા માટે પંદરમું વર્ષ એ એક અગત્યની તક છે.
બાળપણમાંથી જ્યારે આપણે મોટા થતાં હોઈએ – childhood માંથી adulthoodમાં જતાં હોઈએ – ત્યારે પોતાની જાત પર વધુ ધ્યાન આપવું એ
બહુ સ્વાભાવિક છે. આમાં આપણે ચાર વસ્તુઓ પર ધ્યાન આપતા હોઈએ – શરીર, મન, હ્રદય,
અને આત્મા - Body, Mind,
Heart, and Soul. આપણાં
અસ્તિત્વની મૂળભૂત પાયાની એવી આ ચાર વસ્તુઓથી આપણે કઈંપણ કરતાં, વિચારતા, કે
અનુભવતા હોઈએ. એટલે મારુ તને સૂચન છે કે તું તારી જાત પર ધ્યાન આપજે. સવાલ કરતી
થાજે. તને જે કહેવામાં આવે, તારી સાથે જે પણ કરવામાં આવે – તે બધાને સવાલ કરજે.
તને લાગુ પડતી વાતો-વિગતોને, તને અસર કરતાં દરેક પરિબળોને સવાલ કરજે. ઉપર જણાવેલ
ચાર પહેલુંઓ ને સાચવતી સાંભળતી થાજે. તારી પોતાની ઈચ્છા કે પરવાનગી વગર તારા શરીર,
મન, હ્રદય, અને આત્માને કોઈ બીજું અસર ન કરે એનું ધ્યાન રાખજે. તારા જીવનમાં એવી ક્ષણો આવશે કે જ્યારે તારે ગમતા લોકોને ખુશ રાખવા માટે કે પછી પૈસાની જરૂરિયાતને લીધે પોતાની જાત સાથે થોડું
ઘણું compromise કરવું પડે. આવ નિર્ણયો ખૂબ
જ સમજદારીથી કરજે કારણ કે પોતાની જાતનું જાતે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
જ્યારે આપણે ટીનએજમાંથી મોટા થતાં હોઈએ અને પોતાનું ધ્યાન રાખતા શીખીએ છીએ, ત્યારે 'માયસેલ્ફ - મારી જાત' મહત્વની
બની જાય છે અને 'માય પીપલ - ગમતા લોકો' ગૌણ બની જાય છે.
જીવનના આ તબક્કે આપણાં માટે આ બે પાસાઓનું બેલેન્સ જરૂરી બની જાય છે. આ સમયે એ જરૂરી
બને કે આપણાં બાળપણમાં જે લોકોએ આપણાં માટે કઈ કર્યું હોય એમને અને એમના યોગદાનને
યાદ રાખીએ. એ લોકોએ તારા માટે જે કર્યું એવું તારે એમના માટે કરવાની જરૂર નથી.
પરંતુ, તારે એ તો જરૂર થી સમજવું કે તું આજે જે કઈં પણ છે એ તારા એકલાની મહેનત
કે આવડતનું પરિણામ નથી; એમાં ઘણા બધા લોકોના વિવિધ પ્રકારના પ્રયાસો રહેલા છે. આ
ઉંમરે તને પોતાની જાત પર ધ્યાન આપવું ગમે એ સ્વાભાવિક છે. પણ, સાથે સાથે તને ગમતા અગત્યના
લોકો સાથે પણ સમય વિતાવજે, એમનામાં પણ ઇન્વેસ્ટ કરતી રહેજે. આમ કરવાથી એ લોકો તારી
સાથે સતત રહેશે. ખાસ કરીને તારું ટીનએજ પૂરું થશે પછી તો ફરી તને એમની જરૂર પડશે
જ. તું જેમને ગમતી હો એવા લોકો સાથે રહેવાથી તું સારા-નરસાનો ભેદ પણ પારખતી થઈશ,
અને સારા-ખરાબ લોકોને પણ ઓળખતી થઈશ. ક્યારેક ખરાબ સંગતિ પણ થશે અને ખોટા ખરાબ લોકો
મળશે પણ ખરા!! થાય. દરેક ઇન્વેસ્ટમેન્ટ ટૂંકાગાળામાં સફળ થાય એવું ના પણ હોય. પણ એમાંથી
કઈક શીખવા તો મળે જ.
પોતાની જાતમાં અને પોતાને ગમતા લોકોના સંબંધોમા
ઇન્વેસ્ટમેન્ટથી હવે ત્રીજા પહેલુંની વાત કરું જેમાં ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જરૂરી છે.
એ છે પૈસાની સમજ અને એનું રોકાણ. પૈસા
જીવન જીવવાનું એક અગત્યનું માધ્યમ છે. એક એવું સાધન કે જેનાથી આપણે અલગ અલગ
વસ્તુઓ, સેવાઓ કે અનુભવો સાધ્ય કરી શકીએ. પૈસાની
આ બહુ જ અગત્યના સાધન કે માધ્યમ તરીકેની સમજ કેળવવી તારા માટે ખૂબ જરૂરી છે. તને જિંદગી જીવવા માટે પૈસા કમાતા શીખવું પડશે.
કમાયેલા પૈસામાંથી થોડા બચાવતા શીખવું પડશે જેથી આકરા સમયે જરૂર પડે કામ લાગે. આ
સાથે તારે પૈસાનું રોકાણ કરતાં શીખવાનું છે જેથી રોકેલો પૈસો બીજા વધારે પૈસાને
કમાવી લાવે. પૈસાને સમજવા માટે બે ત્રણ સવાલોના જવાબ કામ આવી શકે. જેમકે, પૈસા
કેમ જરૂરી, ક્યારે જરૂરી? કેટલા જરૂરી? આપણે જાતનો અને જાતે કમાયેલા પૈસાનો ઉપયોગ
કેવી રીતે કરીએ કે જેથી આપણી પાસે આપણી ઈચ્છા અને જરૂરીયાતો પૂરતા પૈસા હમેશાં
હોય? ઉપર લખેલી આપણી બે-ત્રણ પેઢીની આર્થિક પરિસ્થિતિમાં જે અંતર જણાયું એ જે તે
સમયની પૈસાની અને ઇન્વેસ્ટમેન્ટની સમજમાં ફરકને કારણે જ હતું એવું હોય શકે. મારા દાદા-દાદી
ખૂબ ઓછું કમાતા હતા અને એટલે કોઈ સ્થાવર મિલકતમાં રોકાણ ના કરી શક્યા. એમના ૭-૮ બાળકો
થોડું સારું ભણતર કરી શક્યા. મારા મમ્મી-પપ્પા ભાવનગર જેવા નાના શહેરમાં પોતાનું ઘર
બનાવી શકાય અને અમને ભાઈ બહેનોને સારી યુનિવર્સિટીમાં ભણવા મોકલી શક્યાં. તારા મમ્મી-પપ્પા
તરીકે અમે રોકાણો અંગે થોડું મોડા શીખ્યા પણ છતાંય અમદાવાદમાં એક ફ્લેટ લઈ શક્યા. સાથે
સાથે કાર, હરવા ફરવાનાં અનુભવો, વાર-તહેવારે બહાર જમવા જવાનું, વિગેરે પર ખર્ચ કરતાં
થયા અને સાથે સાથે નાનું મોટું રોકાણ પણ કરતાં થયા. હવે અમે જ્યારે ૪૦-૪૫ વર્ષના થયા ત્યારે અમારા ઘડપણને
ધ્યાનમાં રાખીને એનું આયોજન પણ કરતાં થયા. પૈસા અને રોકાણની બાબતમાં તું અમારા કરતાં ઘણું વહેલું શરૂ કરે એવી મારી ઈચ્છા છે. પૈસા
કમાતી તો તું તારું યુનિવર્સિટીનું ભણતર પતાવીને જ થઈશ. પણ, હું ચાહું છું કે તું તને ભેટ મળેલા પૈસાને પણ બચાવવાની સાથે ઇન્વેસ્ટ કરતી થાય. એટલા માટે જ આપણે Zerodha શરૂ કર્યું છે.
ત્યારે પૈસાથી ખરીદી શકે એવી તારી તમામ જરૂરીયાતો, વસ્તુઓ,
અને અનુભવોનાં નિર્ણયો જાતે સમજી વિચારીને લેતા થવાનું છે. સાથે સાથે તારે પોતાની
જાતને એ પણ યાદ અપાવતા રહેવાનું છે કે પૈસા એ તારો નોકર છે, માલિક નહીં. પૈસાની બાબતોને
સહજ રીતે સમજતી થઈશ એટલે મની મેનેજમેન્ટ આસાન થતું જશે, અને પૈસાના કારણે એડજસ્ટ કરવાને
બદલે તું પૈસાથી ‘પોતાની જાત’ને કે ‘પોતાના લોકો’ને સારા અનુભવો આપતી થઈ જઈશ.
મને પૂરો વિશ્વાસ છે કે મારી આ વાતોને તું સમજીશ અને તારી જિંદગી તને નિતનવા અનુભવોથી અવનવા પાઠ ભણાવતી રહેશે અને તું શિખતી રહીશ. આ જન્મદિવસની તારી અલગ
અલગ ગિફ્ટ્સ પણ આવી અવનવી જ છે. ટ્રાવેલને લગતી બુક્સ અને દુનિયાનો ગોળો તારા દુનિયા
ફરવાનાં સપનાંને આગળ વધારશે. તારા ડિમેટ એકાઉન્ટમાં મે ભેટ આપેલ થોમસ કૂક નામના ટ્રાવેલ
કંપનીના શેર તને યાદ અપાવતા રહેશે કે યોગ્ય સમયનું નાનું રોકાણ લાંબાગાળે કેવો ફાયદો
કરાવી આપે છે. થોડી બુક્સ તને સક્ષમ છોકરી અને સારા માણસ બનવામાં મદદ કરશે તો બીજી એકાદ
બુક તને પૈસાના આયોજનમાં મદદ કરશે. તારા મમ્મી-પપ્પા એમના જાત અનુભવ અને સમજથી ગાઈડ
કરતાં જ રહે છે. એ બધી વાતો અમારા તને લખેલા પત્રોમાં છે જ. અને અંતમાં તારી સ્પેશિયલ
ગિફ્ટની વાત. અમારી નાનીનાની ગિફ્ટસ્ તને પંદર પછીના વર્ષોમાં તારા પોતાની સાથે સમય
વિતાવવામાં મદદ કરશે. આવનાર દિવસોમાં તને પોતાની જાત સાથે સામે વિતાવવાનું મન થાય એટલે
આપણાં નાનીએ ખાસ તારા માટે તારો અલાયદો રૂમ બનાવી આપ્યો. આપણાં કુટુંબમાં પંદરમાં વર્ષે કોઈને આ રીતનો પોતાનો રૂમ મળ્યો હોય એવું કદાચ પહેલીવાર જ બન્યું છે. મને વિશ્વાસ છે કે તું
એને દિલથી માણીશ, અને આવનારી જીંદગીને દિલથી જીવીશ.
ખૂબ ખુશ રહેજે. મોટી થાય એમ વધુને વધુ મજાની માણસ બનતી રહેજે.
જે મળે એને માણતી રહેજે અને વિવિધ અનુભવો માટે કુદરતની આભારી રહેજે.
ભગવાન તારું હંમેશા ભલું કરે.
ખૂબ બધા વ્હાલ સાથે,
તારી પપ્પુડી
Comments
Post a Comment