Story: ના કરે નારાયણ !

ન્યુઝ ચેનલ પર ૨૪ કલાક કવેરજ, બ્રેકીંગ ન્યુઝ, અને એક્સ્લુઝીવ માહિતી ચાલુ જ હતી. સમાચાર તો શોકિંગ હતા, અને શોક્સભર પણ. આવા સમાચાર સાંભળીને દુઃખ તો થાય જ ને. આ સ્ટ્રેસ અને ડિપ્રેશન...પણ, તો ય, આ કંઈ ઉંમર હતી આપઘાત કરવાની!

Fb અને Whatsapp પર એના ફોટા સાથે RIP પોસ્ટ કરી દીધું, અને બે જણાને એમની વોલ પર પેસ્ટ કરવા વિંનતી કરતી પોસ્ટ પર કરી દીધી જેમાં લખ્યું હતું કે, “હું છું. મારું ઘર છે. એના બારણા ખુલ્લા છે. કોફી પીતાં પીતાં વાતો કરીશું. જો તમારે કઈ વાત કરવી હોય તો...”

આમ, હાથમાંથી છટકી ગયેલા જીવનના કંટ્રોલને પાછો હાથવગો કરીને ઉચાટવાળી શાંતિ અનુભવતા બેઠો જ હતો ત્યાં મેસેજ આવ્યો : ‘અરે, ખબર પડી ? પેલાએ ઓફીસ અને ઓફીસના લોકો વિષે ખરાબ સ્ટેટસ મુક્યું છે!”  

હવે આ પેલો આમ તો ઘણો સારો, કામનો અને કામમાં આવેલો માણસ. લોકડાઉનમાં જયારે બધા ઘર ભેગા થઇ ગયા હતા ત્યારે પણ તે અડીખમ હતો. "એને શું થયું હશે? કઈક દુઃખ પડ્યું હશે કે ચિંતા, ટેન્શન કે ડિપ્રેશન જેવું કઈ?  આવા સમયે એકબીજાની મદદે તો આવવું જોઈએ. લાવ ફોન તો કરી જોઉં."

હાથમાં ફોન લીધો તો RIP પર ઘણા લાઈકસ અને કોમેન્ટસ દેખાણા.  "નક્કી આવું જ કૈક. ના કરે નારાયણ ને બીજું RIP ના થઇ જાય. પેલા ને ફોન કરીને વાત તો કરવી જ પડશે”, એમ વિચારીને ફોન લગાડવા ગયો અને ટીવી પર ધ્યાન ગયું.

ન્યુઝ ચેનલ પર છેલ્લે કોણ મળવા આવ્યું હતું ? કોનો ફોન હતો? શું થયું હતું ? વગેરેની વાતો ચાલુ હતી. 

ને, હાથ અચકાય ગયો,  "ના કરે નારાયણ ને....છેલ્લો કોલ મારો જ હશે તો!! રહેવા દે, ભાઈ. આમાં પડવા જેવું નથી."

"પણ, કૈક તો કરવું જ પડે. આમ ના ચાલે.", મનની બીજી બાજુએ દલીલ કરી.  એટલે, ઓફીસના બીજા બે દોસ્તો સાથે વાત કરીને ‘મેન્ટલ હેલ્થ ઇન કોવીડ ટાઈમ’ નામનો એક વેબિનાર ગોઠવી દીધો. 

આવા સમયે એકબીજાની મદદે તો આવવું જ જોઇને!

 

Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health