Story: ના કરે નારાયણ !
ન્યુઝ ચેનલ પર ૨૪ કલાક કવેરજ, બ્રેકીંગ ન્યુઝ, અને એક્સ્લુઝીવ માહિતી ચાલુ જ હતી. સમાચાર તો શોકિંગ હતા, અને શોક્સભર પણ. આવા સમાચાર સાંભળીને દુઃખ તો થાય જ ને. આ સ્ટ્રેસ અને ડિપ્રેશન...પણ, તો ય, આ કંઈ ઉંમર હતી આપઘાત કરવાની! Fb અને Whatsapp પર એના ફોટા સાથે RIP પોસ્ટ કરી દીધું, અને બે જણાને એમની વોલ પર પેસ્ટ કરવા વિંનતી કરતી પોસ્ટ પર કરી દીધી જેમાં લખ્યું હતું કે, “હું છું. મારું ઘર છે. એના બારણા ખુલ્લા છે. કોફી પીતાં પીતાં વાતો કરીશું. જો તમારે કઈ વાત કરવી હોય તો...” આમ, હાથમાંથી છટકી ગયેલા જીવનના કંટ્રોલને પાછો હાથવગો કરીને ઉચાટવાળી શાંતિ અનુભવતા બેઠો જ હતો ત્યાં મેસેજ આવ્યો : ‘અરે, ખબર પડી ? પેલાએ ઓફીસ અને ઓફીસના લોકો વિષે ખરાબ સ્ટેટસ મુક્યું છે!” હવે આ પેલો આમ તો ઘણો સારો, કામનો અને કામમાં આવેલો માણસ. લોકડાઉનમાં જયારે બધા ઘર ભેગા થઇ ગયા હતા ત્યારે પણ તે અડીખમ હતો. "એને શું થયું હશે? કઈક દુઃખ પડ્યું હશે કે ચિંતા, ટેન્શન કે ડિપ્રેશન જેવું કઈ? આવા સમયે એકબીજાની મદદે તો આવવું જોઈએ. લાવ ફોન તો કરી જોઉં." હાથમાં ફોન લીધો તો RIP પર ઘણા લાઈકસ અને કોમેન્ટસ દેખાણા...