હેલ્લારો







મારા ઘરની દીકરી જેવી
બહેનપણી બ્રિન્દા નાયક ત્રિવેદી, સાથે થીયેટર શીખેલી તર્જની ભાડલા, અને મારા ગીત પરથી બનેલા વિડીયોમાં કામ કરેલી ડેનીશાની ફિલ્મ હેલ્લારો
જોવાની તાલાવેલી તો હતી જ.  એમાય અભિષેક
શાહના નાટકો જોયેલ અને વખાણેલ પણ ખરા. નેશનલ એવોર્ડ મળ્યો એટલે તાલાવેલી જાગેલી
અને ટ્રેલર જોયા પછી વધેલી. ગીતો અને સંગીત, સૌમ્યભાઈનો ગીતોના શબ્દોનો પરિચય મળતો
થયો એટલે રોમાંચ પણ અનુભવતો ગયો. આજે જોઈ લીધું. રડતા રડતા જોયું – ઘણી સંવેદનાઓ આંસુ
રૂપે સતત વહેતી રહી. 





હેલ્લારોની વાર્તાના
બીજ ભલે પાંચસો વરસ પહેલા રાપર તાલુકાના વ્રજવાણી ગામમાં બની ગયેલી ઘટના જેવી લોકવાયકા પર આધારિત
હોય, પણ એની વાતનો સંદર્ભ આજે પણ relevant છે. Patriarchy એટલે કે પિતૃ કે પુરુષપ્રધાન
માનસિકતાની વાત કરતી આ ફિલ્મમાં બંધનોની અને એમાંથી છૂટવાના પ્રયત્નોની વાત છે. આમ
જુઓ તો સ્ત્રીઓની વાત છે, અને સ્ત્રીઓની એમના પર પુરુષોએ લાદેલા બંધનોમાંથી મુક્ત
થવાની વાત છે. પણ, બીજી રીતે મૂલવીએ તો હેલ્લારો આપણી અને સમાજે અને સામાજિક
રચનાઓએ આપણા પર પર લાદેલા બંધનોની અને તેમાંથી મુક્ત થવાની વાત પણ છે. સ્ત્રીઓ તો
ક્યારેક બળુકી થઈને હિંમત ભેગી કરીને ગરબા ગાઈને કે #metoo કરીને બંધનો તોડવાના
પ્રયત્નો કરી લે છે પણ પુરુષો !!





ફિલ્મની નાયિકા
મંજરી પુરુષપ્રધાન વાંઢમાં બહારથી આવેલી શિક્ષિત સ્ત્રી છે. વાંઢની બીજી સ્ત્રીઓ પુરુષોની
બનાવેલી સામાજિક રચનાના ભોગ અને એના ભાગ બનીને જીરવતી હોય છે. ફિલ્મની વાત આમ તો આ
નાનકડા ગામ એટલે કે વાંઢમાં મંજરી થકી ઉઠેલા બદલાવના હેલારાની એટલે કે લહેરની છે. પણ,
એમાં મંજરી ક્યાંય નાયિકા બનીને સત્તા પરિવર્તનનો હેલ્લારો એટલે કે હાક કે અવાજ નથી
આપતી. એને પુરુષો સામે અવાજ નથી ઉઠાવવો. એને તો પિતૃપ્રધાન માનસિકતાથી પર થવું છે,
અને પોતાની બેડીઓ જાતે તોડવી છે. એને બીજાએ શું કરવું જોઈએ એની વાત નથી કરવી, એને
પોતે શું કરવું છે એ જાણવું છે, અને પછી કોઈની રોકટોક વગર બસ એટલું કરવું છે. એને પોતાને
અસર કરતા નિર્ણયો પોતે જાતે લેવા છે. એને સવાલો કરવા છે, અને જવાબો શોધવા છે.  એને લડવું નથી, એને મથવું છે.  એને જીરવવું નથી, એને જીવવું છે. મંજરીનો આ -પોતાનાથી
થઇ શકે એટલી મોકળાશ ગોતવાનો અને મુક્ત થવાનો - અભિગમ સાવ સહજ રીતે એક દર્શક તરીકે
મને પણ સ્વ-વિકાસનો હેલારો ધક્કો આપી જાય છે. 





જયારે જયારે
Genderની વાત કરીએ ત્યારે એમ કહીએ કે પુરુષોને gender stereotyping ને લીધે વધુ
નુકસાન થયું છે. બહુ ઓછા પુરુષો આ સામાજિક બેડીને તોડી શક્યા છે.  હેલ્લારો ફિલ્મના કિરદાર ભગલા જેવા પુરુષો બહુ
ઓછા છે કે જેમના ડીલમાં બૈરા જેવું કાળજું હોય. મારા મતે જો મંજરી આ ફિલ્મની
હિરોઈન છે તો ભગલો હીરો છે. આ કીરદારનું પાત્ર આલેખન બહુ જ સુંદર છે અને એની
પરાકાષ્ટ રૂપે ફિલ્મના કલાઇમેકસમાં ભગલાની ભાવના બહુ જ બેખુબી બતાવી છે.  ફિલ્મના છેલ્લા ગરબામાં જયારે ઢોલના તાલે  સ્ત્રીઓ નાચે છે ત્યારે બધાજ પુરુષો પથ્થરની જેમ
સ્થિર છે અને એક ભગલો જ પગ પછાડે છે.  જો આ
ફિલ્મની કિરદારમાં મંજરી સ્ત્રીઓને એમની musculine પ્રકૃતીને ઉજાગર કરીને મુક્તતા
તરફ જવાનો સીધો સંદેશ આપે છે તો ભગલો સજ્જડબમ થયેલા પુરુષોને આડકતરી રીતે એમની
feminine પ્રકૃતિને ઉજાગર કરવા આવકારે છે. સજ્જડબમ થઇ ગયેલા આપણા સમાજ માટે હેલ્લારો
‘બહારથી આવેલી શિક્ષિત’ મંજરીનું કામ કરે છે અને આપણને જરૂર પડે મંજરી અને જરૂર
પડે ભગલા થવાની વાત કરે છે.





સબળ વાર્તા વાળી આ ફિલ્મના
ગીતો અને સંવાદો ખુબ જ મહત્વના છે. એ માટે તો કાવ્યાત્મક ડાયલોગ લખનાર સૌમ્ય જોશીને દાદ
દેવી જ પડે. પણ, ઘણી બધી જગ્યાએ પ્રસ્તુત થયેલી સંવેદનાઓ શબ્દોથી પર છે. આ શબ્દહીન
સંવેદનાઓ જે રીતે ઉડીને આંખે વળગે અને હૈયે ઉતરી જાય એ માટે ફિલ્મના લેખક અને દિગ્દર્શક
અભિષેક શાહને અભિનંદન અને સલામ પૂરતા ન પડે કારણકે એમની વણલખાયેલી લાગણીઓને કલાકારોએ
શ્વાસ અને શરીરથી પ્રગટાવી જાણી, અને બાકી કસર મેહુલ સુરતીના સંગીતે પૂરી કરી
દીધી.   





અભિષેકના નાટકોમાં સ્ત્રી-પુરુષ,
અવર્ણ-સવર્ણ, અમીરી-ગરીબી જેવી જન્મજાત બેડીઓની વાત હોય છે. અભિષેકના નાટકોનો નાયક
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની વાત રજુ કરતો પુરુષ,  સવર્ણપ્રધાન સમાજમાં અવર્ણ હરિજનોની વ્યથાને રજુ
કરતો બ્રાહ્મણવાણીયો, અને મુડીવાદી સમાજમાં ગરીબોની ગણતરી યાદ અપાવતો મધ્યમવર્ગીય અમીર
હોય છે. એમને જોઇને લાગ્યા કરે કે આ માણસનો માંહ્યલો ક્યાંક ને ક્યાંક જાગેલો છે,
અને તડપે છે.  લેખક અભિષેકે એની આ તડપ હેલ્લારોના
મુળજી ઢોલીમાં નાખી દીધી હોય એવું લાગે. દિગ્દર્શક અભિષેકે એ તડપને ની:શબ્દ વાચા
આપી અને કલાકાર જયેશ મોરેએ એ તડપને પુરેપુરી ઉભારી દીધી હોય એવું લાગે. આ ગરીબ હરીજન
ઢોલીની પત્ની અને દીકરીની વાત સામાજિક
inter-sectionalityનું તાદ્રશ્ય ઉદાહરણ બને છે. 





ફિલ્મના જમા પાસાઓમાં
metaphor એટલે કે રૂપકોનો સચોટ ઉપયોગ છે. સૌથી મોટું રૂપક તો ગરબો જ છે પણ, આર્મિ,
કટોકટી, ઇન્દિરા ગાંધી જેવી સ્ત્રી નેતા, અને રણમાં નદી જેવી રેવા, વગેરે રૂપકો પણ
ખુબ રસપ્રદ લાગ્યા. કોઈપણ પાસાઓમાં ઢીલી ના પડતી આ ફિલ્મની વાર્તા અને એનું આલેખન
પણ સરળ છે અને આંખમાંથી સતત સરતા આંસુની સાથે બે કલાક ક્યાં સરી જાય એની ખબર નથી
પડતી. હા, ફિલ્મની અસર તો મનમાં અને હૃદયમાં સતત સરકતી જ રહેશે.


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health