Reva - Film
ચોપડીમાં લખાયેલી વાર્તા
એના વાચકને મુક્ત કરે. મારા માટે એક સારું લેખન, એક સારી વાર્તા એ છે કે જે વાંચતા
વાંચતા મને વિચારવાનું, અનુભવવાનું, અને મમળાવવાનું મન થાય. વાંચતા વાંચતા અટકી ને
સંવાદો, પ્રસંગો, કીરદારો, સ્થળો, અને ત્યાં ઉદભવેલા સંવેદનો અને સંવેદનાઓ સાથે
રહેવાનું મન થાય. વાંચતા વાંચતા એમ થાય કે, ‘ઉભો રે, આ ક્ષણ માણી લે. હસી લે, રડી
લે, ચોપડી બંધ કરીને આંખ બંધ કરીને ડૂબકી લગાવી લે’. અને એ ડૂબકી મારીને, ભીના
થઈને, કોરા થઈને, ફરી ચોપડી ખોલીને વાર્તાને આગળ વાંચવાની અને એવી રીતે ધીરે ધીરે
વાર્તાના કીરદારો જે રીતે જીવ્યા હોય તેમ ચોપડી પૂરી કરવાની. મને આવા અનુભવો કરાવતી ચોપડી,
એવી વાર્તાઓનું આકર્ષણ થાય અને એવા લેખક પ્રત્યે માન થાય. આવા વાંચન મારા મનને
કલ્પના કરવાની મોકળાશ અને મુક્તિ આપે એ મને ગમે. ધ્રુવ ભટ્ટની લગભગ બધી જ વાર્તાઓએ
આવો અનુભવ કરાવ્યો છે. સામા પક્ષે નાટક
અને ફિલ્મો એને જોનાર પ્રેક્ષકને બાંધી રાખે. એક પ્રેક્ષક તરીકે એક સારું નાટક કે
ફિલ્મ એવી હોય કે જેમાંથી બહાર નીકળવાનું મને મન ન થાય. હું એ દુનિયાનો થઈને એમાં
બંધાય જાવ એટલે એ ફિલ્મ કે નાટક સારું. વાર્તા લખવી અને ફિલ્મ કે નાટક બનાવવું આ
બંને કળા બહુ અલગ છે અને એટલે જ મૂળ ચોપડી સ્વરૂપે લખાયેલી વાર્તા ઉપરથી જયારે નાટક
કે ફિલ્મ બનાવવામાં આવે ત્યારે એક કથાનું પટકથામાં રૂપાંતર બહુ અગત્યનો ભાગ ભજવી
જાય. જો આ રૂપાંતર યોગ્ય રીતે થાય તો વાંચક પોતાના મનની છબીઓની જગ્યાએ આ ફિલ્મોની
છબીઓ સરળતાથી અને હોંશે હોંશે ગોઠવી દેશે. અને, એમ કરવામાં એ ગર્વ અનુભવશે. પણ, જો
રૂપાંતર ખરાબ હશે તો આ પ્રેક્ષક-વાંચક પોતાના મનની પોતે વિચારેલી છબીઓને સાચવશે
અને ફિલ્મની છબીઓને નકારી દેશે.
લોકપ્રિય નવલકથાઓના આવા
સફળ રૂપાંતરો હિન્દી ફિલ્મોમાં શરદબાબુની દેવદાસથી લઈને ચેતન ભગતની ‘ફાઈવ પોઈન્ટ
સમવન’ માંથી ‘૩ ઈડિયટ્સ’ સુધી થયા છે. પણ, હાલના ગુજરાતી લેખકોની વાર્તાઓને
ગુજરાતી ફિલ્મોમાં રૂપાંતર કરવાનું જોવામાં નથી આવ્યું અને એટલે ધ્રુવ ભટ્ટની તત્વમસિ
વાર્તા પરથી બનેલી રેવા ફિલ્મ એક અલગ ઘટના છે, અને બહુ મોટું જોખમ છે. એટલે, બીબાઢાળ
‘અર્બન’ ગુજરાતી ફિલ્મોથી સાવ અલગ એવી ‘રેવા’ ફિલ્મની ગુણવત્તાને લગતા પાસાઓની વાત
કરવા કરતા આ ઘટના અને આ જોખમને તો બીરદાવવું જ પડે.
રેવા ફિલ્મ અને તત્વમસિ
વાર્તા – ઘણી અલગ છે. મેં તત્વમસિ બે-ત્રણ વાર વાંચેલી. એટલે, જેમ સામાન્ય રીતે
થતું હોય તેમ, તત્વમસિ વાર્તામાં લખાયેલા સંવાદો સિવાયની એના પ્રસંગો, કીરદારો,
સ્થળો વગેરેની મારી પોતાની અભિવ્યક્તિ મારા મનમાં હતી. રેવા ફિલ્મ જોયા પછી એમાંની
થોડી-ઘણી છબીઓ બદલાણી, પણ ઘણી ખરી
અભિવ્યક્તિઓ હજુ એમની એમ છે. એટલે, હું મારા તત્વમસિ-રેવાના સંદર્ભમાં કહીશ કે વાર્તાને
ફિલ્મમાં રૂપાંતર કરવામાં પટકથા ક્યાંક ક્યાંક કાચી પડી.
જે પ્રસંગો મારા
મનને સ્પર્શી ગયા એમાં નદીને સાડી પહેરવાની વાત, પુરિયાને દંડ દેવાની વાત અને
નાયકની પરિક્રમાના વિવિધ પ્રસંગો જરૂર થી આવે. આ બધીજ ઘટનાઓનું ફિલ્માંકન,
કલાકારોનો અભિનય, સંગીત વગેરે પાસાઓનો સંગમ બહુ જ અદભુત રહ્યો. રેવા જોતી વખતે આ
પ્રસંગોએ ક્યારેક ગળે ડૂમો બાઝી ગયો, ક્યારેક આંખો ભરાઈ ગઈ અને ક્યાંક બાવડાના રુંવાડા ઉભા થઇ ગયા.
વાર્તા વાંચતી વખતે ઘણા વધારે પ્રસંગોમાં આવી લાગણી અનુભવાયેલી.
આખીય ફિલ્મમાં નદી,
પર્વત, ગુફા, જેવા કુદરતી દ્રશ્યોના સ્થળોનું કેમેરા-કામ ખુબ અદ્બુત છે. નદીકિનારે,
પહાડ ઉપર, ગુફામાં, પાણીમાં અને પૂલ પરના – ટ્રેન, જીપ, લારી, કે પગપાળા ચાલેલા -
સફરના દ્રશ્યો પણ ખુબ સરસ આલેખાયા છે. આવા આઉટડોર દ્રશ્યોના ફિલ્માંકન અને એની
સાથેનું બેક્ગ્રાઉન્ડ સંગીત જો ઇન્ડોર સીક્વન્સીસમાં પણ એટલું જ પ્રભાવશાળી હોત તો
ફિલ્મ વધુ સારી બની હોત. ફિલ્મના ગીતો અને એનું સંગીત સરસ છે, પણ ક્યાંક એનું ફિલ્માંકન
(ટ્રેનમાં પુરિયા જે ગીત ગાય છે તે) તો ક્યાંક એના શબ્દો (રેવા તારું પાણી નિર્મળ)
વધારે સારા થઇ શક્યા હોય તેવું લાગ્યું. સંગીત જલસા વાળું ફ્યુઝન ગીત ટુકડાઓમાં
સરસ છે પણ એનું ફિલ્માંકન વધારે સારું થઇ શક્યું હોય તેમ લાગ્યું.
ધ્રુવદાદાની બીજી
વાર્તાઓની જેમ તત્વમસિ કથામાં સુપ્રિયા, કાલેવાળી મા, પુરિયા, વગેરે સ્ત્રી પાત્રો
સરળ હોવાની સાથે સાથે મજબુત અને અડગ છે. જયારે, એમની કથાનો નાયક અનિશ્ચિત અને જડ
પીતૃસતાક માનસિકતાથી શરુ થઈને સરળતા તરફ જતો હોય છે. નાયકની આ સફરમાં વાર્તાની સ્ત્રીઓની નિર્ભાર સમજ
અને એમનો નિરાગ્રહી સહકાર ખુબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. પણ, રેવા ફિલ્મની સ્ત્રીઓ
તત્વમસિ વાર્તાની સ્ત્રીઓ કરતા ખુબ ઝાંખી અનુભવાઈ. વાર્તાના નાયકના પરિવર્તનમાં આ સ્ત્રીઓનો બહુ
મોટો ભાગ છે, જયારે ફિલ્મના નાયકને પુરુષ કીરદારોએ – જેમકે શાસ્ત્રીજી, ગુપ્તાજી, બીત્તુબંગા અને ફકીરે
- પરિવર્તિત કર્યો હોય એવું સતત લાગ્યા કર્યું. મોટાભાગના પરીક્રમાવાસીઓ, કે જેમના વિચારોથી
નાયક પ્રભાવિત થયો, પણ પુરુષો જ હતા. લેખક અને દિર્ગદર્શકના અભિગમનો આ એક મોટો ફરક
જણાયો. આ કારણથી એવું પણ લાગ્યું કે મોનલ ગજ્જર જેવી સારી કલાકારની પ્રતિભાનો
ઉપયોગ વધારે સારી રીતે થઇ શક્યો હોત. તદુપરાંત, વાર્તામાં પાત્રોની જે સરળતા છે એ
ફિલ્મમાં ઉભરીને આવતી વર્તાતી નથી. એટલે, બીત્તું-બંગા જેવા તત્વમસિના સરળ-સખત
કીરદારો રેવામાં ઉણા ઉતરતા અનુભવાયા.
નર્મદા નદીના વિવિધ
દ્રશ્યો કેમેરામાં સરસ આલેખાયા છે પણ, આખી ફિલ્મમાં વારે વારે આવતા હોવાથી એની
તાઝગી ખોઈ બેસે છે. બજેટને લગતા કારણ હોય કે પરમીશનને લગતી પરેશાની હોય, પણ એવું
લાગે કે નર્મદાના વ્યાપને હજુ વધારે સમાવી શકાયો હોત તો વધારે મજા પડત. એ જ રીતે નર્મદાના
જંગલમાં રહેતા વૈદને લગતી એક આખી સિક્વન્સ ઉતર ગુજરાતના પૌરાણિક મંદિરોમાં
ફિલ્માવાયેલી જોઇને પણ થોડું ઓછું આવ્યું.
એકંદરે, ફક્ત ગુજરાતી
ફિલ્મની સીમિતતાથી જોઈએ તો રેવા અદભુત ફિલ્મ લાગે. ફક્ત ફિલ્મના સ્તરે અભિપ્રાય
આપવાનો હોય તો ‘આ ઘણો સારો પ્રયત્ન છે’, એમ કહીશ. પણ, જો તત્વમસિ વાર્તાને એક
ફિલ્મ તરીકે મુલવવાની હોય તો ચોક્કસ કહીશ કે ‘રેવા’ ફિલ્મ હજુ સારી બની શકી હોત કારણકે
તત્વમસિ વાર્તા વાંચતી વખતે મેં સર્જેલી મારી પોતાની ‘રેવા’ હજુ પણ ઘણે-ખરે અંશે મારા
મનમાં જીવિત છે.
Comments
Post a Comment