Story : એલા તારે આને જીવાડવી છે કે નહિ?









મિતાલીએ ફોનમાં જે વાત કરી એ સાંભળીને માનવની આંખમાં ઝળહળિયા
આવી ગયા. પોતાની બેને બાંધેલી રાખડીને હાથમાં લઈને વિચારે ચડી ગયો.  મનમાં ઉભરેલા કોલાહલમાં એને પેલો ચિત્કાર ફરી સંભળાયો.


એલા તારે આને જીવાડવી છે કે નહિ?’


***********


સો વરસ જૂની મીઠા બનાવવાની ફેકટરીના એસી વરસ જુના દવાખાનાના
બિલ્ડીંગમાં સર્વરોગ નિદાન કેમ્પમાં સરકારી તંત્ર કામે લાગેલું હતું. મોટા શહેરથી
૫-૬ ડોકટરો આવવાના છે એવું કહીને આજુબાજુના ગામડેથી ભીડ ભેગી કરવામાં આવી હતી. નિદાન
અને સારવારની જરૂર તો રણના કાંઠે આવેલા ગરીબ ગામડાઓમાં બારે મહિના રહેતી
. સામે પક્ષે તબીબોની અછત પણ
રહેતી. અને, જણસ અને જાણકારી આ બંનેના અભાવે અગારિયાઓ નાની મોટી બીમારી કે ઈજાઓને
તો અવગણી જ લેતા. શિયાળા-ઉનાળાના સાત આઠ મહિના કાળા-ભુખરા રણમાં આખો દિવસ તનતોડ
મજુરી કરીને બે ટંકના રોટલા પુરા કરતા હોય ત્યાં બીમારીના નિદાન અને સારવાર જેવા કારણો
માટે સમય અને પૈસાના વપરાશ આમેય બહુ મોંઘા પડે. 
ચાર મહિનાના વેકેશન જેવા ચોમાસાની શરૂઆતે આવો મફત કેમ્પ બહુ સારો લાગે.


લગભગ ૪૦૦-૫૦૦ માણસો લાઈનમાં લાગેલા. પચીસ વરસનો રામો પણ
ત્રણ વરસની દીકરી ખુશીને લઈને ડોક્ટરને દેખાડવા આવેલો. લેડી ડોક્ટરને દેખાડ્યું તો
એણે કેસ પેપર પર કઈ લખ્યું ને પછી રામાને કીધું કે, ‘આ છોકરીને દાખલ કરવી પડશે.
આને લઈને સુરેન્દ્રનગર સિવિલમાં જતા રહો’. બસ, આટલું કહીને ડોક્ટર બેને લાઈનમાં
બીજા માણસને આવવા કહ્યું અને રામો એની જગ્યાએથી ઉભો થઇ ગયો. 


ઉભો તો થઇ ગયો પણ આગળ શું કરવું ઈ કઈ ખબર નાં પડી. એને તો
એમ હતું કે ડોક્ટર આવ્યા છે તો મફત દવા આપશે, અને એનાથી ખુશી સારી થઇ જશે. પણ, આ
તો કૈક અલગ જ થયું. ‘ખુશી આમ તો સારી નરવી છે. કોઈ ઝાડા-ઉલટી, ખાંસી-તાવ તો છે
નહિ. પછી, મોટા દવાખાને કેમ જવાનું?’, રામો વિચારમાં પડ્યો. હવે રામાને ખબર નહિ કે
શહેરથી આવેલા ડોકટરો પાસે તો ગામના ડોક્ટર કરતા ય ઓછો ટાઇમ હોય. ઈ કાય થોડા પાહે
બેહીને, ખભે હાથ મુકીને, ‘જો ભાઈ એમાં એમ છે ને કે...’ કરીને શાંતિ થી સમજાવે !! શહેરી,
તબીબી, અને તકનીકી સમજના અભાવે રામો તો ત્યાં નો ત્યાં જ ઉભો રહ્યો.  


રામાને આમ ને આમ ઉભો જોઇને ડોકટરે ત્યાના નર્સ બેનને કીધું
કે આ કેસને NRC રીફર કર્યો છે. આમને જોવો તો શું જોઈએ છે. નર્સબેને રામાને ડોકટરે
કીધેલી વાત શબ્દશઃ ફરી કીધી. રામાને પોતાની બોલીમાં સંભળાયેલી વાત થોડી સમજાણી.
એણે પૂછ્યું, ‘કેટલા દી દાખલ કરવાની ?’ જવાબમાં જાણવા મળ્યું, ‘બે-ત્રણ અઠવાડિયા ય
થાય ને વધુ ય થાય’. રામો ચિંતામાં પડ્યો અને ‘હારું, જોઈએ’ કહીને દવાખાનાની બહાર
નીકળતો હતો ત્યાજ બે-ચાર સ્ટાફના માણસો તૂટી પડ્યા એના ઉપર.


જોઈએ એટલે?!!’


 ‘કેવી હાલત છે ઈ તો
જો ! કઈ નહિ કરે તો મરી જા હે બે મહિના માં’


 ‘આનો ફોટો ખેચો
તો..’


એલા તારે આને જીવાડવી છે કે નહિ?’


‘એ સાયબ, આઈ આવો. આ જુઓ. અમારું તો નહી માને તમે જ આની કો
કે કૈક કરે.


એવી રીતે રાડો પાડી પાડીને ખીજાવા માંડ્યા કે જાણે રામાએ
કોઈ ગુનો કરી નાખ્યો હોય. જમણા હાથમાં ત્રણ વરસની પણ સાવ નબળી સાડા પાંચ કિલોની, પોતાની
જાતે ઉભી પણ ના રહી શકે એવી ખુશી પણ બાપને આવી રીતે જોઇને રડવા માંડી, અને બધી
બાજુએથી ઘેરાયેલા રામાના ગળે પણ ડૂમો ભરી ગયો અને જમણી આંખેથી આંસુ સરી ગયા.


--------------**-----------------


કુપોષણ. અંગ્રેજીમાં કહીએ તો માલ-ન્યુટ્રીશન. ધબકતાં, ગતિશીલ અને અડીખમ ગુજરાતનું
એક વરવું પાસું. સરકારી આંકડા મુજબ દર બીજું ગુજરાતી બાળક કુપોષિત છે. કુપોષણના
કારણો ઘણા બધા છે અને નિવારણના ઉપાયો પણ અનેક. એમાંનો એક ઉપાય એટલે દવા આપવાની અને
દવાની જેમ જમવાનું આપવાની યોજના.


ડોકટરો દ્વારા ચાલતી સરકાર સ્વાસ્થ્યને લગતી દરેક પરિસ્થિતિઓ
સાથે બીમારીની જેમ જ વર્તે. બીમાર દર્દીનું દર્દ નિવારવા માટેની સારવારનું કામ મોટેભાગે
નિદાન કરી શકાય ત્યાં સુધી દર્દીને સાંભળવાથી શરુ થાય અને દર્દીને દવા અને સલાહ
આપવા સાથે પૂરું થાય. આજકાલના ડોકટરોને ના દર્દીના દર્દમાં રસ હોય ના એના જીવનમાં.
તેમને તો ફક્ત એમની બીમારીમાં અને એના નિવારણના પોતાના પ્રયત્નોમાં જ રસ હોય. ઘણા
ખરા અંશે સચોટ નિદાન અને સારી દવાથી દર્દ-પીડા ઓછા થઇ પણ જાય. એટલે, માણસ પાછો શરીરને
ભૂલી જાય અને રોજીંદી દોડધામમાં લાગી જાય. શરીર કામ કરતુ અટકે ત્યારે શરીર સારું
હોવું જોઈએ એ યાદ આવે. એટલે ફરી ડોક્ટર/દવાના ચક્કર ચાલુ થાય.


પણ કુપોષણ અલગ પ્રોબ્લેમ છે. માના પેટમાં હોય ત્યારે સુવાવડી
સ્ત્રીએ ઓછી કાળજી લીધી હોય ત્યાંથી શરુ કરીને, ધાવણમાં પુરતી શક્તિ નો હોય  અને પછી પુરતું ખાવાપીવાનું ના મળ્યું હોય
ત્યારે બાળકનો વિકાસ રૂંધાય એટલે કુપોષણના લક્ષણ દેખાવાના શરુ થાય. હવે આમ તો એનો
લાંબાગાળાનો ઈલાજ સારા ખોરાકમાં જ હોય. પણ, જયારે શરીર નબળું પડે ત્યારે પહેલા તો શરીરની
ખોરાકમાંથી શક્તિ બનવવાની તાકાત વધારવી પડે. અને એટલે બાળકને દવા આપવી પડે અને બે
ત્રણ અઠવાડિયા નિયમિત રીતે બાળકના શરીરને અનુરૂપ હોય એવું ખાવાનું આપવું પડે. આ
બધું ઘરે સરખી રીતે થાય નહિ એટલે હોસ્પિટલ જેવી જગ્યાએ બાળક રહે, ખાય પીવે, રમે-જમે
અને ધીમે ધીમે મા-બાપને પણ બાળકને શું અને ક્યારે ખવડાવવું એ સમજાય એટલે આ રીતની
એક યોજના સરકારે ચાલુ કરી છે. આટલું બધું સરળ શબ્દોમાં સમજાવવાની નવરાશ મોટા
શહેરથી આવેલા ડોક્ટરને નહોતી અને એટલે એમણે કાગળમાં લખી દીધું. આ કાગળમાં લખેલી
વાત દવા નથી એવું રામાને નો સમજાણું એને એટલે આખી રામાયણ શરુ થઇ.


------**------------


‘એ સાયબ, આઈ આવો. આ જુઓ. અમારું તો નહી માને તમે જ આની કો
કે કૈક કરે.


આ સાયબ એટલે માનવ.  શહેર
ગામડાથી દુર, સુવિધાઓથી વંચિત, સરકાર અને સમાજ બંનેથી તરછોડાયેલા અગારીયા
પરિવારોની જીંદગીમાં આરોગ્યની સમજ અંગેના રિસર્ચમાં માનવને રસ હતો. સરકારી
ડોકટરોને ઓળખતો રિસર્ચર માનવ આ કેમ્પમાં મદદ માટે આવેલો.


વાત વણસતી લાગી એટલે માનવે રામાને અને ખુશીને અંદરના રૂમમાં
બોલાવી લીધા. બાપ-દીકરી ખુરસીને બદલે જમીન પર બેઠા એટલે માનવ પણ એમની લગોલગ બેઠો.
બેગમાંથી બિસ્કીટ કાઢીને ખુશીને આપ્યા. રામાને પાણી આપ્યું. ખભે હાથ મુકીને વાત
શરુ કરી. ખુશીની બીમારી વિષે તો બહારના આખા તબીબી તંત્રએ ઢોલ વગાડીને સમજાવી જ
દીધેલું.  એટલે માનવને હવે ખુશીની બીમારી પાછળના
કારણભૂત પરિબળો જાણવા હતા. ખુશીના જીવનને જાણવું હતું.  રામાના પરિવાર, જીવનશૈલી, ખાણીપીણી, કામ-આવકના
સાધનો વગેરેની વિગતે વાત કરતા ખબર પડી કે રામો અને એના બીજા બે ભાઈઓ અને તેમની
ઘરવાળીઓ બધા મજુર અગારિયાઓ હતા. એમના પોતાના મીઠાના પાટા નહિ. સીઝન મુજબ કોઈક
બીજાના પાટામાં મજુરી કરે, મીઠાના ટ્રક ભરાવવામાં કામ કરે, ને સીઝન ના હોય ત્યારે
આજુબાજુના ખેતર કે કારખાનામાં મજુરી કરે. રોજીંદી આવક એટલે કે દાડિયું રળે. તેઓ  ‘અમારે તો આકાશી રોજી. જેમતેમ કરીને જીવીએ.
દીકરીને ય જીવાડવી તો હોય જ ને ! નહીતો આને લઈને અહિયાં કેમ આવું?’ એવું કહીને
રામાએ પોતાની વાત પૂરી કરી.


કેમ્પ પૂરો થયા પછી માનવ અને કેમ્પના બીજા એક લેડી ડોક્ટર રામાના
ઘરે ગયા. જીવનને સમજવા માટે ઘર, ઘરના લોકો, ઘરની પરિસ્થિતિ અને ખાસ તો ખુશીની
મમ્મીનો અભિગમ પણ જાણવો જ પડે ને ! ખુશીની મમ્મી સમજુબેન સાથે વાત થઇ તો વધારે
વિગત મળી. જન્મી ત્યારે ખુશી ૩ કિલોની હતી. નોર્મલ વજન જ કહેવાય. પછી સમયાંતરે સંભાળના
અભાવે આજે ૩-૪ વર્ષે એનું વજન ફક્ત ૬ કિલોનું હતું. જાતે ચાલી પણ નહોતી શકતી.
ખોરાક પણ સાવ નહીવત. અલગ અલગ જગ્યાએ પ્રાઇવેટ ડોક્ટરને દેખાડેલ પણ ફોલોઅપ ના થયું
એટલે પુરતી સારવાર પણ નાં મળી.


મા-બાપ બંને શિયાળામાં કચ્છના રણને પેલે પાર અંજાર બાજુ
મીઠામાં કામ કરવા જાય. ત્યારે ક્યારેક ખુશી અને એના ભાઈને લઈને જાય તો ક્યારેક
દેરાણી પાસે અહી ગામડે મુકીને જાય. મા-બાપ બંને કામ નાં કરે તો સાંજ પડે ૫૦૦-૬૦૦
રૂપિયા ઘરે નાં આવે. નાના-મોટા વ્યસનના ખર્ચ સાથે આટલા પૈસાથી તો ઘર માંડ ચાલે.
એટલે, દીકરી પર પુરતું ધ્યાન દેવાયું નહિ.


અને એટલે જ, જયારે આજે કેમ્પવાળાએ કીધું કે ખુશીને બે-ત્રણ
અઠવાડિયા દાખલ કરવી પડશે ત્યારે રામાના હાજા ગગડી ગયા. દીકરીને દાખલ કરવી એટલે
માને પણ સાથે રહેવું પડે. રોજની ૨૦૦-૩૦૦ની આવક તો ઓછી થાય જ પણ ખરચ પણ વધે.
દવાખાનામાં ખુશીને ખાવા આપે પણ નાના ભાઈને ય સાથે લઇ જવો પડે. નાનું મોટું ગણીને
રોજના  ૧૦૦-૨૦૦ તો ગણી જ લેવાના ને. કેમ
પોસાય?!!


*********-***********


માનવે ડોક્ટરની સાથે વાત કરીને ગંભીરતા પહેલા તો પોતે સમજી
ને પછી વાત રામાને અને એના પરિવારને સમજાવી. સરકારી દવાખાનામાં ઈલાજ મફતમાં થશે,
દીકરીને અને માને બંનેને રહેવા જમવા મળશે, અને જો આખી સારવાર પૂરી કરશે તો સરકાર
પૈસા આપશે એ પણ સમજાવ્યું. પૈસાની ચિંતા નો થાય એટલે સમજુબેનના હાથમાં પૈસા આપીને
કીધું કે બે-ત્રણ મહિના લાગશે પણ છોકરી બચી જશે. પાટડી ગામના સરકારી દવાખાનામાં
ફોન કરીને વિંનંતી કરી અને સતત મળવા આવતા રહીશું અને ખપ પુરતી મદદ કરતા રહીશું એવો
ભરોસો પણ બંધાવ્યો. પણ, માનવને ક્યાં ખબર હતી કે સરકારી કામોમાં કેટલી અડચણ આવે !


***----****


માંડ માંડ હિમત કરીને રામો અને સમજુબેન ખુશીને લઈને પાટડી
ગામે દવાખાને દાખલ થયાં. બે દિવસ રહ્યા. સારવાર પછી મળવાના પૈસાની વાત કરતા ખબર
પડી કે એ હવે રોકડ નથી મળતા એ તો બેંકમાં જ જમા થાય. હવે રામાએ કે સમજુબેને
જીંદગીમાં ય ક્યારેય બેન્કનો વિચાર પણ નહોતો કર્યો. મોટાભાઈનું ખાતું હતું. પણ,
ખુશીની સારવારના પૈસા તો મા કે બાપના ખાતા માં જ આવે. એટલે, એક નવી રામાયણ.
બેંકમાં ખાતું ખોલાવવાની. અને બેંકમાં ખાતું ખોલાવવા ગયા તો ખબર પડી કે હવે આધાર
કાર્ડ વગર ખાતું નથી ખુલતું. ને આધાર કાર્ડ માટેના ધક્કા અલગથી.


લોહી પેશાબના અલગ અલગ ટેસ્ટ થયા. એનું લોહીનું પ્રમાણ સાવ
ઓછું આવ્યું. પાટડીના નર્સ બેને કીધું કે આ છોકરીને તો સુરેન્દ્રનગર મોટા દવાખાને
લઈ જવી પડશે. ખારાઘોડા જેવા છેવાડાના ગામમાં  કોઈને જયારે જીવલેણ બીમારી હોય ત્યારે જ
સુરેન્દ્રનગર કે અમદાવાદ લઇ જાય. એટલે મોટી હોસ્પિટલનું નામ સાંભળતા જ ફરી રામાની
હિંમત તૂટી ગઈ. મા-બાપ બંનેનું દાડિયું તૂટતું હતું, બેંકમાં ખાતું ખોલાવવાના
ઠેકાણા નહોતા અને હવે પાછી મોટી હોસ્પિટલ.


ફરી માનવ સાથે ફોન પર વાતો થઇ. માનવે પૈસાની વ્યવસ્થા
કરી આપી અને થોડી હિંમત આપી. જેમતેમ કરીને સુરેન્દ્રનગરની મોટી હોસ્પીટલમાં દાખલ કરાવ્યા.
પણ, ‘ન્યા ના ડોક્ટર આકરા લાગ્યા’ એવું કહીને એક અઠવાડિયામાં પાછા ઘરે આવી ગયા.  


**********-********


માનવે પત્ની મિતાલીને વાત કરી. ‘શું મદદ કરી શકાય?’ એવો
વિચાર કરતા સમજાણું કે બે જાતની મદદની જરૂર છે. એક, ટુંકાગાળામાં કોઈ ચિંતા વગર
હોસ્પીટલમાં દાખલ થઈને સારવાર લઇ શકે એ માટે ઓછા માં ઓછા રોજની દહાડી જેટલા પૈસા ઉભા
કરવા પડશે. બીજી લાંબાગાળાની મદદ માટે ખુશી રોજીંદો ખોરાક ખાતી થઇ જાય ત્યાં સુધી ઘરે
ખુશીને ભાવે એવું અને એના ગામમાં મળતો રહે એવું વધારાનું ખાવાપીવાની વ્યવસ્થા કરવી
પડે. એમાં પાછું ખુશીનું ઘર સંયુક્ત પરિવાર. કાકાદાદાના થઇ ને કુલ ચાર બાળકો. જે
પણ ખાણીપીણીની વસ્તુઓ ખુશી માટે આપીએ એ બધા બાળકો માટે લઇ જવી પડે નહીતર ખુશીના
ભાગે કદાચ કાઈ નાં પણ આવે. આમ, આ મદદ સરળ નથી એવું સમજાયું. પણ, હવે ખુશીની ખુશી
માટે કૈક તો કરવું જ પડશે ને!!


રિસર્ચર માનવે ખોળી કાઢેલી ખુશીને સહાય કરવા મીતાલીનો NGOનો
અભિગમ આગળ આવ્યો. મિતાલી અને તેના NGOના મિત્રોએ ભેગા થઈને ‘ખુશીની ખુશી’ નામનું
whatsapp ગ્રુપ બનાવીને સહાય ભેગા કરવાનું શરુ કર્યું. કોઈ ડોકટરે ખાલી સલાહ આપી
તો કોઈએ દવા આપી. કોઇએ પૈસા આપ્યા તો કોઈએ ખાવાની વસ્તુઓ. નાની દીકરીએ જન્મદિવસની
ગીફ્ટ જતી કરીને એ પૈસા અને પોતાના ગલ્લામાંથી પણ થોડા પૈસા આપ્યા. માનવ સાથે
રિસર્ચનું સાથે કામ કરતા ધાંગધ્રાના વિકાસે તો પોતાનાથી બનતા પ્રયત્ન શરુ પણ કરી
દીધા.


“ગુજરાતમાં અડધોઅડધ છોકરા આવા જ છે, આપણે કેટલા ને
પહોચીશું?” – જેવા સવાલો ઉઠ્યા પણ ખરા. “જોઈએ, આ એક ને તો પહેલા બચાવીએ” – જેવા
જવાબોથી કામ આગળ વધતું ગયું.


મિતાલી અને એના NGOવાળા મીહીરભાઈ પહેલા દવાખાને જઈને મળતા
રહ્યા અને સતત સમજાવીને ટ્રીટમેન્ટ પૂરી કરાવી. અને, પછી બે-ત્રણ અઠવાડિયે ઘરે
જઈને પૈસા અને ખાણીપીણી, દવા અને સલાહ સુચનની સાથે સાથે પ્રેમ, હુંફ અને હિંમત આપતા
રહ્યા.


************


રક્ષાબંધનને દિવસે મિતાલી પર રામાનો ફોન આવ્યો. ખુશીના ખબર
અંતર કહીને પછી સમજુબેનને ફોન આપ્યો.


‘બેન, સાયબને લઈને અમારા ઘેરે આવોને આજે.’, સમજુબેને
પ્રેમથી આમંત્રણ આપ્યું.


‘કેમ?’


‘તે’દી સાયબ નો આવ્યા હોત ને અમને દવા કરાવવાનું નો કીધું
હોત તો અમે દીકરી ખોઈ દીધી હોત. તમે લોકોએ મદદ કરી તો આજે અમારી દીકરી બચી ગઈ, બેન
! મારે સાયબને રાખડી બાંધવી સ.’


સમાજ અને સરકારથી તરછોડાયેલી આ અશિક્ષિત સમજુબેનની સરળ
વાતથી મિતાલી ગદગદ થઇ ગઈ. અને, બેનના ઘરે રાખડી બાંધવા ગયેલા માનવને તરત ફોને
લગાડીને આ વાત કરી.


******


મિતાલીએ ફોનમાં જે વાત કરી એ સાંભળીને માનવની આંખમાં ઝળહળિયા
આવી ગયા. પોતાની બેને બાંધેલી રાખડીને હાથમાં લઈને વિચારે ચડી ગયો.  મનમાં ઉભરેલા કોલાહલમાં એને પેલો ચિત્કાર ફરી સંભળાયો.
એલા, તારે આને જીવાડવી છે કે નહિ?’


કેમ્પ વખતે આ વાત સફેદ સાડી પહેરેલા સરકારી સુપરવાઈઝર બેને
રામાને કહેલી. બીજો ઘણો શોરબકોલ હતો અને ઘણુબધું માનવના કાને પડેલું.  પણ, આ વાક્ય માનવના કાનેથી ઉતરીને મનના કોઈ ખૂણે
સચવાઈ ગયેલું. બે-ત્રણ મહિનાના સતત પ્રયત્ન વખતે એ ખૂણેથી આ વાક્ય સતત સંભળાયા
કરતુ અને ખુશીને મદદ કરતો માનવ સફેદ સાડી પહેરેલા સરકારી સુપરવાઈઝરને વખોડ્યા કરતો
અને સરકારી તંત્રને સવાલ કર્યા કરતો.


આજે રાખડીની વાત સાંભળીને માનવને સમજાણું કે એ ચિત્કાર
રામાને માટે ના હતો. કુદરતના બધાય તત્વો ભેગા મળીને સુપરવાઈઝરના મોઢે માનવને કહી
રહ્યા હતા કે ડેટા ભેગો થતો રહેશે, રીસર્ચ થતી રહેશે, રીપોર્ટ અને પેપર પણ લખાઈ
જશે. કદાચ, લાંબાગાળે આવા રિસર્ચને કારણે અગારીયાઓની કાલ સુધરશે પણ ખરી. પણ, એમની
આજનું શું? આજની ખુશીનું શું?


એલા (માનવ), તારે આને (અગારિયાઓની આજની ખુશીને) જીવાડવી છે
કે નહિ?!!’


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health