અફઘાન સ્ત્રીની વાત
જમીલા ઇકબાલ.
ત્રીસેક વરસની, સરસ અંગ્રેજી બોલતી, કાળા કપડામાં માથું ઢાંકેલી સ્ત્રી. ૧૦ અને ૬ વર્ષની દીકરીઓ અને ૩ વર્ષનો દીકરો એમ ત્રણ બાળકોની
મા એવી જમીલા અફઘાનીસ્તાનમાં યુનિસેફના ઈમરજન્સી એજ્યુકેશન વિભાગમાં સ્વેચ્છાએ અને
લગનથી કામ કરે છે. એની આ ‘બાળકોના શિક્ષણ’ની લગન પાછળ એક ઈતિહાસ છે.
અફઘાન મા-બાપની આ
દીકરી અફઘાનિસ્તાનમાં નહોતી જન્મી. એનો જન્મ પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયો.
જમીલાના મા-બાપ સિતેરના દસકામાં અફઘાનિસ્તાન પર રશિયાનું આક્રમણ થયું ત્યારે કાબુલ
છોડીને, શરણાર્થી રૂપે પાકિસ્તાન જતા રહ્યા હતાં. એમની સાથે એમના સગા વ્હાલા જ નહિ
પણ બીજા એવા સેકડો પરિવારો આવનારા ત્રીસ વરસ સુધી માદરે-વતન છોડીને જવાના હતાં.
જમીલાનો જન્મ, ઉછેર,
અને અભ્યાસ બધું જ પાકિસ્તાનમાં જ થયું. આ અફઘાન પરિવારો શરણાર્થી બનીને એક
મુસ્લિમ દેશમાંથી બીજા મુસ્લિમ દેશમાં ગયા તો ખરા પણ અંતે તો પરાયા દેશમાં વણ-બોલાવ્યા
મહેમાન ને! પાકિસ્તાનના વતની મુસ્લિમ લોકોએ અફઘાનીસ્તાનના આ શરણાર્થીઓને પોતાના
જેવા ગણ્યા જ નહિ. જમીલાના નાનપણમાં સ્કુલના બાળકો પણ તેની સાથે ઓરમાયું વર્તન જ
રાખે. “અમારું રાષ્ટ્રગાન તું ના ગા, તું અમારી અહીયાની નથી” થી લઈને “તમે લોકો
તમારા દેશમાં પાછા ક્યારે જતા રહેશો?” જેવી વાતો અને સવાલો જમીલાના ઉછેરનો રોજીંદો
ભાગ હતાં.
જમીલાના પપ્પાએ બીજા
અફઘાન મિત્રો અને સગા-વ્હાલાની સાથે મળીને નાનો-મોટો ધંધો કરીને ગુજરાન ચલાવ્યા
કર્યું. જમીલા મોટી થતી ગઈ ત્યારે અફઘાનિસ્તાન પાછા જતા રહેવાની વાતો ઘણી વાર આવતી
પણ રશિયન, પછી મુજાહિદીન, પછી, સિવિલ વોર, અને પછી તાલીબાન – એમ માહોલ સારો નથી એવું સમજી – સમજાવીને શરણાર્થીની જીંદગી ચાલુ જ
રહી. વીસ – પચીસ વરસના વહાણા વીતી ગયા. પરાયા દેશમાં જન્મેલી જમીલા એ જ પરાયા
દેશમાં સતત ભેદભાવમાં બાળપણ અને પછી કિશોરાવસ્થા પર કરીને મોટી પણ થઇ ગઈ. પછી,
૨૦૦૧માં અમેરિકામાં મોટો હુમલો થયો એટલે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. એક-બે
વરસમાં તાલીબાનનું શાસન પૂરું થયું. હવે, ફરીથી પોતાના દેશની ઉમ્મીદ જાગી. અલગ અલગ
દેશોમાં જતા રહેલા અફઘાન શરણાર્થીઓ ધીમે ધીમે પોતાના દેશમાં પાછા આવવા માંડ્યા
હતા. જમીલાના માં-બાપ અને સાસુ સસરા પણ એમના એક હતા.
પોતાના દેશ, રાજ્ય,
શહેરમાં પાછા આવવાનો ઉત્સાહ તો ખુબ હતો પણ અસુરક્ષાનો દર પણ એટલો જ હતો.
અફઘાનિસ્તાનમાં હજુ ય આંતરિક સ્તરે લડાઈ ચાલુ જ હતી. આજે પાછા આવ્યાને દસ વરસ થયાં.
છાશવારે આત્મઘાતી હુમલાઓ, બોમ્બ ફૂટવાના સમાચારો, અને ફાયરિંગની ઘટનાઓ સતત બન્યા
કરે. સવારે ઘરેથી નીકળે ત્યારે સાંજે પાછા આવશે કે નહિ તે ખબર ના હોય. આડોશ-પાડોશ,
ઘર-ઓફીસ બધે જ હુંફ-સહકારની સાથે સાથે શંકા-આશંકા-કુશંકા પણ જીવનનો એક ભાગ. સુરક્ષાની
આખી વ્યાખ્યા જ અલગ. પણ, આ બધાની સાથે સાથે પોતાના દેશમાં પોતાના લોકો સાથે અને
પોતાના લોકો માટે જીવવાનો વ્યક્ત ના થઇ શકે એવો અને એટલો આનંદ પણ ખરો ને !!
જમીલને મુંબઈ ગમે. એ
જયારે મુંબઈના મુસ્લિમ મિત્રોને મળી ત્યારે તેને એવું લાગ્યી હતું કે ‘ઇન્ડીયાના
મુસ્લિમ લોકો ખુશ છે, અને એમને પોતાના દેશ માટે પ્રેમ છે’. હવે ક્યારેક જો
અફઘાનિસ્તાન છોડવાનું થાય તો એ મુંબઈ આવીને રહેવા માંગે છે.
પણ, અત્યારે તો અફઘાનીસ્તાનના
દુર-દુરના શહેર ગામડે જઈને સુવિધા વિનાના વિસ્તારના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે એ
માટેના પ્રયત્નોથી જમીલા ખુશ છે. સાસુ થોડી ઓછી મદદરૂપ છે પણ પતિની મદદ પુરતી મળી
રહે છે એટલે ગાડું દોડ્યે જાય છે!!!
Nice sharing... Keep it up. :)
ReplyDelete