What is public health? ( An article in Gujarati)









પ્રોફ. દિલીપ માવળંકર
બહુ જાણીતા પબ્લિક હેલ્થ સ્પેશ્યાલીસ્ટ છે, અને હાલમાં તેઓ ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ
ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર’ નામની મારી સંસ્થાના ડીરેક્ટર છે. તેઓ અમદાવાદમાં ભણેલા
ડોક્ટર છે. અને પછી તેમણે અમેરિકામાંથી ‘માસ્ટર ઇન પબ્લિક હેલ્થ’નો કોર્સ કરેલો છે.
સ્વાસ્થ્યક્ષેત્રનો લગભગ ત્રીસેક વરસોનો બહોળો અનુભવ છે
, પણ એમણે ક્યારેય હોસ્પીટલમાં
રહીને એક ડોક્ટરની જેમ દર્દીઓ નથી જોયા. ડોક્ટરની જેમ MBBS અને MD ભણ્યા ખરા પણ
તબીબની જેમ સારવાર આપવાનો વ્યવસાય ના કર્યો. અને તો પણ, સ્વાસ્થ્યક્ષેત્રના તજજ્ઞ
ગણાય!! આવું કેવું? 





હું પોતે ડોક્ટર
નથી.
મેં B.Pharm કર્યું છે પણ ના તો મેં દવાઓ વેચી, કે નથી કોઈ હોસ્પિટલમાં
કામ કર્યું. પણ, છતાંય ભારતની પહેલી પબ્લિક હેલ્થ યુનિવર્સીટીમાં અસોસીયેટ પ્રોફેસર
છું. ઘણા વર્ષોથી હેલ્થ રીસર્ચનું કામ કરું છું અને પોસ્ટ-ગ્રેજુએટ વિદ્યાર્થીઓને પબ્લિક
હેલ્થને લગતા વિષયો ભણાવું છું. મારા જેવા ડોકટરની જેવું ના ભણેલા લોકો પણ સ્વાસ્થ્યક્ષેત્રમાં
કામ કરે!! આવું કેવું? 






લોકોને બીમારીમાંથી ઉગારવા ડોક્ટર જોઈએ; પણ લોકોને બીમારીથી
બચાવવાનું કામ કોઈપણ કરી શકે.






આવું એટલા માટે કારણ
કે સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ એ બહુ બહોળો વિષય છે જેને થોડા વિસ્તારથી સમજવો જોઈએ. ચાલો,
પબ્લિક હેલ્થને એક દ્રષ્ટાંતથી સમજીએ. ધારો કે તમે ઘરે પહોચો અને જુઓ કે શેરીના કે
સોસાયટીના બધા જ ઘરો ભીના-ભીના થઇ ગયું છે. બધા ઘરના રૂમમાં-રસોડામાં બધે જ પાણી
ફેલાયેલું છે.  હવે તમારા ઘરને ઠેકાણે
પાડવા તમે શું કરશો? એક સામાન્ય સમજ મુજબ તમે એમ જ કહેશો કે ‘સાવરણો લઈને પાણી
કાઢીશું અને પછી પોતું લઈને કોરું પાડીશું’! તમારા પડોશીઓ પણ પોતાના ઘરને સાફ
કરવામાં લાગી જશે. બધા જ લોકો પોતપોતાની સમજ મુજબ ઓછી મહેનતના રસ્તાઓ કાઢીને, અને
યથાશક્તિ એકબીજાને મદદ કરીને જેમતેમ કરીને ઘરોને કોરા પાડવામાં લાગી જશે. પણ, પલળી
ગયેલા ઘરોને જોઇને કોઈકને એવો વિચાર પણ આવે કે આ પાણી ક્યાંથી આવ્યું અને કેમ ભરાઈ
રહ્યું એ શોધીએ અને એનું નિરાકરણ લાવીએ. 





આમ, પોતાના ઘરને ઠેકાણે
પાડવાના ધ્યેયથી કોઈ લોકો ઘરને કોરું પાડવામાં લાગી જાય, અને કોઈ બીજું માણસ ખુલ્લો
નળ બંધ કરવામાં અને કચરાથી ભરાઈ ગયેલી નાલીઓ સાફ કરવામાં લાગી જાય. આગળના રૂમમાં
કોરું પાડવામાં લાગેલા લોકો સામે દેખાશે અને એમના કામની અસરો પણ તરત વર્તાશે. પણ,
ઘરની અંદર જઈને નળને બંધ કરતા અને નાલીઓને સાફ કરતા લોકો સામે દેખાશે નહિ, અને
એટલે એમના કામની અસરો તરત વર્તાશે પણ નહિ. સાચું ને ?!!





આ ફેલાયેલું પાણી એટલે
બીમારી અને ઈજાઓ. સાવરણા અને પોતું એટલે સારવારમાં વપરાતી બધી જ સામગ્રીઓ. અને, નળ
અને નાલીઓ એટલે સ્વાસ્થ્યને અસર કરતા વિવિધ પરિબળો.  ઘરને સતત કોરું કરતા રહેતા અને એટલે સતત નજર
સામે રહેતા માણસો એટલે વૈધ-ડોક્ટર સહિતના તબીબી વ્યવસાયવાળા લોકો. જયારે ઘર ભીના
થવાનું કારણ શોધતાં, કારણ મળે પછી નળ બંધ કરતા અને નાલીઓ સાફ કરતા, અને આ બધું જ
કરતી વખતે સામે ના દેખાતા હોય અને તરત જ ના વર્તાતા હોય એવા માણસો એટલે પબ્લિક
હેલ્થવાળા લોકો!





પબ્લિક હેલ્થને
સમજવા માટે  સૌથી પહેલા ‘આરોગ્ય’ અને ‘સ્વાસ્થ્ય’
આ બે શબ્દોને અલગ કરવા જોઈએ.  બીમારીની
ગેરહાજરીને આરોગ્ય કહેવાય. ‘રોગનું નાં હોવું અથવા રોગોને દુર કરવા’ એવી આરોગ્યની સમજ
બીમારી, ઈજા કે રોગો સાથે જોડાયેલી છે.  કોઈ
વ્યક્તિને ‘મજા નથી’ એવું લાગે તો પહેલા તો એ કઈ ઘરગથ્થું  ઉપાય કરે. જો ફેર નાં પડે તો ‘બીમારી હશે’ એવું
માનીને ડોક્ટર પાસે જાય, અને સલાહ મુજબ લોહીની કે x-ray જેવી તપાસ કરાવે. પછી
ડોકટરના નિદાન અને સુચન પ્રમાણે દવા લે અને જરૂરી કાળજી રાખે. આમ કરવાથી એની
બીમારી/ઈજા દુર થાય. આમ, આરોગ્યની વાત બીમારીથી શરુ થાય અને ઈલાજે પૂરી થાય. આ ‘મજા
ના હોય’ ત્યારે કરેલા ઘરેલું નુસ્ખાઓ, અને બીમાર કે ઈજાગ્રસ્ત થયા પછી ડોકટર-નર્સ-દવાવાળા-લેબોરેટરીવાળા
વગેરે લોકોની મદદથી કરેલી સારવાર – આ બધું આરોગ્યને લાગતું કામ છે. આ દર્દીઓને ફરીથી
સાજા-નરવા કરવાની પ્રક્રિયામાં મદદ કરતી સેવાઓને આરોગ્ય સેવાઓ કહેવાય, સ્વાસ્થ્ય
સેવાઓ નહિ.





સ્વાસ્થ્યની વાત
થોડી વ્યાપક છે.  સાજા-નરવા હોવાને સ્વાસ્થ્ય
કહેવાય અને એટલે સ્વાસ્થ્યની સમજ ‘બીમારીની ગેરહાજરી’ પુરતી સીમિત નથી.
 કોઈ માણસને શારીરિક કે માનસિક સ્તરે સાજા-નરવા રહેવામાં મદદરૂપ
થતા દરેક પહેલુઓને સ્વાસ્થ્યને લગતા પરિબળો કહેવાય.  એટલે, ડોકટરી સમજથી જો હેલ્થની વાત કરીએ તો
આરોગ્યની જ વાત થાય. પણ, માનવીય કે સામાજિક સમજથી હેલ્થની વાત કરીએ તો સ્વાસ્થ્યની
વાત થાય. 





આરોગ્યની જેમ સ્વાસ્થ્યને
લગતા ઉપાયો પણ વ્યક્તિગત સ્તરે તો કરાતા જ હોય. જેમ કે સારું ખાવું-પીવું,
સ્વાસ્થ્યવર્ધક ટેવો રાખવી, હાનીકારક તેવો ઘટાડવી, વગેરે. પણ, એ પુરતું નથી કારણ
કે સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો ફક્ત વ્યક્તિગત નથી હોતા. આવા પરિબળો સામાજિક
સ્તરના પણ હોય છે. અને એટલા માટે એના ઉપાયો પણ સમાજના સ્તરના એટલે કે સાર્વજનિક
હોવા પડે. દાખલા તરીકે, મેલેરિયા. તાવ આવે અને ઘરગથ્થું નુસખાંથી ફેર નાં પડે એટલે
લોહીની તપાસ કરાવીને, ક્લોરોક્વિન જેવી દવા લઈએ અને તાવ ઉતારી જાય એ આરોગ્યના
ઉપાયો થયા. પણ, મલેરિયાને માટે જવાબદાર મચ્છરોથી બચવાના ઉપાયોને સ્વાસ્થ્યના ઉપાયો
કહીશું. આમાં. ઘરે મચ્છર મારવાની દવા કે અગરબતી વાપરવાને અંગત કે નીજી સ્વાસ્થ્યના
ઉપાયો કહીશું. પણ, મચ્છરની ઉત્પતિ થતી હોય તેવા ખાબોચિયાઓને દુર કરવાના કામો કે આવા
ખાબોચિયામાં દવા છાંટવાની સાવર્જનિક સેવાઓને પબ્લિક હેલ્થના કામો કહી શકાય. 





સાવ સરળ ભાષામાં
કહીએ તો ‘પબ્લિક હેલ્થ એટલે સ્વાસ્થ્યને અસર કરતા પરિબળોનો લોકસ્તરે અભ્યાસ અને
એના આધારે કરાતા સાર્વજનિક કામો.’ આ વાક્યમાં આવતા બે શબ્દોને વિસ્તારથી સમજીએ. 





એક, લોક-સ્તરે. આ
લોકોના સમૂહમા ફક્ત બીમાર લોકો જ નહિ પણ ‘બીમાર અને સાજા-નરવા’ એવા બંને પ્રકારના
લોકોનો સમાવેશ થાય. અને આ સમુહમાં કોઈ સમુદાયના, રાજ્ય/ના, દેશના, કે આખા વિશ્વના
લોકો પણ હોય શકે. પબ્લિક હેલ્થવાળા લોકોનું કામ દર્દીની સારવારની જેમ વ્યક્તિગત
નાં હોય; તેઓ કુટુંબ સ્તરે, સામુદાયિક સ્તરે કે લોક-સ્તરે, એટલે કે ઘણા માણસોને એક
સાથે અભ્યાસ કરે અને લોકોને અસર થાય એવા સાર્વજનિક પગલા લે.





બીજો શબ્દ છે પરિબળો.
આરોગ્યને અસર કરતા પરિબળો તબીબી અને બિન-તબીબી એમ વિવિધ પ્રકારના હોય શકે. તબીબીવિજ્ઞાનમાં
મોટેભાગે પ્રકૃતિને લગતા એટલે કે વિવિધ જીવો અને શરીરને લગતા પરિબળો જ આવે, પણ સ્વાસ્થ્યને
અસર કરતા બિન-તબીબી પરિબળોમાં માણસોના નીજી સ્વભાવ, ઘર-કુટુંબ-સમાજના રીત-રીવાજો,
રોજીંદા ખોરાક અને અન્ય ટેવો, નોકરી-ધંધાથી લઈને વાતાવરણ, આર્થીક-સામાજિક માહોલ ,અને
સરકારી પગલાઓનો પણ સમાવેશ થાય. આમ સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો cellથી લઈને society
સુધીના હોય શકે; પ્રકૃતિથી લઈને સંસ્કૃતિ સુધીના હોઈ શકે.






પબ્લિક હેલ્થના મૂળ ત્રણ હેતુ હોય : લોકોમાં બીમારીઓ અને ઈજાઓને થતી રોકવી,
લોકોના સ્વાસ્થ્યને સાચવવું કે સારું કરવું, અને લોકોની જીવન લાંબુ અને
સ્વાસ્થ્યપ્રદ બનાવવું.






જોયુંને, આરોગ્ય અને
સ્વાસ્થ્યનો કેવો ફરક છે ? અને, સ્વાસ્થ્યની વાતમાં પણ જનસ્વાસ્થ્ય કેવું અલગ છે! બીમારીમાંથી
બહાર નીકળવા માટે તબીબી સારવાર ખુબ જરૂરી છે. પણ સાજા-નરવા રહેવાના, બીમારીમાંથી
બચાવવાના અને બીમારીઓની અસર ઓછી કરવાના સાર્વજનિક કે લોક્સ્તરના કામો પણ એટલા જ
જરૂરી છે. આ કામો માટે ડોક્ટરોની નહિ, પણ જન સ્વાસ્થ્યની સમજ અને ક્ષમતા ધરાવતા
લોકોની જરૂર છે.  ભારતમાં આવા લોકોની ઉણપ
છે અને એ ઉણપને પૂરી કરવા ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર’ આ હેતુ
સર કરવા માટે શિક્ષણ, તાલીમ અને સંશોધનના કામમાં કાર્યરત યુનિવર્સીટી છે. 






આ તો થઇ પબ્લિક હેલ્થ એટલે શું?ની વાત. પબ્લિક
હેલ્થવાળા લોકો શું કરે
?  એની વાત ફરી ક્યારેક.



Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health