Review : Karsandas - Pay & Use
જયારે feel-good factorની જ વાતો થતી હોય, જયારે અચ્છે-દિનના જ નારા સાંભળવા
મળતા હોય, અને જયારે ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ એવી ભ્રામક માન્યતાને હકીકત ગણવામાં
આવતી હોય ત્યારે શહેરી જીવનની નરી અને વરવી વાસ્તવિકતા દર્શાવતી આ ફિલ્મ દાદને
પાત્ર તો બને જ
મોટાભાગની ફિલ્મી પ્રેમકથાઓ વર્ગભેદની આસપાસ રચાયેલી હોય. આમાં
આર્થિક (અમીર-ગરીબ), ધાર્મિક (હિંદુ-મુસ્લિમ), ભૌગોલિક (ગ્રામ્ય-શહેરી), અને
ક્યારેક મરાઠી ફિલ્મ સૈરટની જેમ જાતિગત (સવર્ણ-દલિત) વર્ગોના બે પાત્રોના પ્રેમની
વાત હોય. આ બંને વર્ગો ખુબ જ અલગ હોય, અને માતાપિતા બાળકોના સંબંધ સામે વિરોધ કરતા
હોય અને એવું બધું. પણ, શહેરના એક ચાલી કે ઝુપડપટ્ટીમાં રહેતા સાવ ગરીબ કે થોડા
ગરીબ લોકોના પ્રેમની વાત કરતી આ ફિલ્મ અનેરી છે. ગરીબ, અનાથ, હરીજન છોકરા અને
બીજાના ઘરે કામ કરીને છ દીકરીવાળા પરિવારને ચલાવવામાં મદદ કરતી છોકરીની love story વાળી આ ફિલ્મ આડકતરી રીતે તો આર્થિક રીતે પછાત સમાજમાં જોવા મળતા નાત-જાત અને આર્થિક
ભેદભાવની જ વાત કરે છે.
અર્બન ગુજરાતી ફિલ્મના નામે middle કે lower-middle ક્લાસ
કુટુંબની શહેરી વાર્તાઓ વળી ફિલ્મો છેલ્લા બે-ત્રણ વર્ષોમાં ઘણી આવી. પણ, ‘કરસનદાસ
પે એન્ડ યુઝ’ વિકસતા શહેરોની અંદર છેવાડાના વિસ્તારોમાં વસતી અને સતત પ્રસરતી બીજી
સંસ્કૃતિની વાત લઈને આવે છે. આ ‘જાણીતાં અને છતાં અજાણ્યા’ વિસ્તાર અને વિષયોની વાત
કરવી, અને આ માણસોના જીવનમાં ઝાંખવાનો મોકો આપવો એ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ
પોઈન્ટ. આમ કરવા છતાય, આ ફિલ્મ શ્યામ બેનેગલની ઓમપુરી/સ્મિતા પાટિલની જેવી આર્ટફિલ્મ
બનીને નથી રહી જતી. આ મસ્ત મજાની હલકી ફૂલકી સતત કોમર્શિયલ લાગે એવી મેઈનસ્ટ્રીમ
ફિલ્મ જ છે.
એક તરફ કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ કે જેમાં ‘કીતને અમીર
હો તુમ? ફર્સ્ટ-ક્લાસ વાલે યાં પ્રાઈવેટ જેટ વાલે?’ની અમીરોની સરખામણી થતી હોય
ત્યાં ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ ‘જાહેર સંડાસવાળા કે એક રૂમના ઘરના એક ખૂણામાં સંડાસ’
વાળા ગરીબોની સરખામણી લઈને આવે છે. મારા મતે આ ફિલ્મ KJO અને CHOPRAsની અમીર શહેરી
સંકુચિતતાનો સખત જવાબ છે.
વાર્તા તો સરસ છે જ પણ વાત કહેવાની ઢબ પણ અનેરી લાગી. આપણી
રોજીંદી કુદરતી જરૂરીયાતને ટોઇલેટ, પોટી, સેનિટેશન, જેવા અંગ્રેજી શબ્દથી આપણે રોજીંદા
જીવનમાં સુગ વગર ઉદ્દેશી લઈએ છીએ અને ગુજરાતીમાં સંડાસને ‘છી છી’ કહીને નાક-મોઢું બગાડી
લઈએ. આવા દંભી સામાજિક વલણને આ ફિલ્મ સાવ સરળતાથી ઉજાગર કરે છે. કચરો નાખનારા અને ગંદકી
કરનારા લોકો સફાઈ કરનાર કે કચરો વાળનારને ગંદા કહે છે – આ ફિલ્મ આપણી આ માનસિકતાને
આંખમાં આંખ નાખીને સવાલ કરે છે. ફિલ્મના કીરદારો આ વાતને બહુ સાહજિકતાથી કહે છે, ‘હું
સફાઈનો માણસ છું, આમ લોકોના જીવનમાં ગંદકી ફેલાવવાનું મને નહિ ગમતું’!!’ અને બીજા
એક સંદર્ભમાં, ‘ઓકાતની વાત કરો છો તમે? અરે પોતાની સફાઈ રાખવાની તો તમારી તેવડ નથી’!!
ભારતીય સમાજનો એક વર્ગ સદિયોથી બીજાના મળમૂત્ર ઉપાડવાથી
લઈને એને સાફ કરવા સાથે સંકળાયેલો છે. આ વર્ગની વાતો, લાગણીઓ, સંવેદનાઓ, સંસ્કૃતિઓ
વગેરેને આપણે કોરાણે મૂકી દીધેલા છે. આ ફિલ્મ સાહજીકતાથી નથી કરવામાં આવતી એવી
અઘરી વાતોને કરાવવાનું કામ કરે છે. જયારે એક પાત્ર ગટરમાં ઉતરતાં બીજા પાત્રને સાચવવાનું
કહે છે ત્યારે બિન-હરીજન પાત્ર બોલે છે કે, ‘ગટરમાં જ ઉતરે છે ને એમાં સાચવવાનું
શું?’ ત્યારે પહેલું પાત્ર એને જવાબ આપે છે, ‘મારો બાપ આવી ગટરમાં જ ગૂંગળાઈ મર્યો’તો!’
આ સાવ સરળતાથી કહેવાયેલી વાત પાછળની પીડા દર વરસે હજારો હરિજનો આજે પણ ભોગવી રહ્યા
છે. આ ફિલ્મ એમના આંતરમનનો ચિત્કાર છે!
ગરીબી, સ્વાસ્થ્ય, વસ્તી વધારો, son-preferance, સારવારનો
અભાવ, પૂરતા પોષ્ટિક ખોરાકનો અભાવ, ચોખ્ખા પીવાના પાણીનો અભાવ, સાબુથી હાથ ધોવાની
આદતનો અભાવ, ઘરેલું હિંસા, સ્ત્રીઓના status, વગેરે શહેરી વિસ્તારના
જન-સ્વાસ્થ્યના કઈ કેટલાય વિષયોને પણ આ ફિલ્મમાં સરસ રીતે આવરી લેવાયા છે.
જયારે feel-good factorની જ વાતો થતી હોય, જયારે અચ્છે-દિનના
જ નારા સાંભળવા મળતા હોય, અને જયારે ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ એવી ભ્રામક
માન્યતાને હકીકત ગણવામાં આવતી હોય ત્યારે શહેરી જીવનની નરી અને વરવી
વાસ્તવિકતા દર્શાવતી આ ફિલ્મ દાદને પાત્ર તો બને જ. પણ, એ સાથે ગરીબીને ઉપહાસનું
સાધન કે અરેરાટીભરી સહાનુભુતિનું માધ્યમ ના બનવા દઈને ‘દાંતિયો અને ચાંદલો’ જેવા ઓછા
પૈસાના અનેરા આનંદની વાતોએ આ ફિલ્મે દરેક શહેરના છેવાડે પાંગરતી સંસ્કૃતિનો પરિચય આપવાનું કામ કર્યું છે.
સરસ મજાની વાર્તા, સ્ક્રીનપ્લે, સંવાદો, ગીત-સંગીત,
દિગ્દર્શન, અને વિવિધ કલાકારોના અભિનય વગર આ શક્ય નાં જ બને !!
મારા મતે આ ફિલ્મ KJO અને CHOPRAsની અમીર શહેરી સંકુચિતતાનો સખત જવાબ છે. -Right.
ReplyDeleteસ્ત્રીઓના status - આમા આપ "ઓનર કિલિંગ" વાળા ઓનરની વાત કરતા લગો છો.
હરીજન છોકરા અને બીજાના ઘરે કામ કરીને છ દીકરીવાળા પરિવારને ચલાવવામાં મદદ કરતી છોકરી-- તમે છોકરાની જાતિ ડર વગર બોલ્યા પણ છોકરીની જાતિ ના બોલ્યા, જ્યારે સહાનુભૂતિને લાયક બન્ને હતા. એક પોતાની સંસ્થાગત જાતિગત સ્થિતિનો શિકાર હતો, તો સામે છેડે હકીકતમા ન જીવી રહેલા ગૂરૂતાગ્રંથિનો શિકાર બનેલો સમાજ હતો. આના કારણે બન્ને ગરીબ છે, બન્ને પીડાય છે.
‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ એવી ભ્રામક માન્યતાને હકીકત ગણવામાં આવતી હોય ત્યારે શહેરી જીવનની નરી અને વરવી વાસ્તવિકતા દર્શાવતી આ ફિલ્મ દાદને પાત્ર તો બને જ. -શાબાશ.
પણ, એ સાથે ગરીબીને ઉપહાસનું સાધન કે અરેરાટીભરી સહાનુભુતિનું માધ્યમ ના બનવા દઈને -ખુબ સરસ.. અમે ગરીબો માંડ લાફો મારીને ગાલ લાલ રાખતા હોઇયે, તમામ ચીજો દેખાવ માટે માંડ કરતા હોઇએ ત્યા કોઈક સહાનુભૂતી વાળો આવીને શેર લોહી બાળી જાય.