Men, Masculinity, and health (An article in Gujarati)

પુરુષ, પુરુષત્વ, અને પુરુષોનું આરોગ્ય – જેન્ડર પરિમાણની સમજ


હમણાં કુટુબના એક પુરુષે એવી ટીપ્પણી કરી કે, ‘આજકાલ બીપીનું બહુ નોર્મલ થઇ ગયું છે, નહિ?’ એના જવાબમાં મેં કહ્યું, ‘હા, પુરુષોમાં હાઈ બ્લડ પ્રેશર વધારે જોવા મળે. પુરુષો સ્ટ્રેસ વધારે લે, એ એક મોટું કારણ પણ ખરું. સ્ત્રીઓની જેમ મનની વાત કરી લે, થોડીઘણી પંચાત કરીને હળવા થઇ લે કે રડી લે તો માનસિક તણાવ ઓછો રહે અને પ્રેશર પણ નોર્મલ રહે’. મારા આવા જવાબની સામે પ્રતિભાવ મળ્યો કે ‘સ્વભાવને બદલવું તો અશક્ય જ છે. એ તો કુદરતી છે.’ મને થયું કે પુરુષોના આરોગ્યને અસર કરતા પરિબળોની સમજ નવેસરથી કરવી પડશે.


બીમારી અને ઈલાજ એ તબીબી વિજ્ઞાનને લગતા વિષયો છે. એ સમજવા ટેકનીકલ સમજણ હોવી જરૂરી છે. પણ, આરોગ્ય, એટલે હેલ્થ, તો માનવશાસ્ત્રનો વિષય છે. એને સમજવા માટે તબીબી વિજ્ઞાન બહારની અને વધારાની ઘણી કોઠાસૂઝ આધારિત સમજણની જરૂર હોય છે. આરોગ્યને અસર કરતા વિવિધ પરિબળો તબીબી સ્તરથી અલગ છે. આમાં નીજી સ્વભાવ, ઘર-કુટુંબ-સમાજના રીત-રીવાજો, રોજીંદા ખોરાક અને બીજી ટેવો, નોકરી-ધંધાથી લઈને વાતાવરણ, આર્થીક સામાજિક માહોલ અને સરકારી પગલાઓનો પણ સમાવેશ થાય. ‘જાહેર આરોગ્ય’ના અભ્યાસીઓ આવા પરિબળોનો સઘન અભ્યાસ કરતા હોય. જાહેર આરોગ્યને લગતા અભ્યાસ અને સંશોધનો યુરોપ અને અમેરિકાના દેશોમાં વર્ષોથી  થતા આવ્યા છે. એટલે આવા ઘણાખરા વિષયવસ્તુને લગતા શબ્દો ફક્ત અંગ્રેજીમાં જ જોવા મળે છે. ભારતીય ભાષાઓમાં એને સંલગ્ન શબ્દો ઓછા છે, અને એટલે જ એની ચર્ચા પણ સીમિત જ હોય છે. દાખલા તરીકે, ડીપ્રેશન. આપણી ઘણી ખરી ભાષામાં ડીપ્રેશન માટે સચોટ શબ્દ ના હોય ને છેવાડાના લોકો સુધી ડીપ્રેશનને લગતી ચર્ચા ઓછી થાય છે. જોકે, આપણા દેશમાં તબીબી વિજ્ઞાનથી આગળ વધીને જાહેર આરોગ્યને લગતા વિષયોનો અભ્યાસ ધીરે ધીરે વધી રહ્યો છે. અને એટલે, આવા પરિબળોનો અભ્યાસ અને ચર્ચા પણ વધી રહ્યા છે. સ્ત્રીઓ અને ખાસ કરીને પુરુષોના આરોગ્યને લગતું એક મહત્વનું પરિબળ છે – GENDER. 


જેન્ડર. અંગ્રેજી ભાષામાં સાવ સહજતાથી વપરાતા આ શબ્દની સાંસ્કૃતિક અહમિયત પુરેપુરી મુલવી શકે એવો શબ્દ ગુજરાતીમાં નથી. અંગ્રેજીમાં SEX અને GENDER એમ બે શબ્દો છે અને બંનેનો અર્થ સહજ રીતે અલગ છે. SEX એ લિંગભેદ એટલે કે માણસ સહિતના લગભગ બધા જ સજીવોને નર અને માદા એમ કુદરતી વર્ગોમાં વહેચવા માટે વપરાય. જયારે GENDER શબ્દ સ્ત્રી-પુરુષ/છોકરા-છોકરીને લગતા સામાજિક કે સાંસ્કૃતિક મુલ્યો માટે વપરાય. અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ આપતી સારામાં સારી ડીક્ષનરી જોઈ લઇએ તો પણ, SEX અને GENDERને આ રીતે ‘જાતિ કે લિંગ’ જેવા પુસ્તકિયા મતલબથી વધારે સમજાવેલ જોવા નહિ મળે. કદાચ એટલે જ આરોગ્યને લગતી વાતોમાં આપણે ત્યાં જેન્ડરને કોઈ સ્થાન નથી. જયારે સ્ત્રી-પુરુષોની અલગ અલગ બીમારીઓની વાત કરીએ ત્યારે તેને અલગ શારીરિક બંધારણને લીધે થતી હોય તેમ માનીને એ સ્તરે જ અટકી જઈએ છીએ. દાખલા તરીકે, સ્ત્રીઓને સ્તન કેન્સર થાય અને પુરુષોને ન થાય, અથવા પુરુષોને પ્રોસ્ટેટની બીમારી થાય જે સ્ત્રીઓને ના થાય. આમ, આપણે સ્ત્રી-પુરુષની બીમારીઓને તેમના શરીરના અલગ અંગો સાથે જ મુલવી દઈએ અને પ્રજનન અંગોની બીમારી સિવાય બંને ને અલગ ગણતા જ નથી. પણ, આરોગ્યને થોડા વિસ્તારથી સમજીએ તો ખ્યાલ આવે કે કોઈ વ્યક્તિનું સ્ત્રી કે પુરુષ હોવું એ બીમારી થવા પાછળ અને બીમારીની સામાજિક/આર્થિક પરિણામો ઉપર અસર કરતુ એક અહમ પરિબળ છે.


અંધત્વના આંકડાઓને જેન્ડરની દ્રષ્ટીએ જોઈએ તો વિશ્વના મોટાભાગના દેશોમાં બધા દ્રષ્ટિહીન લોકોમાંના લગભગ બે-તૃતીયાંશ (૬૬ ટકા) કેસ સ્ત્રીઓના હોય છે. આનું મુખ્ય કારણ ટ્રકોમા (Trachoma) નામની આંખની ચેપી બીમારી અને સમયસર મોતિયાબિંદનું ઓપરેશનનો અભાવ છે. દુનિયાની દરેક સંસ્કૃતિમાં કુટુંબીઓની સારસંભાળનું કામ મુખ્યત્વે સ્ત્રીઓનું હોય છે. ઘરની સ્ત્રીઓ જયારે ટ્રકોમાંવાળા નાના બાળકોની સારવાર-સંભાળ લેતા હોય ત્યારે એમને પોતાને આ બીમારીનો ચેપ લાગે. અને પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને સારવારની તકો ઓછી અને મોડી મળતી હોય એટલે સમયસર સારવારના અભાવે બીમારીની અસર વધીને અંધત્વમાં પરિણામે.


રસોઈ કરવાની જવાબદારી પણ મોટાભાગે ઘરની સ્ત્રી ઉપર જ હોય. રસોઈ કરવામાં વપરાતા બળતણના પ્રકારની પણ આરોગ્ય પર મોટી અસર થાય છે. જેમ કે કોલસા/લાકડા/છાણ જેવા ઘન પદાર્થ જયારે બળતણ માટે વપરાય ત્યારે ચુલા/સગડીમાંથી ધુમાડો થાય. આ ધુમાડો શ્વસનતંત્રના વિવિધ રોગો નોતરે છે. ભારતના લગભગ ૬૦% ઘરોમાં આજે પણ આવા ધુમાડિયા બળતણ જ વપરાય છે. જે સ્ત્રીઓ આવા ધુમાડિયા બળતણ વાપરે છે તેઓને COPD નામની ફેફસાની બીમારી થવાની સંભાવના ખુબ વધારે છે.  આ બીમારીથી દર વર્ષે ૧૩-૧૪ લાખ સ્ત્રીઓ અને એટલા જ પ્રમાણમાં પુરુષોનું મૃત્યુ થાય છે. ધુમાડિયું બળતણ સ્ત્રીઓમાં આ બીમારીનું મુખ્ય કારણ છે; જયારે પુરુષોમાં આ બીમારીનું મુખ્ય કારણ ધુમ્રપાન છે.  મલેરિયા, એચ.આઈ.વી. જેવી ઘણી બીમારીઓ છે જેમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતા વધારે હોય છે. માનસિક બીમારીઓનું પ્રમાણ અને એની અસરો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.


બાળપણમાં જોવા મળતા કુપોષણને જેન્ડરની દ્રષ્ટીએ સમજીએ તો ખ્યાલ આવે કે ભારત બહુ જ ઓછા દેશોમાંનો એક છે જેમાં છોકરીઓમાં કુપોશણનું પ્રમાણ છોકરા કરતા વધારે છે. લોહીમાં લોહતત્વનું પ્રમાણ ઓછું હોય તે અવસ્થાને એનીમિયાની બીમારી કહેવાય. સામાન્ય રીતે સ્ત્રીઓમાં એનીમીયાનું પ્રમાણ વધારે જ હોય. પણ, જયારે આ બીમારીને નાથવા માટે સરકારી અને સામાજિક કાર્યક્રમો હાથ ધરાય ત્યારે એનિમિક લોકોનું પ્રમાણ ઘટે. મોટાભાગના દેશોમાં આવા કાર્યક્રમોનો લાભ સ્ત્રી-પુરુષો બંને ને મળે; પણ ભારતમાં ૧૯૯૦-૨૦૧૦ વચ્ચે એનેમિયાના પ્રમાણમાં ઘટતો થયો તેનો લાભ છોકરાને વધારે થયો. આજે પણ ૪૦ ટકા જેટલી કિશોરીઓ અને સ્ત્રીઓ એનીમીયાનો શિકાર છે, જે ઘણું વધારે કહેવાય કારણ કે આની અસરો આવનારી પેઢીને પણ પડે. હવે સવાલ એ થવો જોઈએ કે આવું કેમ? સ્ત્રી-પુરુષોની આંખો તો સરખી જ હોય છે તો પછી અંધાપાની અસર સ્ત્રીઓમાં વધારે કેમ? ઘરમાં આવતાં દૂધ/દહીં/શાક/ફળ કે રંધાતા અનાજ/કઠોળ સરખા જ હોય તો સ્ત્રીઓમાં કુપોષણ વધારે કેમ? મચ્છર તો સ્ત્રી-પુરુષનો ભેદ રાખીને ના કરડે તો પછી મેલેરિયાથી થતા મરણો સ્ત્રીઓમાં વધારે કેમ?


આ તો સ્ત્રીઓમાં પુરુષો કરતા વધારે જોવા મળતી બીમારીની વાત થઇ. હવે પુરુષો તરફ નજર ફેરવીએ. એકસરખા સામાજિક-આર્થિક સંજોગોમાં રહેતા લોકોમાં પણ પુરુષોમાં બીમારીઓ, વિકલાંગતા, ઈજાઓ અને મરણનું પ્રમાણ સ્ત્રીઓ કરતા વધારે જોવા મળે છે. એક સંશોધન મુજબ કેનેડા જેવા દેશમાં ડાયાબીટીસથી મરવાની સંભાવના સ્ત્રીઓ કરતા પુરુષોમાં ૪૦% વધારે જોવા મળી હતી. હ્રદયરોગની વાત કરીએ તો આ સંભાવના ૮૦% વધારે જોવા મળી હતી. એ જ રીતે, કેન્સરનું પ્રમાણ પણ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે.  વાહનોના અકસ્માત, આત્મહત્યા અને હૃદયરોગથી થતાં મરણોમાં પુરુષોનું પ્રમાણ સ્ત્રીઓ કરતા ખુબ વધારે હોય છે. પુરુષોમાં ડાયાબીટીસ, કેન્સર, હૃદયરોગ જેવા બિન-ચેપી રોગો સ્ત્રીઓ કરતા વધારે જોવા મળે. અહી જોવા જેવી બાબત એ પણ છે કે ઘણી બધી બીમારીનું પ્રમાણ કદાચ સ્ત્રીઓમાં પુરુષો કરતા વધારે હશે પણ બીમારીની અસરો પુરુષોમાં વધારે જોવા મળે છે. આ બધી જ વાતો સામાન્ય બીમારીઓની જ છે જેમાં સ્ત્રી કે પુરુષોના શારીરિક બાંધાની કે બંધારણની અસરો નહીવત જ હોય. તો પછી, આરોગ્યના આ રીતના અલગ પરિણામો કેમ હોતા હશે?


પ્રકૃતિ અને સંસ્કૃતિ – Nature and Culture – આ બંને આપણા શરીરને અને મનને અસર કરે. આરોગ્યને અસર કરે. આરોગ્યને સમજવા માટે પ્રકૃતિ અને સંસ્કૃતિ બંને પરિબળો સમજવા પડે. સ્ત્રી-પુરુષોના શારીરિક બાંધા કે બંધારણ કે જે કુદરતી હોય છે એ પ્રકૃતિ, જયારે તેમના જીવનશૈલી, ખોરાક, વિચારસરણી, બીમારીની રોકથામ અને સારવારની તકો વગેરે સંસ્કૃતિ આધારિત છે. અલગ અલગ સમાજમાં કે કુટુંબોમાં માણસોએ કેવી રીતે રહેવું જોઈએ, વર્તવું જોઈએ, શું કરવું અને ન કરવું જોઈએ તેની પ્રણાલીઓ અને રૂઢિઓ જે તે માણસોના આરોગ્યને લાંબે ગાળે અસર કરે જ. આ પરિબળોને આપણે સાંસ્કૃતિક પરિબળો કહીશું. આ પરિબળોને ઘણી વખત ‘સ્ત્રી-સહજ સ્વભાવ’ અને પુરુષ-સહજ સ્વભાવ’ના મહોરા હેઠળ ઢાંકી દેવામાં આવે. જો આરોગ્યને ઊંડાણથી સમજવું હોય તો સ્ત્રી-પુરુષોના નીજી વર્તન અને સ્વભાવથી ઉપર ઉઠીને સામાજિક અને સાંસ્કૃતિક સ્તરે જેન્ડર સમજવાની જરૂર છે. જેને આપણે પ્રકૃતિ-ગત સ્વભાવ માની લઈએ છીએ એ ઘણી વખતે સંસ્કૃતિ-ગત અપેક્ષાથી સમયાંતરે ઘડાયેલો સ્વભાવ હોય છે. પુરુષોમાં આ સંસ્કૃતિ-ગત સ્વભાવનો પ્રભાવ ખુબ વધારે હોય છે. એટલે જ તેઓ અજાણપણે પણ ‘પુરુષ’ હોવાનું સાબિત કરતા રહે એવું વર્તન સતત કરતા જ રહે છે. આમાં ગુસ્સો, વ્યસન, પોતાની અક્ષમતાનો અસ્વીકાર અને જોખમ ખેડવાની જીદ, દર્દને સહન કરવાની અને મદદ નહિ માંગવાની વૃતિ, મનની અને સંવેદનાઓની વાત નહિ કરવાની વૃતિ વગેરેનો સમાવેશ થાય. આ બધી જ પુરુષ-સહજ લાક્ષણીકતાઓ કુદરતી નથી. તેની પાછળ પ્રકૃતિ-ગત સ્વભાવ નહિ પણ સંસ્કૃતિ-ગત સામાજિક અપેક્ષાઓ જવાબદાર છે. આવા વર્તન ન કરનાર પુરુષને ઘર-કુટુંબ-સમાજ બાયલો કહે અને એટલે જ જાણે-અજાણ્યે મોટાભાગના પુરુષો ‘પુરુષ હોવાની’ સામાજિક અપેક્ષાએ પુરા ઉતરવા આવું વર્તન કરતા જ રહે છે. અને અંતે આ બધા જ વર્તન પુરુષોના મન અને હૃદય પર બિનજરૂરી બોજો નાખે છે અને તેમને ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, અને હૃદયરોગ જેવી બીમારીની નજીક લાવે છે. આરોગ્ય અને બીમારી પર  નાથી ના શકાય એવા - જૈનીનીક ખામીઓ જેવા - કુદરતી પરિમાણોની અસર હોય છે જ. પણ એનાથી કૈક ગણી વધારે અસર આવા સંસ્કૃતિક પરિમાણોની પડે જેને કાબુમાં રાખવું ને નાથવું આપણા પોતાના હાથમાં હોય છે.


એક વધારાની વાત. અહી વાત સ્ત્રી કે પુરુષોની નથી પણ સ્ત્રીત્વ અને પુરુષત્વની સામાજિક અને સંસ્કૃતિક સમજની છે. આ વાત સહજપણે માની લેવામાં આવતી સ્ત્રી-પુરુષોને લગતી સામાજિક અપેક્ષાઓ, કીરદારો, અને ઘર-બહારના વિવિધ કામનું વિભાજનની સમજની છે. આ વાત સ્ત્રી-સ્વાતંત્ર્યની કે સ્ત્રી-સશક્તિકરણની નથી. પણ, સ્ત્રી-પુરુષને લગતી આ પ્રણાલીઓ અને રૂઢિઓ બંનેના આરોગ્યને કઈ રીતે અસર કરે છે એ સમજવાની છે અને સમજ્યા પછી આ અસરો કેમ ઘટાડી શકાય તેના પગલા લેવાની છે.


એટલે કુદરતને વચ્ચે લાવ્યા વગર, સ્ત્રી-પુરુષોએ નીજીસ્તરે પોતાના વર્તનનો અભ્યાસ કરવો જ રહ્યો. બદલાતા સમય, સંજોગો, અને કુટુંબની આર્થિક/સામાજિક પરિસ્થિતિ સાથે જેન્ડર-સંલગ્ન નિયમોને ફરીથી પોતાની રીતે મુલવવા જોઈએ. આપણો મનમેળ જે નિયમ કે અપેક્ષા સાથે ના બેસતા હોય તેને ઓળખવા જોઈએ. જે આપણા મન-હૃદયને સુખ-શાંતિ ના આપતા હોય તે નિયમોને નીજી સ્તરે નકારવા જોઈએ, તેનો પ્રતિકાર કરવો જોઈએ અને ઘર-કુટુંબ-સમાજની ટક્કર ઝીલીને તેનો વિરોધ કરીને તેનાથી બચવું જોઈએ.


મોટાભાગની સ્ત્રીઓ તો બાળકોના ઉછેરમાં અને રોજીંદા ઘરકામમાં જરૂરી કસરત કરી જ લે છે, અને એકબીજા સાથે દિલની વાત કરીને, રડીને હળવી પણ થઇ જ જાય છે. હવે સમય આવી ગયો છે કે પુરુષો – ખાસ કરીને વ્યસન હોય એવા, કાર-બાઈકથી પાટલે અને પાટલેથી ખાટલે વાળું બેઠાડું જીવન જીવતાં, દેશ-દુનિયાની ચર્ચા કરતા પણ પોતાનાં મનની બારીમાં ય ના ઝાંખતા, અને પોતાને ઘર-સમાજના કર્તાહર્તા-સમાહર્તા માનતા પુરુષોએ - આ સમજ અને શક્તિ કેળવવાની તાકીદની જરૂર છે.


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health