Story : બસ એક દીકરી જ, એમ?










‘તમે જેને ગોતો છો કે પામવા
ઈચ્છો છો એ તમને પણ ગોતતું જ હોય છે’
-
Rumi






ગીરમાં જે કામ માટે
માનવ આવેલો એ કામની પદ્ધતિ અલગ છે. આ પદ્ધતિ – ઈથનોગ્રાફીમાં રિસર્ચર કોઈ એક
સમુદાયના લોકોના જીવનને જાણવા અને સમજવા માટે એ લોકોની વચ્ચે જઈને એમની જેમ જ જીવન
જીવવાની કોશિશ કરે. સાથે રહે, સાથે જમે, સાથે અનુભવે, વાતો કરે, અને અનુભવમાંથી
તારણો કાઢે.  સામાન્ય રીતે કરાતા રીસર્ચની
પદ્ધતિથી – કે જેમાં મોટી ગાડીમાં ધૂળ ઉડાડતા ગામડામાં જવાનું, બિસલેરીની બોટલ
બાજુમાં રાખીને ૧૫-૨૦ મિનીટ સવાલો કરવાના, અને આવા ૧૦૦-૨૦૦ ફોર્મ ભરીને પાછા
શહેરની ઓફીસમાં આવી જવાનું – આ રીસર્ચ અલગ પડે. આ પદ્ધતિમાં સાથે રહેતા રીસર્ચરને સમુદાયના
લોકો પણ એટલા જ હકથી સવાલ કરે જેટલા અધિકારથી રિસર્ચર એમને સવાલો કરે. 





ગીરના માલધારીઓના
જીવન અને આરોગ્યને સમજવાના કામ અંગે આવ્યાના બીજા જ દિવસે, ચાર પેઢી સાથે બેસીને
ખાય એવા કુટુંબની, વૃદ્ધ નહિ પણ પ્રોઢ કહી શકાય એવી, પોતે દાદી બની ગઈ હોય પણ પોતાની
સાસુ પણ ખમતીધર હોય એવી માલધારી સ્ત્રી પાનબાઈએ માનવના વિવિધ સવાલોની સામે એક સવાલ
કર્યો. 





‘સાયેબ, તમારે ઘરે
કોણ કોણ સે?’


‘મારી ઘરવાળી અને એક
દીકરી. બાપા તો ગયા સાત વરહ પેલા, મમ્મી છે અને બીજા ત્રણ ભાઈ બેન’


‘હા ! તે એક દીકરી જ છે?’





દીકરા-દીકરીના ભેદ
વિશેની વાતો માનવ માટે કઈ નવી ન હતી. નીજી જીવનમાં સુજાતા અને મિતાલી સાથે થતા
અનુભવોથી લઈને, સગાવ્હાલા પાડોશી સુધી, અને કોલેજના ક્લાસરૂમમાં ભણાવતી વખતે યુવાનો
સાથે થયેલાં ડિસ્કશનથી લઈને નાટકો અને ફિલ્મોને માણતા અને સમજતા મિત્રો સાથે થયેલી
ચર્ચાઓમાં – બધે જ દીકરા-દીકરીના ભેદ વિષે વાતો થયેલી જ. પણ, ગીર અલગ છે. ગીર
બોલાવે, ગીર સાચવે, ગીર સુઝાડે અને ગીર સમજાવે. એટલે, ગીરની માલધારી મહિલા એ જયારે
આ રીતે દીકરીની વાત કરી ત્યારે માનવને એમાં વધારે રસ પડ્યો. 





‘હા’, માનવે ઘણી વખત
પુછાયેલા આ સવાલ અને એના જવાબ આપતા અનુભવેલા અને માણેલા અભિમાન સાથે કહ્યું, ‘ એક
દીકરી જ. આઠ વરસની થઇ. ચોથું ધોરણ ભણે’.


માનવને ઘરે એક દીકરી
જ છે એવી વાત જાણી પચાસેક વરસની પાનબાઈએ સાવ સહજતાથી પોતાનો મત રજુ કર્યો, “હમમ,
તમે સાયેબ ગમે ઈ કો, પણ એક દીકરો તો હોવો જ જોઈએ.”





‘કેમ એવું? દીકરો
હોવો જ જોઈએ એવું કેમ?’, બુદ્ધિજીવી માનવે વનવાસી મહિલાને તાર્કિક સવાલ પૂછ્યો.


---***---





શહેરી, સુશિક્ષિત, અને પોસ્ટ-ગ્રેજુએટ સ્તરે
વસ્તી-વિજ્ઞાનના વિષયો ભણાવતો માનવ ‘એક દીકરો કેમ હોવો જ જોઈએ?’ એ સવાલના જવાબમાં
બોલાયેલા વીસ-ત્રીસ વરસના અનુભવના સરળ નીચોડને ચુપચાપ સાંભળતો રહ્યો. એને થયું કે
માલધારીઓ મોટો પરિવાર કેમ રાખે એ પૂરેપૂરું જાણવા માટે આ માનસિકતાને જ નહિ પણ કુદરતના
ખોળે જનમ લેતા, અને કુદરત સાથે જીવતા આ લોકોના અભિગમ, એમની સંવેદના અને જરૂરિયાતોને
સાંકળીને ઊંડાણથી સમજવી જ પડશે. પણ, એને ક્યાં ખબર હતી કે માલધારીના જીવનને સમજતા
સમજતા પોતાના જીવનમાં ઊંડાણમાં પણ એની નજર પડી જશે.


----***----





કડવું સત્ય કઠણ થઈને કહેવું પડશે,


છલકતાં દિલની વ્યથાને વહેવું પડશે,


ચુપ હતા નાસમજ, સંકોચથી કે બીકથી,


સમજ્યા પછી ક્યાં સુધી વંઢેરવું પડશે?





‘કેટલા બાળકો કરવા?’ એ નિર્ણય માલધારીઓ ક્યાં
આધારે
, કઈ વિચારધારા હેઠળ અને જાણે -અજાણે કેવી માન્યતા, જરૂરિયાતો, અનુભવો કે મુલ્યોને આધારે
લે છે
, એ સમજ કેળવતા માનવ ‘પોતે સુજાતા પછી બીજું બાળક કેમ ના
કર્યું
?  એના કારણો વિષે પણ
વિચારવા માંડ્યો.   


----***----


બ્રાહ્મણના કુળમાં
જનમ અને બે પેઢીથી વધારે સંતાનો વાળા મોટા પરિવારની પરંપરા. નાનપણથી જ ‘બ્રાહ્મણની
તો આંખમાં જ ઝેર હોય’ એવું ખુબ સાંભળેલું. સાથે સાથે પોતાના ઘર-કુટુંબના ભાઈઓ-બહેનોમાં
સંપનો અભાવ છે એવી વાતો પણ માનવે ત્રણ પેઢીના ઉદાહરણ સાથે સાંભળેલી, બે પેઢીથી
જોયેલી અને પોતાની પેઢીમાં અનુભવેલી. માનવના પપ્પા, અને માનવના જીવનમાં જેમનો ઘણો
પ્રભાવ રહેલો એવા કાકા એમની પેઢીના આઠ સંતાનોમાં નીચલે છેડે જ હતા. પોતાની પેઢીના
ચાર સંતાનોમાં માનવ સૌથી પૂંછડે. 





ઉમરથી ફક્ત અધિકાર જતાવવાની અને ફરજોને અવગણવાની પેઢીગત
પરંપરા માનવે પોતાના કુટુંબમાં પણ અનુભવેલી. નાનપણથી બીજી કોઈ સરખામણી નહિ એટલે
આવા વ્યવહારને જ પ્રેમ સમજેલો. એટલે, ભાઈ-બેનના સગપણને પણ સંબધીઓ જેવા ઉપરછલ્લા
સ્તરે જ અનુભવેલો. ત્રણ ભાઈ-બહેનો હોવા છતાય નાનપણના કુમળા મન-મગજ અને દિલ-સંવેદના
પર પડેલી ઓછપ અને એકલતાની અસર બહુ ઘેરી હતી. કુટુંબમાં થયેલા અન્યાયની કાકાની
વાતોએ આ ઘેરી છાપને વધુ ઘાટી બનાવેલી. આમ, નાનપણના અનુભવના આધારે યુવાન માનવ પણ લાગણીઓને
અનુભવવાને બદલે એનાથી ભાગતો થયેલો. અને, સંબધોને સ્વાર્થની શંકાએ જ તોળતો રહ્યો. 





માનવને મોટા થયા
એટલે ભણતર અને કામ અંગે ઘર, શહેર, અને રાજ્યને છોડીને બહાર જવાનું થયું એટલે બીજા
પરિવારો અને સમાજને નજીકથી જોવાનો મોકો મળ્યો. સમજાણું કે ઝઘડતા હોઈએ, મતભેદ હોય
તોય એકબીજા માટે પ્રેમ-સન્માન હોય શકે. લગ્ન પછી મિતાલીના કુટુંબને પારખ્યું તો
ભાર વગરની માફી આપીને સચવાતા સંબંધોના પુરાવા પણ મળ્યા. એટલે, લગ્ન પછીના થોડા
વર્ષોથી મિતાલી સાથેના સહજીવનના સહારે પોતાના કુટુંબીઓને મનમાં ને મનમાં માફ કરીને,
માનવ પહેલા સંબંધ સાચવતો થયો અને પછી માણતો પણ થઇ ગયો. 





પણ, સમય તો વહેતો રહેતો
હોય. જીવનના કેટલાક નિર્ણયો સમયના વહેણ સાથે વહી જાય, પરંતુ એની અસરો કિનારા પર
છોડી જાય. અને માણસ સમયના કિનારે બેઠો બેઠો આ અસરો સંકેલતો રહી જાય.


---***---


ગુજરાતી સમાજમાં
ઊંડે ઊંડે ઘર કરી ગયેલી પુરુષ પ્રધાનતાની માનવને ચીડ તો હતી. સુજાતા જન્મી ત્યારે ખુબ
નજીકના સગાઓએ પણ ‘આપણે તો દીકરો-દીકરી એક સમાન’ એવું અહીને ખુશી વ્યક્ત કરેલી. કોઈ
દીકરાના જન્મ વખતે નહિ અને ખાસ દીકરીના જન્મ વખતે જ સંભળાતા આવા દંભી વાક્યમાં ઉભરાતી
અસમાનતાએ માનવને ત્યારેય ગૂંગળાવી દીધેલો.  દીકરી સુજાતા નવ વર્ષની થઇ ત્યાં સુધીમાં ઘર-પરિવારમાં
પણ દીકરા-દીકરીના ભેદભાવના સ્વાનુભવ પણ કરેલા. થોડા જ  વર્ષોમાં ‘અમારા કુટુંબમાં દીકરા-દીકરીનો ભેદ નહિ’
એવા મેકઅપની પાછળ ‘સીધી લીટીના વારસદાર તો જોઈએ’ની ખરબચડી ચામડી માનવે ખુબ જોયેલી.
એટલે જ, વર્ષોના અભ્યાસ અને નીજી અનુભવને સાથે રાખીને માનવ જાહેર આરોગ્યને લગતા રીસર્ચ
અને શિક્ષણમાં આ રીતના વિષયોના ગહન અભ્યાસથી છોકરીઓના ઘટતા જતા પ્રમાણને એ
સ્ત્રીઓના સામાજિક મુલ્યો સાથે સરસ રીતે સાંકળી પણ શકતો. સુજાતાનો જન્મ અને બાળપણ
ખુબ સારી રીતે માણેલા એટલે પિતૃત્વની ઝંખના ઘણા અંશે સંતોષી ગયેલી. સુજાતાનો જન્મ
અને માનવનું કોલેજમાં પ્રોફેસર બનવાનું લગભગ સાથે સાથે જ થયેલું. એટલે ‘એ દીકરી જ
છે, અને દીકરાનો મોહ નથી’ એવું દ્રષ્ટાંત ઉભું કરવામાં પણ ગર્વ થતો રહેતો અને અજાણ્યો
અહં સંતોષાતો રહેતો. 





સુજાતાને બે-ત્રણ
વરસ થયા એટલે ઘરમાં બીજા બાળકની વાતો શરુ થઇ. “પહેલું બાળક માં-બાપ માટે હોય અને
બીજું પહેલા બાળકને માટે કરવું જ જોઈએ’ જેવી સલાહો સાથે ‘બેનને ભાઈ તો જોઈએ જ ને’
એવા સંસ્કારી તર્કોથી દીકરા માટેના સૂચનો શરુ થયા. વાર તહેવારે માનવને અને ખાસ
કરીને મિતાલીને ‘ધનવાન, આરોગ્યવાન, અને આયુષ્યમાન ભવ’ની સાથે સાથે ‘પુત્રવાન ભવ’ના
આશીર્વાદ પણ આવવા માંડ્યા. 





પણ, નાનપણમાં થયેલા
– ‘નાના હોય એ દુખી થાય’ એવા - અનુભવોને આધારે માનવના મનના કોઈક અગોચર ઊંડાણમાં ‘સંતાન
તો એક જ હોવું જોઈએ’ એવી સમજ બંધાયેલી. માનવની ‘મોટા ભાઈબહેનો અન્યાય કરે, એટલે
ઉમરમાં નાના જીવને જગતમાં નથી લાવવા’ એવી દ્રઢ માનસિકતા વાળી દલીલોની સામે
મિતાલીની ‘પપ્પાના અવસાન પછી હું અને નિધિ બંને હતા તો એકબીજા સાથે સચવાઈ ગયા,
એટલે બીજું બાળક હોય તો સારું’ એવું ચર્ચાતું ગયું. પણ, જતે દહાડે દુખના ડરની સામે
સુખની આશા થાકી ગઈ. વધતી ઉંમર સાથે સુજાતા પણ ભાઈ-બહેનની માંગ કરતી ગઈ, અને ફોસલાતી
પણ ગઈ. 





જયારે જાત-અનુભવે
માનવની સમજ કેળવાણી અને માનસિક રીતે તૈયાર થયો ત્યારે બીજા બાળક માટે મિતાલીને મોડું
થઇ ગયેલું. અને, સમયાંતરે, ત્રણ જણાનો પરિવાર સાથે રહીને જીવનને માણતા શીખી ગયેલો.


---***---


પહેલી વાર ઘરે મળ્યા
અને પછી એક-બે વાર આખો દિવસ ભેંસુ ચરાવ્યા પછી પાનબાઈના પતિ અમરાભાઈ, બે દીકરા
કરશન અને કાનો, દીકરાનો પાંચ વરસનો દીકરો કશ્યપ, એમ ઘરના બધાય હવે માનવ સાથે ખુલીને
વાત કરતા થયેલા. 





આજે કરશન અને માનવ
ભેંસ ચરાવવા ગયેલા અને આખો દિવસ ખુબ વરસાદ પડ્યો. સાંજે પાછા નેસડે આવ્યા ત્યારે
કાનો અને અમરાભાઈ પણ બાઈક પર કનકાઈ જઈને પાછા આવેલા. વરસાદ હજુય ચાલુ જ હતો. એટલે
ગરમાવો આપવા પાનબાઈએ ચૂલો સળગાવ્યો અને ભીના કપડા બદલીને બધા તાપ કરવા ચૂલાની ફરતે
બેઠા. ભેંસુ દોહવામાં હજુ થોડી વાર હતી, પણ ખોળ-કપાસની રાહમાં ભેંસુ રગતી ઉભી હતી.
સ્ટીલની રકાબીમાં ચા પીતાં-પીતાં અમરાભાઈએ કનકાઈ મંદિરની મુલાકાતના અનુભવો સાથે ફરી
કુટુંબની વાત છેડી. 





‘તે હે સાયબ, તમારે
કેટલા છોકરા?’


‘એક દીકરી, આઠ વરસની’


એક લાંબી ચુપકીદી પછી
અમરાભાઈ બોલ્યા, ‘એટલે હવે આગળ વચાર ખરો બીજાનો?’


સાવ સહજતાથી
પુછાયેલા બહુ અંગત સવાલનો માનવે થોડા સંકોચાતા જવાબ આપ્યો, ‘ના એક બસ છે’.


‘એટલે ઓપરેશન થઇ
ગ્યું કે હજુ કોઈ...’


‘ના, હવે કોઈ વિચાર
નથી.’





ચા પીને રકાબી ભેગા
કરતા પાનબાઈ પણ વાત માં  જોડાણા, અને બે
મહિના પહેલા કીધેલી વાત ફરી કીધી, “સાયેબ
, તમે શે’ર માં જે માનતા હો ઈ પણ અમી તો માનીએ કે એક
દીકરો તો હોવો જ જોઈએ”


“પણ કેમ, દીકરો તો જોઈએ જ, એવું કેમ?”, માનવે ફરી સામો સવાલ
કર્યો 





“દીકરી તો પારકા ઘરે
જતી રે. પછી એને કૈક ઓસુ આવ્યું
, સારું-નરવું થયું, મન મોળું થયું, તો ઈ ક્યાં જાય? પાસા આવીને હળવા થાવા, ને મન
ખાલી કરવા કો’ક ઘર તો જોઇ ને! માં-બાપ ક્યાં સુધી હોય
? ભોજાઇ ભલે ગમે એવી આવે, ઈની હારે દીકરીને ફાવે નો
ફાવે, તોય પોતાનું કઈને જઈ હકાય એવું એક ભાઈનું ઘર તો હોય ને! દીકરો નો હોય તો
પારકે ઘરે ગયેલી દીકરી ય નોધારી થઇ જાય. એટલે
, દીકરીના હારું થઈનેય એક દીકરો તો હોવો જોઈએ”





ગામડાના ઘરને છોડીને
વનવગડે રહેવા આવેલી સ્ત્રીનું ‘દીકરો કેમ હોવો જોઈએ?’ એનું સ્ત્રી-સહજ કારણ. લગ્ન પછી
સ્ત્રી પુરુષના ઘરે જાય – એવી
patrilocality વાળી સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે પેઢીઓથી વિસ્થાપિત થતી
સ્ત્રીની સંવેદના અને લાગણી સ્તરની સાવ માણસાઈ-ભરી જરૂરિયાત.


બૌધિક ખંજવાળથી દુર,
અને
feminism કે women
empowerment
ની હિમાયતથી ય અલગ. વસ્તી-વધારા
અને સામાજિક સુધારણાની પણ વાત નહિ અને કોઈ નરકમાંથી બચાવવાની ખોટી ધાર્મિક દલીલ પણ
નહિ. શહેરી વાતાવરણમાં ઉછરેલા અને ખુબ ભણેલા માનવ માટે આ એક સાવ નવી સમજ હતી. 





અમરભાઈએ પાનબાઈને
એમની વાત શાંતિથી પૂરી કરવા દીધી, અને પછી બોલ્યા, ‘હું સમજાવું સાયબ. જો એક દીકરી
જ હોય તો ઈ તો પારકા ઘરે જતી રે, પછી ઘડપણમાં આપણને કોણ સાચવે? છોકરો ગમે એવો થાય,
એની બૈરી ગમે એવી આવે, ઈમને આપડે ગમીએ કે નો ગમીએ તોય કોક હાચવનાર તો  ખરું ! દીકરીનો ઘરવાળો એના માં-બાપને હાચવે કે
આપણને?!!


‘હા, ઈ વાત ખરી કરી
તમે’, માનવે વાત આગળ ચલાવી. 





“હવે બીજી વાત કરું.
તમારે શે’ર માં તો ઠીક કે નોકરી હોય. 
અમારે તો આ માલઢોર. ઈ જ અમારો ધધો કે’વાય. દીકરી પરણીને બીજે ઘરે જતી રે.
પસી જો દીકરો નો હોય તો અમારા માલઢોર ને ધંધો રખડી પડે. જેને દીકરો ના હોય એના
માલઢોર ય બીજા નો લે, એમ વિચારે કે અમંગલ થાય.


‘અમંગળ? એટલે આમ શું
માને?’, માનવને વાત માં રસ પડ્યો. 





‘એમ માને કે દીકરા
વગરના ઘરના માલઢોર લાવીએ તો આપણે ન્યા'ય દીકરો નો થાય’


‘અચ્છા’


‘ને અમારે તો અહી
નાતનું’ય સાચવવાનું હોય. સારા પ્રસંગે નજીકના અને નાતના બેઈ સગાઓને લેતી-દેતી
કરીને સાચવવાના હોય અને ઈય સામે પક્ષે વે’વાર સાચવે. હવે, જેને ન્યા દીકરો નો હોય
ને સાયબ ત્યાં એક ટાઈમ પસે આ વે’વાર બંધ
થઇ જાય. નાતવાળાને એમ થાય કે જ્યાં ‘જ્યાં દીકરો નથી ત્યાં વે’વાર શું કરવાનો?’
એટલે, ભલે બે છોકરા પછી ઓપરેશન કરાવી લીયે પણ એક દીકરો તો જોઈએ’, આટલું કહીને
અમરાભાઈએ પોતાની વાત પૂરી કરી અને આખો પરિવાર ભેસોને દોહવામાં લાગી ગયો.


---***----


સભ્ય ગણાતા શહેરી
સમાજના લોકો પોતાની વાત ફક્ત કહેવા માટે નથી કહી શકતા. એમને સલાહ આપવી હોય, શિક્ષા
આપવી હોય, ઉદ્ધાર કરવો હોય, સામાવાળાને બદલવો હોય – પોતાના જેવો બનાવવો હોય.  પણ, પાનબાઈ અને અમરાભાઈ જેવા વનવાસીઓ તો ફક્ત હૈયાની
વાત કરી જાણે. સીધી, સરળ, અને સ્પષ્ટ. કોઈ ઉપદેશ નહિ. કોઈ સંદેશ નહિ. કોઈ
ધર્મગ્રંથ કે ધર્મગુરુના
reference પણ નહિ. ફક્ત અનુભવનો નીચોડ.  





બાળક કરવું કે નાં
કરવું, કેટલા બાળક કરવા, દીકરો કે દીકરી કરવા – આ બધા નિર્ણયો પાછળ મનના સુષુપ્ત
ઊંડાણમાં પડેલી સંવેદનાઓ, હાલની અને ભવિષ્યને લગતી અસુરક્ષાની ભાવનાઓ, આર્થિક અને
વ્યવસાયિક ગણતરીઓ અને બીજું કઈ કેટલું ભાગ ભજવતું હોય.





બાળકીઓનું ઘટતું
જતું પ્રમાણ અને એના જવાબ રૂપે દિલ્હી કે ગાંધીનગરમાં બેઠા બેઠા બનતા ‘બેટી બચાવો
– બેટી વધાવો’ અભિયાનો, એની અંતર્ગત રેલીઓ, પ્રવચનો, સુત્રો અને પ્રધાનમંત્રીના
દીકરીઓ સાથે સેલ્ફી પડાવવાના નવા આવાહન જેવા ઉપાયો માનવને યાદ આવી ગયા. માનવને
થયું કે દીકરીના મહત્વને વધારવાની તો કોઈ જરૂર જ નથી. પ્રોબ્લેમ તો દીકરાની
ઉપયોગીતાનો છે. જો વૃદ્ધાવસ્થા સચવાતી જશે, લગ્ન પછી પુરુષના ઘરે જવાની પ્રથા
બદલાશે, અને ‘પારકા ઘરની’ ગણાતી પત્નીઓને સન્માનની સાથે સાથે સામાજિક અને આર્થીક હકો
મળતા થશે તો દીકરાની જરૂરિયાત પણ ઓછી થઇ જશે, અને દીકરા-દીકરી નો ભેદ પણ આપોઆપ ઓછો
થઇ જશે.





ઢળતા સુરજના કિરણો
જંગલના ઝાડવાઓમાંથી ચળાઈને માનવના ચહેરા સાથે સંતાકુકડી રમતા હતા. ધીમી રફતારે ચાલતી
જીપ્સી સાથે પ્રોઢ માલધારી પતિ-પત્નીની વાતો માનવના મનમાં તાલ મેળવતી હતી. બહાર
ધીમે ધીમે અંધકાર છવાતો હતો અને માનવના મનમાં નવી સમજનો પ્રકાશ ફેલાતો હતો.


---***---



Comments

  1. માનવ ની સમજ નો પ્રકાશ સર્વત્ર પ્રસરે એ જ અભ્યર્થના.....
    આ સમજ ના પ્રકાશ ના કિરણો અમારી સમજ ને તો ચોકકસ ઉજાળી ગયા છે..
    ધન્યવાદ

    ReplyDelete
  2. Khub Saras story chhe and this is the fact reality of community!!

    ReplyDelete
  3. એટલે ‘એ દીકરી જ છે, અને દીકરાનો મોહ નથી’ એવું દ્રષ્ટાંત ઉભું કરવામાં પણ ગર્વ થતો રહેતો અને અજાણ્યો અહં સંતોષાતો રહેતો. - hmm evu pan hoy chhe.

    સભ્ય ગણાતા શહેરી સમાજના લોકો પોતાની વાત ફક્ત કહેવા માટે નથી કહી શકતા. એમને સલાહ આપવી હોય, શિક્ષા આપવી હોય, ઉદ્ધાર કરવો હોય, સામાવાળાને બદલવો હોય – પોતાના જેવો બનાવવો હોય. - right

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health