Depression (An article in Gujarati)











માનસિક પરેશાનીઓ માટે ‘એને આજકાલ
કઈ મજા નથી’ અને ‘એને ગાંડપણ ચડ્યું છે’ એ બે અભિવ્યક્તિ વચ્ચેની બીજી કોઈ
સંવેદનશીલ સમજ આપણા કુટુંબોમાં કે સમાજમાં છે જ નહિ. એટલે માનસિક બીમારીઓને
શારીરિક બીમારી જેવી સહજતાથી સ્વીકારવામાં આવતી નથી.






ઈન્ટરનેટના જમાનામાં માહિતી સાવ હાથવગી થઇ ગઈ
છે. ડીક્ષનરી પણ જાડી ચોપડીની જગ્યાએ મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં જ મળી જાય. હું મારી
અંગ્રેજી ભાષા સુધારવા માટે ડીક્ષનરીનો ઉપયોગ નિયમિત કરતો હોઉં છું અને સાથે સાથે ક્યારેક
સાવ સહજપણે બોલાતા અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ માટે
http://www.gujaratilexicon.com નામની વેબસાઈટનો ઉપયોગ કરતો હોઉં છું. આજે મન
થયું કે લાવ
, ડીપ્રેશનને ગુજરાતીમાં શું કહેવાય એ જાણું.
તપાસ કરતા એના અવનવા અર્થ મળ્યા. આરોગ્ય સિવાયના ‘
નીચે દબાવવું કે દબાવું તે, નીચાણવાળી
જગ્યા
, ખાડો, વેપારમાં મંદી, હવાના દબાણમાં
સ્થાનિક ઘટાડો
’ એવા અર્થની
સાથે સાથે સ્વાસ્થ્યને લગતા ‘
ઉત્સાહભંગ, ખિન્નતા, અને ‘માનસિક ઉદાસીનતા’ એવા અર્થ પણ મળ્યા.  જાહેર આરોગ્યમાં કામ કરતા કરતા અને વાર્તા-કવિતા
લખતા લખતા મને સામાન્ય માણસને સરળતાથી સમજાય એવી ભાષાના પ્રયોગનું મહત્વ સમજાયેલ છે.
એટલે, આ ત્રણ શબ્દો થોડા વિચિત્ર લાગ્યા. કારણ કે આવા શબ્દો રોજબરોજના ઉપયોગમાં બોલાતા
નથી. મને થયું કે આ ગંભીર બીમારી માટે આપણી ભાષામાં
જો કોઈ ઠોસ શબ્દ જ નાં હોય
તો સામાન્ય લોકોને એની સમજ જ કેવી રીતે હોય
! પ્રાથમિક સમજના અભાવે કદાચ
ઘણા ડીપ્રેસ્ડ લોકોને અને એમની સગા-સંબંધી કે મિત્રોને ખબર પણ નહિ હોય કે જે તે
માણસને ડીપ્રેશન છે.





ડીપ્રેશન. કોઈ ત્રીજા વ્યક્તિની
પરિસ્થિતિ માટે સાવ સહજતાથી ઉપયોગમાં લેવાતા – પણ પોતાને માટે કે પોતાનાને માટે અવગણવામાં
આવતા - આ શબ્દની ગંભીરતા સમજવા જેવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા
પ્રમાણે ડીપ્રેશન એ એક જાતનો માનસિક મંદવાડ છે. દુનિયામાં લગભગ ૩૫,૦૦,૦૦,૦૦૦ (હા
જી પાત્રીસ કરોડ) લોકો ડીપ્રેશનના શિકાર છે. જો પુરતી સારવાર કે સંભાળ ના મળે તો
ડીપ્રેશન આત્મહત્યા નોતરી શકે. દુનિયામાં દર વર્ષે લગભગ આઠ લાખ લોકો આત્મહત્યા કરે
છે; આમાની ૩૨% આત્મહત્યાઓ –એટલે કે દર ત્રીજી આત્મહત્યા – તો ભારતમાં થાય છે. ભારતમાં
૧૫-૨૯ વર્ષના નવયુવાનોના નોંધાતા મરણના કારણોમાં આત્મહત્યા એ સૌથી મોટું કારણ છે.  એચ. આઈ. વી. જેવી બીમારી ભારતમાં ક્યારેય એક
ટકાથી વધારે માણસોમાં ના હતી. જયારે એક અંદાજ પ્રમાણે, ૨૦૧૧ની સાલમાં ૧૫% ભારતીયોને
ડીપ્રેશનની બીમારી હતી. ૨૦૧૫ની સાલમાં આ પ્રમાણ વધીને ૨૦% થયું.  હવે વિચાર કરો કે જેનું પ્રમાણ ક્યારેય એક ટકાથી
વધુ ન હતું એવી HIV જેવી બીમારી વિષે આપણે કેટકેટલી વાતો સાંભળી, સમજી અને ચર્ચી
છે. તો, ડીપ્રેશનના પ્રમાણમાં તો પાંચ વર્ષમાં પાંચ ટકાનો વધારો થયો છે. દર પાંચમો
માણસ જે બીમારીનો શિકાર હોય એવી ગંભીર બીમારીની વાત તો કરવી જ રહી. 





માનસિક પરેશાનીઓ માટે ‘એને
આજકાલ કઈ મજા નથી’ અને ‘એને ગાંડપણ ચડ્યું છે’ એ બે અભિવ્યક્તિ વચ્ચેની કોઈ
સંવેદનશીલ સમજ આપણા કુટુંબોમાં કે સમાજમાં છે જ નહિ. એટલે માનસિક બીમારીઓને
શારીરિક બીમારી જેવી સહજતાથી સ્વીકારવામાં આવતી નથી. માનસિક પરેશાનીઓને આપણે
બીમારી નહિ પણ disability એટલે કે વિકલાંગતાના રૂપે જ જોઈએ છીએ. બીમારીને અટકાવી
શકાય અને બીમારીનો ઈલાજ પણ થઇ શકે. જયારે વિકલાંગતાને તો નિભાવવી જ પડે. એટલે
જયારે આપણે કોઈ અવસ્થાને બીમારીની જગ્યાએ વિકલાંગતા રૂપે જોઈએ ત્યારે નિસહાયતા નો
ભાવ ઉપજે અને એટલે રોકથામ અને પ્રાથમિક સારવાર પર પુરતું ધ્યાન અપાય નહિ. એટલે, ‘બીમારી’
અને ‘વિકલાંગતા’ આ બે પરિસ્થિતિઓ વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. માનસિક
આરોગ્યને લગતી ઘણી બધી અવસ્થાઓ બીમારી જ છે. એને રોકી શકાય, અને શરૂઆતના તબક્કામાં
એનો સચોટ ઈલાજ પણ થઇ શકે. એટલે, ડીપ્રેશનને નાથવા માટે સૌથી પહેલું પગથીયું એ એનો
સ્વીકાર છે. 





આમેય, તાવ આવે, માથું
દુખે, પેટમાં દુખે એટલી જ સહજતાથી સ્વીકારવું રહે કે ડીપ્રેશન પણ આવે. જેમ તાવ કે
દુખાવાનો ઈલાજ કરવાનો હોય એમ ડીપ્રેશનનો પણ ઈલાજ કરવાનો હોય. સૌથી મોટી સમાજ એ આ
બીમારીનો બીમારી તરીકેનો સ્વીકાર છે. ડીપ્રેશન એ ગાંડપણ નથી. એ કોઈના વ્યક્તિત્વનું
પાસું પણ નથી. ડીપ્રેશન એક બીમારી છે; એની રોકથામ કરવાની હોય અને જો રોકી ના શકાય
તો બીમાર થયા પછી એનો ઈલાજ કરવાનો હોય. શારીરિક બીમારી માટે આપણે બીમાર માણસની ક્ષમતાની
તંદુરસ્ત માણસની ક્ષમતા સાથે કોઈ સરખામણી કરતા નથી. ‘તને કેમ તાવ આવ્યો? મને તો નાં
આવ્યો
!’ એવી વાત જેમ નથી કરતા તેવી જ રીતે માનસિક બીમારીમાં પણ સરખામણી ના હોય. એટલે,
ડીપ્રેસ્ડ માણસની બીમારીને સમજવાની હોય; એને સરખામણી કે હિંમતની નહિ પણ સમજણ અને સારવારની
જરૂર હોય.





ઉદાસ રહેવું, કોઈ
વસ્તુમાં રસ ના પડવો, કારણ વગર મેં કૈક ખોટું કર્યું છે એવા અપરાધી હોવાની ભાવના
રહેવી, પોતે અપૂર્ણ કે બિનઉપયોગી છે એવી લાગણી હોવી, ખરાબ ઊંઘ, થાક લાગતો રહેવો અને
કોઈ વસ્તુમાં ધ્યાન ના લાગવું – આ બધા આ બીમારીના લક્ષણો છે. હવે જો આપણી ભાષામાં
આ બીમારી માટે કોઈ એક શબ્દ જ નાં હોય તો આ બીમારીના અલગ અલગ ચિન્હોને એકસાથે
જોઈ-સમજીને એને એક બીમારી સમજવી એ સામાન્ય માણસ માટે મુશ્કેલ બની જાય. એટલે આ
બીમારીના સંકેતોને આપણે જલ્દીથી પારખી શકીએ નહિ અને એના બચાવ માટે કોઈ જાતના આગોતરા
પગલા પણ ના લઇએ. કદાચ અલગ અલગ ચિન્હોને એક યા બીજી રીતે અલગ અલગ કારણો સાથે
સાંકળીને અવગણતા રહીએ. અને જતે દહાડે સારવાર લેવાની જરૂર પડે ત્યાં સુધીની નોબત
આવી જાય. એટલે, બીમારીને ઓળખવી ખુબ જરૂરી છે. 





ઉપર જણાવેલા ચીન્હોમાંથી
એકસાથે ચાર-પાંચ ચિન્હો સતત જણાય તો એ ‘ખરાબ મૂડ’ કરતા કૈક વધારે છે એ સમજવાનું
હોય. આવા ચિન્હો જેને હોય તે વ્યક્તિની સાથે વાત કરવાની હોય. વાત કરતા રહેવાની
હોય. એ માણસના વ્યક્તિત્વના અણગમતા પહેલુઓને કે વર્તનને અવગણીને પણ વ્યક્તિનો સ્વીકાર
કરવાનો હોય. પૂછવાનું અને સાંભળવાનું વધારે હોય, અને કહેવાનું અને સંભળાવવાનું
ઓછું હોય. અને છેવટે, આપણી તબીબી અક્ષમતાનો સ્વીકાર કરીને ઈલાજ માટે ડોક્ટર કે કાઉન્સેલરનો
સંપર્ક કરવાનો હોય. જેમ થોડા ઘણા ઘરગથ્થું નુસખાઓથી તાવ કે દુખાવા ના મટે તો
ડોક્ટર પાસે જઈએ છીએ એવી જ સહજતાથી ડીપ્રેશન વાળા માણસને પણ ઘરગથ્થું ઈલાજથી ફરક
ના પડે તો તબીબી સારવાર માટે ડોક્ટર પાસે લઇ જ જવો પડે. 





આટલી વાત તો આપણી આજુબાજુમાં
ડીપ્રેશનને ઓળખવાની અને એના પ્રત્યે સંવેદનશીલ બનવાની થઇ. પણ, “પહેલું સુખ તે જાતે
નર્યા” એ જૂની કહેવત આજે પણ એટલી જ લાગુ પડે. આપણે જાતે ડીપ્રેશનથી બચવું ખુબ જરૂરી
છે. બચવા માટેના પગલાઓ જેટલા સરળ છે એટલા જ કઠીન પણ છે. પણ શરૂઆત ત્રણ પગલાઓના એક કાર્યક્રમથી
થઇ શકે. આપણે આ ત્રણ પગલાઓને ‘સ્વ.ક.વા.’ કહીશું. પહેલો પગલું છે સ્વ.નું – એટલે પોતાને
સમય અને સહાનુભુતિ આપવાનું, બીજું ક.નું એટલે કસરત કરવાનું અને ત્રીજું વ.નું –
એટલે વાતો કરવાનું. ચાલો, આ ત્રણ મુદ્દાઓને સમજીએ.  


  


પહેલું પગલું છે સ્વ –
પોતાના માટે શક્ય હોય એટલો સમય કાઢવાનો અને પોતાને સહાનુભુતિ આપવાની.
આજની
ભાગદોડ વાળી જીંદગીમાં કૈક કીરદારોને ભજવતા હોઈએ એમાંથી પોતાના માટે સમય કાઢવાનો
અને સહાનુભુતિ જતાવવાની. મા, બહેન, ભાઈ, પતિ, પત્ની, દીકરા/દીકરી, દાદા-દાદી આવ
કોઈપણ કિરદાર વગરનો, લેબલ વગરનો, સગપણ કે જવાબદારી વગરનો, ફક્ત સ્વ માટેનો સમય.
આમાં એક જાગૃત નાગરિક તરીકે જતી-સમાજ-દેશ-દુનિયા બદલવાનો કિરદાર પણ આવી ગયો.
આમાંનું કશું જ નહિ. ફક્ત પોતાના માટે સમય કાઢવાનો. શક્ય હોય તો શોખ વિકસાવવાના
અને ગમતું કરવાનું, અને કઈ કરવાનું મન ના હોય તો કઈ નહિ કરવાનું – પણ પોતાના
માટેનો સમય કાઢવાનો અને પોતાની સાથે રહેવાનું.
બીજું પગલું છે ક – એટલે કે કસરત
કરવાની. સીડી ચડવા-ઉતારવાથી લઈને, ચાલવા, દોડવા, સાઈકલ ચલાવવાથી માંડીને gym જવા
સુધી – કઈ પણ કસરત કરવાની.  બગીચા, તળાવ,
જંગલ, નદીકિનારા, પર્વતો જેવી કુદરતી જગ્યાએ જવાનું. ચાલવાનું, ચડવાનું, ઉતરવાનું.
તરવાનું, પોતાની સાથે રહેવાનું, અને physically active રહેવાનું. એમાં જો ‘તમને
તમે રહેવા દે અને કોઈ કિરદારમાં ના ઢાળી દે’ એવા ગમતા માણસ સાથે હોય તો એ પહેલા
અને ત્રીજા બંને પગલાઓમાં મદદરૂપ થાય. એ તમને તમારી સાથે રહેવામાં મદદ કરે અને વાતો
કરવામાં મદદ કરે.
‘સ્વકવા’ કાર્યક્રમનું ત્રીજું અને છેલ્લું મહત્વનું પગલું
છે વા – એટલે વાતો કરવાની. દિલની અને મનની વાતો કરવાની. પોતાની વાતો કરવાની. Whatsapp
અને facebook વાળા internetના જમાનામાં આપણે માહિતીને લગતી વૈચારિક વાતો વધારે
કરીએ છીએ. પણ, મનને અને દિલને અસર કરતી ‘મારું કહીશ અને તારું સમજીશ’ વાળી લાગણીઓની
અને સંવેદનાઓની વાતો ઓછી કરીએ છીએ. ત્રીજું પગલું આવી વાતો વધારે કરવાનું છે. આપણી
આસપાસ જે થઇ રહ્યું છે એની વાતો તો આપણે સતત કરીએ જ છીએ. પણ, આપણી આસપાસ જે થઇ
રહ્યું છે એનાથી આપણી ભીતરમાં શું અસર થઇ રહી છે એની વાતો ઓછી કરીએ છીએ. એ ભીતરની
વાતો વધારે કરવાની. કોઈ વાત કરવા માંગે ત્યારે એની સાથે મન ખોલીને વાતો કરવાની અને
જો કોઈ ના મળે તો કાગળ-પેન લઈને મનની વાતો લખી નાખવાની. પછી ભલે એ કાગળને ફાડી
નાખીએ કે સળગાવી દઈએ. પણ, એકવાર આપણી ભીતરની વાતોને આપણી સિસ્ટમની બહાર તો કાઢી જ
નાખવાની.
 આ ‘સ્વ.ક.વા.’ કાર્યક્રમ થકી
ડીપ્રેશનથી ચોક્કસપણે બચી શકાય જ કે કેમ એ તો કરીએ તો જ ખબર પડે ને!!





ડીપ્રેશન આપણી આસપાસ છે.
આપણને બધાને થઇ શકે. આવી બીમારીઓને નાત-જાત, ધર્મ, સ્ત્રી-પુરુષ, કે ઉમર જેવા કોઈ
ભેદ નથી. ચાલો, એને સ્વીકારીએ. એનાથી બચવાની કોશિશ કરીએ. અને, જરૂર પડે ડીપ્રેસ્ડ લોકોને
મદદરૂપ થઈએ.


Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health