Story: વશ્વાસ હોય એને વશ્વ મળે
માનવે કાંસીયા નેસ રેલ્વે સ્ટેશનને લગતી વાતો અકૂપાર નવલકથા
વાંચેલી અને પછી અકૂપાર નાટકમાં પણ જોયેલી. ગીરના માલધારીના કામ અંગે જૂનાગઢથી બાવાગાડીમાં
આવતા આ નાનકડું સ્ટેશન જોયેલું અને આવ્યા પછી રોડે રોડે આવીને એક વાર છેવાડાના ઝોંકમા
રહેતા માથુરદાદાની મુલાકાત પણ લીધેલી. આજે માનવ પહેલી વાર આ સ્ટેશને ઉતર્યો. ગઈકાલે જન્માષ્ટમીના દિવસે સતત વરસતા વરસાદમા આખો
દિવસ માલધારી અને એની ભેંસો સાથે જંગલ ખૂંદયા પછી માનવના ગોઠણમાં દુખાવો હતો એટલે સવારની
ટ્રેનમાં બેસીને કાંસીયા જવું, ત્યાં બેસીને લખવું અને સાંજની ગાડીમાં પાછા આવવું
એમ વિચાર્યું હતું.
વિસાવદર તરફ જતી ગાડીને આવજો કહીને એકલા થઇ ગયેલા સ્ટેશને માનવ
થોડીવાર બેઠો રહ્યો અને પછી સ્ટેશન પરથી નેસમાં નજર નાખી તો એમ્બુલન્સ જેવું વાહન
દેખાયું. સ્ટેશનનો ઢોળાવ ઉતરીને શંકરના
મંદિર પાસેથી આગળ વધ્યો તો સમજાણું કે બાજુના મોટા ગામડેથી નેસમાં રહેતા
માલધારીઓને ઘર-આંગણે તબીબી સુવિધા પહોચાડવા માટેની મેડીકલ વાન હતી. જઈને ઓળખાણ આપી
અને વાત કરી. ડોક્ટર, ડ્રાઈવર, નર્સ અને ફાર્માસીસ્ટ, અને લેબોરેટરી ટેકનીશિયન એમ
પાંચ લોકોનો સ્ટાફ હતો. બધાએ સફેદ અપ્રોન વાળો ગણવેશ પહેરેલો અને મોટાભાગનો સ્ટાફ
ગાડીની અંદરથી જ operate કરતો હતો. અલગ અલગ
ઘરેથી બહેનો, બાળકો અને ઘરડાઓ આવતા જતા અને દવા લેતા જતા. કોઈ સ્ટાફ દર્દીને હાથ
લગાડીને તપાસતા હોય એમ જણાયું નહિ. દર્દી symptoms કહે, અને તરત દવા અપાય જાય
અને રજીસ્ટરમાં નામ લખાઈ જાય. જેવી ભીડ પૂરી થઇ એવી વાન ધીરે ધીરે પાછી રોડ તરફ ચાલવા
માંડી. ત્યાં છેક છેવાડાના ઘરમાંથી માથુરદાદા નીકળ્યા, હાથ ઉંચો કર્યો એટલે વાન
ઉભી રહી. માનવ પણ ઝડપથી ચાલીને નજીક પહોંચ્યો. દાદાએ કૈક કહ્યું, દર્દ અને ઈલાજની
આપલે થઇ, દવાની બે સ્ટ્રીપએ હાથ બદલ્યા અને બે-ઘડીમાં દર્દી એના રસ્તે અને
દવાખાનું એના રસ્તે. શાંત નેસડામાં ફરી સન્નાટો છવાઈ ગયો.
માનવે આ બધું જોયું અને નાનપણમાં સાંભળેલી રાજા-પ્રજાની વાર્તા
યાદ અને સરકારી મેડીકલ વાનની સાથે સરખામણી થઇ ગઈ. રાજા મહેલમાંથી આવે અને દરબાર
લાગે એ આ મેડીકલ વાન. ભોળી ગરીબ પ્રજા પોતાની રાવ નાખે એ માલધારીઓની પોતાની સમજમાં
કહેવાતા બીમારીના ચિન્હો. રાજા ન્યાય કરે એ ડોક્ટરનું નિદાન, અને ‘દેનારનો હાથ ઉપર
અને લેનારનો નીચે’ એમ ઉંચી વાનની બારીમાંથી અપાતા ટીકડી, કેપ્સુલ, ટ્યુબ, અને સિરપ
એ રાજા દ્વારા પ્રજાને અપાતું ઇનામ. માનવને થયું કે તબીબી વિજ્ઞાન અને એને લગતા
મેડીકલ અને પેરા-મેડીકલ સ્ટાફનું વર્તન આવું હુંફ વગરનું અને ‘સાહેબશાહી’ વાળું કેમ
હોતું હશે? સરકારી તંત્રમાં કામ કરતો સ્ટાફ આ રીતે મફતમાં અપાતી સારવારને
વનવાસીઓના હક સમજીને આપવાને બદલે દયાભાવથી કેમ મુલવતો હશે? આ રીતે મળતી સારવારમાં
આ કુદરતના ભરોસે જીવતા વનવાસીઓને કેવો વિશ્વાસ હોતો હશે?. અને, સારવારમાં નહિ તો આરોગ્ય
માટેનો વિશ્વાસ બીજે ક્યાંથી મળતો હશે?
---***----
રેલવેના બે સ્ટાફ હવે જમીને આરામ કરતા હતા એટલે માનવ અને કાંસિયા
સ્ટેશન બંને એકલા જ હતા. ગઈકાલે ભેંસોને ચરાવતા થયેલી વાતો યાદ કરીને ટપકાવતા
માનવને અહી નીરવ શાંતિમાં કોઈ ડીસ્ટર્બ કરવાવાળું ના હતું એટલે અડધા-પોણા કલાકમાં
ઘણું બધું લખી ગયું. લખાણ પૂરું થયું અને ટ્રેનને આવવાને વાર હતી એટલે માનવ પગ
છૂટો કરવા પાટે-પાટે ચાલવા માંડ્યો. પણ, જંગલના સૂનકારમાં એકલા બહુ આગળ જવાની હિંમત
ના ચાલી એટલે સિગ્નલ સુધી ચાલીને પાછો વળ્યો. પાછળ ફરતા જોયું તો સ્ટેશનની બીજી
બાજુએ પાટા પર લાલ રંગનો ફ્લેગ ફરકતો દેખાણો. બંને પાર્ટીઓ સામી સામી ચાલીને
સ્ટેશન પાસે જ મળી. એક પ્રૌઢ પુરુષ અને થોડી નાની વયની સ્ત્રી અને જુવાન છોકરો
હતા. છોકરાના હાથમાં લાલ રંગની ધજા હતી અને સ્ત્રીના હાથમાં એક થેલી હતી. ‘જય માતાજી’
કહીને માનવે સામેથી વાત શરુ કરી.
“નમસ્તે બાપા, આમ અટાણે
ક્યાંથી?”
“અમરાપુર કાઠીએથી.”
“તે આમ પાટે પાટે ? ક્યાં
લગણ જવાના? કેટલો પારો થાય?
“હોઉં. પાટે પાટે હાલી
નાખીએ. કેટલું તો બહુ જાણ નહિ. હશે ૨૦-૩૦ કિલોમીટર. સવારે સાડા ચારે નીકળ્યા છીએં.
હજુ એકાદ કલાકમાં પોગી જઈશું સતાધાર. તમે?"
માનવે પોતાનો પરિચય આપ્યો.
“જાતે કેવા?” એ તો પૂછવાનું અને કહેવાનું હોય જ. બ્રાહ્મણ જાણીને વડીલ ખુશ થઇ ગયા,
“અરે અરે, તમે તો ગોરદાદા, એમ કહીને માનવને ‘દાદા’ કહીને સંબોધવા માંડ્યા. માનવે પોતાની
બેગમાંથી બિસ્કીટ કાઢ્યા અને પરિવારને ઓફર કરતા કહ્યું કે એ તો ખાલી જન્મે બ્રાહ્મણ.
અમારે શહેરમાં નાત-જાતનું હજુ રહ્યું નથી. અમે તો ગોરપદુ ય નથી કરતા. તો કહે, ‘ઈ
જે હોય તે. દાદા એટલે દાદા. અમે તો તમારા જજમાન કહેવાઈએ. તમને તો અમારે ખવડાવવું
જોઈએ, તમારું નાં લેવાય’. વડીલ માણસે માનવે આપેલું બિસ્કીટ થોડા આગ્રહ પછી જ
લીધું.
“તે આમ જંગલમાં ચાલો તો
દીપડા જનાવર, સાપ વીંછી કોઈનો ભે નો રે?” “આટલું બધું હાલીએ તો થાક નો લાગે”
“કાઈ નો થાય. દાદા, અમને
મોમાઈ હાચવે”. થોડી વાર શાંત રહ્યા. આમ તેમ જોયું અને પછી ઉમેર્યું, “આમ તો થોડું
હાલીને થાકી જવાય. પુસો આ સોકરાને ખોટું કેતો હોવ તો. પણ એક વાર નક્કી થાય કે
હાલીને જવું સે એટલે આપો ગીગો સાચવી લે”. “સવારથી હાલું સું કઈ દરદ નથી” પછી હાથથી
સાથળ થપથપાવીને કહે, “હજુ એ આમ લાકડા જેવા સે પગ, જુવો.”
“વાહ”, માનવે કીધું.
“દાદા, વશ્વાસ હોય તો વશ્વ
મળે"
પ્રવાસમાં કોઈ વળાંક માંગે
છે, ઝીંદગી હવે બદલાવ માંગે છે
ભાગતા રહ્યા ઉધારી સમજથી,
અંતરનો સાદ ઠહેરાવ માંગે છે
વાત ક્ષમતાઓની ક્યાં કરે
છે, એ તો આંતરિક ઘેરાવ માંગે છે
નથી ભરાતું પીલે, સ્કુલર,
ઓશોથી, હવે મન ગઝ્લાવ માંગે છે
વડીલની વિશ્વાસ વાળી વાત
સાંભળીને માનવને પોતે વર્ષો પહેલા લખેલી કવિતાનો અંતરો યાદ આવી ગયો. મોટીવેશન અને
સેલ્ફ-હેલ્પની કઈ કેટલી ચોપડીઓ વાંચી નાખો. કઈ કેટલા ટોક-વર્કશોપ-સેમિનારોમાં જઈ આવો
તો ય મન માની લે અને દિલને સ્પર્શી જાય લઈને દોડવા માંડીએ એવો કોઈ સંદેશ નાં મળે.
પણ અહી જંગલમાં માનવને ‘વિશ્વાસ ઉપર વિશ્વાસ રાખવાની સમજણ’ કેટલા સરળ શબ્દોમાંથી
મળી ગઈ.
“કાં સતાધાર? કઈ હાલીને
જવાની માનતા છે?”, માનવે હસીને પૂછ્યું. તો વડીલે સાવ સહજતાથી જવાબ આપ્યો. “ના રે, આ તો ખાલી શરધાથી”. પછી સાથે આવેલી
સ્ત્રીને જોઇને ઉમેર્યું, ““આ મારી ઘરવાળી નાનપણથી મૂંગી-બેરી છે.” માનવે બાંકડે
બેઠીને લાલ સાડીના છેડેથી મોઢું લુછતી પ્રૌઢ સ્ત્રી જોઈ. સ્ટેશનના નળેથી પાણીનો ખોબો
ભરીને એણે હમણાં જ થાકેલું મોઢું ધોયું હતું. માનવ અને એ સ્ત્રીની આંખ મળી તો એણે
વડીલ સામે હાથ કર્યો અને પછી પોતાના ચહેરા પર હોઠ અને નાક વચ્ચેની જગ્યામાં તાવ
દઈને પછી એ જ જમણો હાથ જમણા ખભે થપથપાવ્યો. એ સ્ત્રીએ નિશબ્દ સંજ્ઞામાં પોતાની
ઓળખાણ આપી અને વડીલ એનો મરદ છે એવું માનવને સમજાયું.
“એને સાત વરસ પહેલા હરસ થયા હતાં’ બધાયે કીધું
કે દવા કરાવો”, વડીલે વાત આગળ ચલાવી, “મેં કીધું કે કાઈ કરવું નથી. મારો આપો ગીગો
સાચવશે.” “કાંઈ નો કરાવ્યું ને તો ય બે મહીને સારું થઇ ગયું.”
“તે સાત વરસે કૃપા થયેલી, એની
માનતા ઉતારવા અત્યારે જવાનું?” શહેરી અને શિક્ષિત માનવે તાર્કિક સવાલ પૂછ્યો.
“ઈ ટાણે તો બે દીવા જુવારી
લીધેલા. ઘેરે જ. ક્યાય જવાનું નહિ. મનથી જ વિસારેલું કે આપો ગીગો કરશે”, પછી હસીને
‘વિષય-નિષ્ણાત’ જેવા આત્મવિશ્વાસ સાથે કહે, ‘વસને નો બંધાવાય, દાદા. પૂરું નો થાય
તો આકરું પડે’
માનવને ફરી આશ્ચર્ય થયું.
એની શહેરી અને સુશિક્ષિત સંસ્કૃતિનો ભગવાન તો વ્યવહારુ જ હતો. દાદીમાં ઘરે કોઈને
વહેલું મોડું થઇ જાય તો ય બાજુના સાઈબાબાની મંદિરમાં જઈને પ્રસાદી ચડાવવાની માનતા રાખતા.
કોઈ દીકરીના લગ્નનું નક્કી નાં થતું હોય તો મામા-મામી પાછા “દીકરી જમાઈની સાથે ચુંદડી
ઓઢાડવા આવશું’ એવી અંબાજીની માનતા રાખે. સોમનાથનો નાથ, ડાકોરનો રણછોડ, શિરડીનો
સાઈ, અંબાજીની મા અને સૌથી ઉપર બંને સાઈડના કુળદેવી તો ખરા જ. બધાય ભગવાન ખાલી પ્રાર્થનાથી તો માને જ નહિ.
એમને કૈક ચડાવવું જ પડે. માનવ નાનપણથી આ ‘ભગવાનને પણ માણસની જેમ વ્યવ્હારું માની
લેતી’ આસ્થાને સવાલ કરતો રહેતો. આજે અરણ્યમાં એક અજાણ્યા આસ્તીકે માનવને ગળે ઉતરે એવી
આસ્થાની નવી સમજણ આપી.
“દાદા, આપો ગીગો બોલાવે
ત્યારે જ જવાનું થાય. આજે મન થયું તે નીકળ્યા છીએ. પગે લાગશું ને બે નારીયેલ જુવેરશું
એટલે બસ. બીજું તો મજુર માણહ પાંહે શું હોય?, વડીલ બોલ્યા.
“કા મજુર, બાપા? માલઢોર નથ?
“ના દાદા, અમારે માલઢોર નાં
હોય. અમે તો દાંતરડા વાળા મજૂર”
“ તો તમે જાતે કેવા બાપા?
“અમે જાતે વણકર”
મનમાં કૈક સવાલો સાથે માનવ શાંતિથી વડીલ સામે જોઈ રહ્યો એટલે
વડીલે માનવની આંખમાં આંખ નાખીને દ્રઢતાથી કીધું, ‘દલિત!!”
માનવના મનમાં ઉના તાલુકામાં થયેલા દલિત અત્યાચારો અને એની
પછી થયેલી દલિત અસ્મિતા યાત્રાની સાથે સાથે પટેલોનું અનામત-લક્ષી આંદોલનના
સંદર્ભમાં નવી પેઢી સાથે દલિતોના અનામતની અગત્યતા વિષે થયેલી વાતો પળવારમાં ઉમટી
ગઈ.
“હાલો, દાદા. અમે હાલીયે” કહીને ત્રણે જણા આગળ જવા ઉભા થયા.
‘હા હા નીકળો. કાલે
તો આખો દિવસ વરસાદ વરસાદ હતો. કદાચ તમારા આપાગીગા એ જ આજે બંધ રાખ્યો હશે. સતાધાર
પોગી જાવ નયા લગણ બંધ રે તો સારું.” માનવે કીધું.
“બંધ રે તો હારું, દાદા. બાકી, ખેડુંનેય જરૂર તો છે જ ને!!, એમ કહીને છત્રી દેખાડીને આપા ગીગાના ભક્તો પાટે પાટે સતાધાર જવા હાલતા થયા.
--***---
“સતત કુદરતમાં રહેતા અને કુદરતના ભરોસે રહેતા વનવાસી લોકોના
આરોગ્યની વાત બીમારીએ શરુ થઈને સારવારે પૂરી ના થઇ શકે. સારવાર સમજવા માટે કદાચ
બીમારી પુરતી જ સમજ હોય તો ચાલે અને તબીબી જ્ઞાનથી ઈલાજ થઇ શકે. પણ, આરોગ્ય તો
જીવનનો ભાગ છે. આરોગ્યને સમજવા માટે જીવનને સમજવું જરૂરી છે. લોકોના જીવનને એના
ખાટલે બેસીને એના ચૂલે બનેલી ચા પીતાપીતા સાંભળવું જરૂરી છે. એની સાથે એ જ્યાં રોજ ખાતો હોય ત્યાં જઈને એનો રોટલો
વહેંચીને ખાવો જરૂરી છે, પછી એ ઘર અને ઝોન્કની વચ્ચેનું ફળિયું હોય, ખેતરનો પટ હોય, કે વનવગડે ડુંગરની
ધાર હોય. મેડીકલવાનમાં બેસીને દવા આપી શકાય અને એ દવાઓથી કદાચ ઈલાજ થાય પણ ખરો. પણ
આરોગ્યની જાળવણી માટે તો લોકોનું જીવન, મુલ્યો, આસ્થા, રહેણીકરણી, વાતાવરણ, ધંધો અને
આવકના અન્ય સાધનો વગેરે કઈ કેટલું સમજવું પડે. ડોકટરો દ્વારા ચાલતા આરોગ્યખાતાએ આ
સમજ કેળવવી પડશે. ફક્ત દવાખાના અને સારવાર કેન્દ્રિત સંભાળથી ઈલાજ થશે પણ આરોગ્યનું
રખોપું નહિ થાય. હા, અઘરું છે. ખુબ ખર્ચો થાય. નીતનવા સંસાધનોની જરૂર પડે. પોલીસી
અને પ્રોગ્રામમાં ધરમૂળથી ફેરફાર લાવવા પડે. પણ, જો વનને સથવારે અને સંતની આસ્થાએ રહેતો
દલિત વડીલ ‘વિશ્વાસ હોય તો વિશ્વ મળે’ એવું આશ્વાસન અને હામ બાંધતો હોય તો શક્ય તો
હશે જ!!"
માનવે બીજા દિવસે સવારે પોતાની ફિલ્ડ-નોટમાં ઉપરનું લખાણ
પૂરું કર્યું ત્યાં ફોન રણક્યો. સામા છેડે અમરાપુરના વડીલ હતા. “દાદા, તમે તો
સાક્ષાત આપા ગીગા થઈને આવ્યા’તા હો. ‘તમે
કીધું’તું ને એમ જાંબુડી પહોચ્યા પછી જ છાંટા પડ્યા અને સતાધાર પોગ્યા પછી જ વરસાદ
આવ્યો હો” આ છેડે સંભાળતા માનવને ગળે ડૂમો બાઝી ગયો. “ હવે દાદા, અમારા જેવા ગરીબ
સામું જોતા રે’જો તો કૈક સારું થાય અમારું ય”, વડીલ આગળ બોલ્યા. માનવના મનમાં ‘capacity building’, ‘health system strengthening’,
‘reaching the unreached’, ‘public health’ ‘management’ જેવા કેટલાય jargons
અને ‘system’ ‘Primary health care’
‘MHU’, ‘CDHO’ ‘MoHFW’ જેવા બીજા સંસ્થાકીય શબ્દો પસાર
થઇ ગયા. પણ, રૂંધાતા અવાજે માનવ એટલું જ બોલી
શક્યો, “થાશે બાપા, સંધાયના સારા થાશે. તમે કીધું’તુને એમ વિશ્વાસ રાખીએ તો કદાચ
વિશ્વ મળશે.”
spiritual....
ReplyDeleteNarendra Mojidra