Story : આવકારો














બીજી જ મીનીટે બીજો મેસેજ,
‘ એકવાર ના પાડી એટલે વાત પૂરી થઇ ગઈ. હવે stop that matter.’






કાઠીયાવાડની મહેમાનગતી વખણાય. ભાવનગરના માનવને આનો જન્મજાત
અનુભવ ખરો પણ શહેરમાં ઉછેર હોવાથી આ હેત-પ્રથામાં ઓછપ અને તારોવારો પણ આવી ગયો
હતો. કામ માટે અને ક્યારેક ફરવા માટે જયારે જયારે ગામડે જતાં ત્યારે મહેમાન
માટેનું યજમાનનું હેત અનુભવાતું. ભાવનગર પાસેના લાખણકા ગામના ભુપતભાઈની મહેમાનગતિ
તો હર હંમેશ યાદ આવે. કેરીની સિઝનમાં પણ માંડવી શેકીને શરુ કરેલી આગતા-સ્વાગતા થાળીઓ
ભરેલી કેરીઓ, પછી રોટલા-ભરેલા રીંગણાનું શાક-અને છાશનું જમણ પતાવીને, ચા પીવડાવીને
છેક સાંજે એક પોટલામાં ઘરે લઇ જાવાની કેરી અને બીજામાં તાજા શાક-બકાલું સાથે
સમેટાતી. જયારે પત્ની મિતાલી અને દીકરી સુજાતા સાથે અકુપાર નાટક જોવા ગીર આવેલો
ત્યારે સાસણથી સતાધારના રસ્તે રખડવા નીકળેલો. થોડે દુર રેલવેના ક્રોસિંગ પાસે એક
નેસ દેખાણો. કુતુહલ-વશ માં-દીકરી અંદર ગયા તો ‘આવો આવો, સા પીશો કે સાય્સ?’નો મીઠો
આવકારો તો માનવ માટે આતિથ્ય-સત્કારનો લેન્ડમાર્ક બની ગયેલો. 





આજે ચાર પાંચ વરસ પછી જયારે ગીરમાં માલધારીઓના જીવન પર
રીસર્ચ કરવા આવ્યો ત્યારે મનમાં બહુ ચિંતા નહોતી. લોકલ માણસો બહારથી આવેલા
મહેમાનને સાચવી જ લેશે એવો વિશ્વાસ જંગલખાતાની પરમીશનને લઈને જે વાર લાગી ને ધક્કા
ખવાણા એમાં થોડો ડગેલો. પણ, પરમીશન મળતાની સાથે જ જંગલની બાજુના ગામડામાં રહેવા
જમવાની વ્યવસ્થા થઇ ગઈ અને રોજ એક-બે નેસની મુલાકાતો પણ શરુ થઇ ગઈ. “શું લેશો?” કે
“ ચા પીશો?” એવું તો કોઈ પૂછે જ નહિ. બહાર ટાપરી પર, અંદર ઝોંકમાં, ફળિયામાં, કે
ઘરમાં - ગમે ત્યાં ખાટલો ઢાળીને કે ખુરસી પર બેસાડ્યા હોય, કીટલી ભરીને ચા અને સ્ટીલની
રકાબીમાં ‘બસ બસ’ ના કહો ત્યાં સુધી પીરસાતી મહેમાનગતિ તો હોય જ. બધાય નેસડે વાતો પૂરી
કરીને નીકળે ત્યારે ‘હાલો ત્યારે, જય માતાજી, ફરી પાસા આવજો’ એવું કહીને માલધારી માનવને
ઝોંકના દરવાજા સુધી વળાવવા પણ આવે. આવી રીતે અમદાવાદથી આવેલ સાવ અજાણ્યા માનવને આ હેતાળ
હૃદયના વનવાસીઓએ જોતજોતામાં વધાવી લીધો. 





--**--


ગીરના પહેલા અઠવાડિયાના રોકાણમાં બે અગત્યની વાતો સમજાણી.
એક, માલધારી પુરુષો આખો દિવસ ભેંસોને ચરાવવા જંગલમાં ગયા હોય, અને એમના જીવનને સમજવા
માટે એમની સાથે ‘ભેહું’માં જ જવું પડે. બીજું, માલધારી સ્ત્રીઓ અજાણ્યા પુરુષ સાથે
વાત પણ ના કરે અને માલધારી પુરુષોને તો સ્ત્રીઓના અને બાળકોના આરોગ્યની ખાસ સમજણ પણ
ના હોય. એટલે સ્ત્રીઓના અને બાળકોના પ્રોબ્લેમ્સ સમજવા માટે એક પુરુષ તરીકે
માનવને  કાં તો ખુબ ઘરોબો કેળવવો પડે અથવા  દસ-પંદર દિવસે એકવાર નેસડે નેસડે જતી મેડીકલ વાન
સાથે ફરીને ડોક્ટરની સમજે સમજવું પડે. આ નવી સમજના આધારે માનવે ભેહુંમાં જવાનું
અને અઠવાડિયે એકાદ વાર મેડીકલ વાન સાથે જવાનું વિચાર્યું.





ભેહુંમાં જવું છે એવી વિનંતી કરી તો માલધારી ભાઈઓ તો રાજીથી
તૈયાર થઇ ગયા પણ વાનવાળા ડોક્ટરને મળવા વિનંતી કરવી પડી. એકાદ ઓળખાણ કાઢીને સરકારી
દવાખાનામાં મળવા ગયા તો સાથે આવવાની હા તો પાડી પણ સાવ ઠંડો
indifferent attitude જોવા મળ્યો. સાથે ગયા ત્યારે ડોક્ટર અને ડ્રાઈવર બેમાંથી
કોઈએ નામ સુદ્ધાં ના પૂછ્યું પણ  આડા-અવળા
સવાલો પૂછીને માનવના આવવાનો હેતુ સમજવામાં પડ્યા હોય એમ લાગ્યું. જંગલમાંથી બપોરે
પાછા આવતા માનવે પૂછ્યું કે ‘જમીને કેટલા વાગે મળું?’ તો જવાબ મળ્યો, ‘ બપોર પછી
નક્કી નહિ. તમે રહેવા દો. તમને બજારમાં ઉતારી દઈએ?’ ‘સારું’ કહીને માનવે ઉમેર્યું,
‘કાલે?’ તો સામે સાવ ઠંડો તાર્કિક જવાબ, ‘કાલે મમતા દિવસ હશે. સ્ટાફ અને સામાન વધારે
હશે એટલે વધારાના માણસ માટે જગ્યા નહિ હોય’. માનવે સમજીને પતાવ્યું, ‘ કશો વાંધો
નહિ. ફરી ક્યારેક’ કહીને આભાર માનીને બજારમાં ઉતારી ગયો. 





---***---


 ત્રણ-ચાર દિવસના અમદાવાદના કામ પતાવીને પાછો આવ્યો એટલે માનવે
પહેલું કામ બાજુના મોટા ગામેથી ભેહુંમાં જવાના માટે ગમ-બુટ ખરીદવાનું કર્યું..
બાઈક પર પાછા આવતા રેલવેના બંધ ક્રોસીગ પાસે જ બાજુના નેસના લખુભાઈ મળી ગયા,  ‘આમ કઇ બાજુ, સાયેબ?’. માનવે બીજી જ વાર મળતા
લખુભાઈ ને કીધું, ‘આ જો ભેહુંમાં જવાની તૈયારી’. જવાબ મળ્યો, ‘લે વાહ વાહ, તો આવી
જાવ કાલે અમારી હારે’. મનાવે પૂછ્યું, ‘‘પાકું?’ તો કહે, ‘લે, તે પાક્કું જ ને સાયેબ!
જો ખાવાપીવાની ચંત્યા નો કરતા, અમારી ભેળું તમારુય લઇ લેહું. બસ, સવારે હાત વાગ્યા
પેલા પોગી જજો નેહડે’. એટલે માણસને નિરાત થઇ, ‘‘સારું ત્યારે મળીયે કાલે
. કહીને છુટા પડ્યા. 





બીજા દિવસે જંગલમાં ૧૦-૧૨ કીલોમીટર જેટલું ચાલવામાં અને પછી
નેસડે ય  સતત મહેમાનગતિના પરચા મળતા રહ્યા.
જંગલમાં ચાલુ વરસાદે બે વાર ચા પીવડાવી અને સાથે બેસીને જમાડ્યો. પોતે ભીના પથરા
પર સાગના પાંદડા પાથરીને સુતેલા માલધારીએ એકમાત્ર પ્લાસ્ટીકની તાડપત્રી પર માનવને
સુવાડ્યો. ડુંગરની ધાર પર ૪૦-૪૫ ભેંસોના ચાલવાથી ગારો થયેલો. આવી ચીકાશવાળી કેડીઓ
પર માલધારીએ માનવને હાથ પકડીને ચડાવ્યો અને ઉતાર્યો. સવારે સાથે લાવેલી પાણીની
બોટલમાં કચરો હતો એટલે ઝરણું ગોતીને તાજું પાણી ભરીને પીવડાવ્યું. ‘આઈ કેડે ઓરા
આવી જાઓ’ એવું વારે વારે કહીને અજાણ્યા જંગલમાં સતત ઘેરીને સાચવ્યો. અને સાંજે
પાછા આવતા આગ્રહ કરીને પાછો નેસડે લઇ ગયા. ગરમ ચા પીવડાવી અને પછી ભેસ દોઈને તાજું
હુંફાળું દૂધ પીવડાવ્યું. ‘હવે બેહો શાંતિથી. આ ઘડીએ અડધા કલાકમાં આઇમાં આવશે એટલે
મળીને જજો.’ મહેમાનગતિ હજુ પૂરી નહોતી થઇ.


---**---


 માનવ બેઠા બેઠા આવતીકાલના પ્લાનિંગમાં લાગ્યો. યાદ આવ્યું
કે ગુરુવારે મમતા દિવસ હશે, લાવ ડોક્ટરને પૂછી જોઉ એમ વિચારીને પોતાના ફોનમાંથી
ડોકટરના નંબર પર મેસેજ કર્યો, ‘નમસ્તે. કાલે નેસડામાં તમારું સેશન હશે. હું તમારી વાનમાં
કે અલગથી મારી રીતે વાહન લઈને સાથે આવી શકું?’ અને યાદ દેવડાવ્યું કે હું ગયા
બુધવારે વાનમાં સાથે હતો. બે મીનીટમાં તરત સામેથી જવાબ આવ્યો. ‘સોરી. એક દિવસ માટે
ઓકે હતું. રોજ માટે ના હોય. એટલે હવે આ મેટર માટે મેસેજ કે કોલ ના કરશો’. માનવને જવાબની
ભાષા અને અભિગમ ના ગમ્યો. એટલે સ્પષ્ટતા કરવા જવાબ મોકલ્યો. ‘મારું પણ આરોગ્યને
લાગતું જ કામ છે. હશે. તમને યોગ્ય લાગે એમ ખરું. મને જે માહિતી જોઇશે એ બીજી રીતે
મેળવતો રહીશ. આભાર.’ આવો મેસેજ મોકલીને માનવ વિચારમાં પડ્યો કે આવો તડ ને ફડ જવાબ
તો અહિયાં ગીરમાં કોઈએ નથી આપ્યો. અજાણ્યા માલધારી હોય, નાના ગામની બજારના દુકાનદારો
હોય કે ગામની પાદરે પુતળા પાસે બેસતા છોકરાઓ હોય. અરે, દુર કાસિયા નેસના રેલ્વે સ્ટેશન
પરના બે જણના સ્ટાફને ય સ્ટેશને બેસવાની પરવાનગી માંગેલી તો ‘આવો પેલા હારે જમી
લો, પછી બેહો નિરાતે’ એમ જવાબ મળેલો. તો પછી અહી આવું કેમ? માનવને થયું ‘રોજ રોજ
સાથે આવવાની’ ગેરસમજ થઇ લાગે છે. એટલે, સ્પષ્ટતા કરવા ‘રોજની રીક્વેસ્ટ નથી. મારે
ફક્ત મમતા દિવસ પુરતું જ
observe કરવું હતું.’ એવો મેસેજ કર્યો અને ‘હવે કૈક positive જવાબ
આવશે’ એવી આશાએ ફોન હાથમાં રાખીને બેઠો જ હતો કે બે મેસેજ ઉપરાઉપરી આવ્યા. પહેલો, ‘મારે
મારું કામ જોવાનું હોય. Disturbance ના જોઈએ. એટલે હવે આ મેટર માટે sorry’. અને
બીજી જ મીનીટે બીજો મેસેજ, ‘ એકવાર ના પાડી એટલે વાત પૂરી થઇ ગઈ. હવે stop that
matter.’ 





સાથે કે પોતાના ખર્ચે વાહન લઈને સાથે આવીને કામ જોઇને બેન-દીકરીયુંના
જીવન અને આરોગ્યને સમજવાની વિંનતીનો આ રીતનો અસ્વીકાર તો ના જ ગમ્યો પણ જે ભાષામાં
જવાબ મળ્યો એનાથી માનવને બહુ દુઃખ થયું.


--***---


 ‘એ આવો આવો માનવભાઈ, કેમ રયું ભેહુંમાં?’ આઇમાંના અવાજે માનવ
સરકારી રાજાની દુનિયામાંથી રંક પ્રજાની દુનિયામાં પાછો આવ્યો. ગીરમાં આવ્યા પછી
પહેલીવાર કોઈએ માનવને નામથી બોલાવ્યો હતો. ‘આ વડીલ બેન તો હમણાં બહાર થી આવ્યા અને
નામ લઈને આવકારો!!’ માનવને આશ્ચર્ય થયું, ‘બા, આપડે તો પેલા ક્યારેય મળ્યા નથી તો
તમને મારું નામ કેમ ખબર?’ જવાબ મળ્યો, ‘લે, અમારા મે’માનને ઓળખીએ નહિ! અમારા ઘરે
આવેલાના નામ તો જાણીએ જ ને! રોકાજો હવે. વાળું કરીને જ જાજો. આ ઘડીએ રોટલા! બની
જાહે’.





ભીની આખે માનવ આઇમાંને હા પાડી અને ફોનની સ્ક્રીન પરના પાંચ
મેસેજની આપલેને જોતો રહ્યો. ‘ક્યાં આ અભણ ગરીબ વનવાસીનો આવકાર અને ક્યાં સરકારી
ડોકટરનો અભિગમ!’  માનવના ૧૨-૧૩ વરસના રીસર્ચ
કેરિયરમાં ગામડાના પેટાકેન્દ્ર અને આંગણવાડીથી લઈને જીલ્લા, રાજ્ય અને નેપાળ-ભૂટાન
જેવા દેશોના આરોગ્યખાતાના વડા સુધીના વિવિધ સ્તરના લોકો સાથે મળવાનું થયેલું, વાતો
થયેલી અને સંબંધ પણ કેળવાયેલો. પણ ક્યારેય આવો rude, abrupt અને જલદ જવાબ ક્યારેય કોઈ
માણસે ન’તો આપ્યો. માનવ ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો રહ્યો.





---***---


‘લ્યો હાલો’ માનવની વિચારધારા તૂટી. સરકારી તંત્રના ક્ષુબ્ધ
અભિગમ સામે ઘરડી માલધારીનો હુંફાળો આવકાર અને ડોકટરના મેસેજની જલદ ભાષા પર ટાઢક આપવા
ઘરની ભેસોના દૂધમાંથી બનાવેલ ઘી લગાડેલો રોટલો એની રાહ જોતો હતો. 





પ્રેમથી પીરસાતી મહેમાનગતિ માણતા માનવને થયું કે કદાચ એ ડોક્ટરના
ઘરે જઈએ તો એનો આવકારો ય મીઠો જ હશે ને! ખબર નહિ ઘરોમાં અપાતો આવો મીઠો આવકાર સરકારી
તંત્રમાં આવતા કેમ અને ક્યારે  ભાવહીન થઇ
જતો હશે! 





માનવે જમતા જમતા ફોન કાઢ્યો અને ડોક્ટરને જવાબ લખ્યો. ‘ જી.
આભાર!!!'








Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health