Story : આવકારો
બીજી જ મીનીટે બીજો મેસેજ, ‘ એકવાર ના પાડી એટલે વાત પૂરી થઇ ગઈ. હવે stop that matter.’ કાઠીયાવાડની મહેમાનગતી વખણાય. ભાવનગરના માનવને આનો જન્મજાત અનુભવ ખરો પણ શહેરમાં ઉછેર હોવાથી આ હેત-પ્રથામાં ઓછપ અને તારોવારો પણ આવી ગયો હતો. કામ માટે અને ક્યારેક ફરવા માટે જયારે જયારે ગામડે જતાં ત્યારે મહેમાન માટેનું યજમાનનું હેત અનુભવાતું. ભાવનગર પાસેના લાખણકા ગામના ભુપતભાઈની મહેમાનગતિ તો હર હંમેશ યાદ આવે. કેરીની સિઝનમાં પણ માંડવી શેકીને શરુ કરેલી આગતા-સ્વાગતા થાળીઓ ભરેલી કેરીઓ, પછી રોટલા-ભરેલા રીંગણાનું શાક-અને છાશનું જમણ પતાવીને, ચા પીવડાવીને છેક સાંજે એક પોટલામાં ઘરે લઇ જાવાની કેરી અને બીજામાં તાજા શાક-બકાલું સાથે સમેટાતી. જયારે પત્ની મિતાલી અને દીકરી સુજાતા સાથે અકુપાર નાટક જોવા ગીર આવેલો ત્યારે સાસણથી સતાધારના રસ્તે રખડવા નીકળેલો. થોડે દુર રેલવેના ક્રોસિંગ પાસે એક નેસ દેખાણો. કુતુહલ-વશ માં-દીકરી અંદર ગયા તો ‘આવો આવો, સા પીશો કે સાય્સ?’નો મીઠો આવકારો તો માનવ માટે આતિથ્ય-સત્કારનો લેન્ડમાર્ક બની ગયેલો. આજે ચાર પાંચ વરસ પછી જયારે ગીરમાં માલધારીઓના જીવન પર રીસર્ચ કરવા આવ્યો ત્યારે મનમાં બહુ ચિંતા ન...