Riding on her dreams : એક છોકરી બાઈક પર લેહ-લડાખ જઈ આવી !!







એક છોકરી બાઈક પર લેહ-લડાખ જઈ આવી. આ વાત છાપાવાળાને
જણાવી તો એમણે નવ જણામાંથી એના સિવાય બીજા બે છોકરાઓની સાથે પણ વાત કરી. ત્રણ જણાના
નાના ફોટા સાથે એમના અનુભવો, બીજા મોટી સાઈઝના બે ફોટા સાથે છાપામાં સ્ટોરી આવી –
વિશ્વના સૌથી ઊંચા રોડ પર અમદાવાદી બાઈકર્સની ધૂમ.  પાતળી હવાની વાતો, સરકતી બાઈકના અનુભવો, સપનું
સાકાર થયાની વાત. બસ! મને થયું કે આટલી મોટી સંવેદનાત્મક અનુભવની આવી સાવ ઉપરછલ્લી
પ્રાસંગિક નોંધ કેવી રીતે હોઈ શકે. અને એટલે આ લેખ.


આ છોકરી એટલે મેઘા વ્યાસ. કળા-કૌશલ્ય,
રમત-ગમત, કે સાહસિક અભિયાનો સાથે પેઢીઓ સુધી કોઈ જ નાતો ના હોય એવા સાવ સામાન્ય
પરિવારની દીકરી. એક એવા જ સામાન્ય પરિવારમાં જન્મેલા પણ અંગત રીતે રસ કેળવીને અને
રસ્તો કાઢીને કલાકાર બનેલા છોકરા સાથે સામાન્ય રીતે થોડી મોટી ઉંમરે કહી શકાય એટલા
મોડા પણ પસંદગીના લગ્ન કર્યા. ત્રીસેક વરસની ઉંમરે અને લગ્નના ત્રણેક વરસ પછી આ
છોકરી લેહ-લડાખ બાઈક પર જઈ આવી. એકલી. એટલે કે સાથે કોઈ મિત્રો કે પરિવારની કોઈ જ વ્યક્તિ
નહિ. આ પહેલા પહાડો પર બાઈક ચલાવવાનો કોઈ જ અનુભવ પણ નહિ; ફક્ત સપનું સાકાર કરવા
માટે મેઘાએ આ પ્રવાસ કર્યો.
 હવે એમ
થાય કે આમાં શું મોટી વાત? આજકાલ લેહ-લડાખની બાઈક ટ્રીપ તો ઘણા લોકો કરે છે.


જો એક છોકરો આવી ટ્રીપ પર
જવાનો હોય, તો એને માટે પ્લાનિંગ એટલે ટીમ ભેગી કરવાની, બુકિંગ કરાવવાનું, કેમેરા,
જીપીએસ, બાઈક, સામાન, કપડા વગેરે ભેગા કરવાના, પૈસાનો, અને નોકરી કરતા હોય તો રજાનો,
મેળ બેસાડવાનો. બસ, થઇ ગયું પ્લાનિંગ. પણ, એક છોકરીની – અને ખાસ કરીને પરણેલી છોકરીની
દ્રષ્ટીએ જુઓને તો આટલું પ્લાનિંગ તો સાવ ક્ષુલ્લક લાગે. 


મેઘાની જ વાત કરીએ. આ
છોકરીને પોતાની અદાકારી/શિલ્પકારી/ચિત્રકારીથી પોતે કમાયેલા પૈસાથી જ પોતાના શોખ
પુરા કરવાની જીદ. એટલે પૈસા ભેગા કરવા પડે, અને પૈસા કમાવા માટે કામ કરવું પડે. એક
પરણેલી સ્ત્રીને કમાવા માટે કામ કરવું એ હંમેશા ઘરના કામ કરવાની સાથે સાથે જ હોય. પરિણીત
સ્ત્રીને જ સમજાય કે પિયરના કામ અને સાસરિયાના કામમાં, અને કામ કરવાની ધગશમાં ફરક
તો રહેવાનો જ ! આજ-કાલ જ્યાં સાસુ-સસરાની અને પતિની સતત અને સો ટકા મદદ વગર ઘણી
સ્ત્રીઓ નવથી પાંચની સરળ નોકરી નથી કરી શકતી ત્યાં આ તો કળાને લગતું કામ! ક્યારેક
કામ મળે ને ક્યારેક ના પણ મળે. નાટકના રિહર્સલ સાંજે હોય અને શો રાત્રે હોય. કોઈ ફિક્સ્ડ
શીડ્યુલ નહિ. સાસરિયામાં રસોઈ બનાવવામાં મદદ કરીને, પોતાનું ટીફીન જાતે ભરીને
સ્ટુડિયો પર પહોંચીને, બપોરથી મોડી સાંજ સુધી ચિત્રો દોરવાના કે પ્રાણીઓના નમુનાઓ
બનાવવાના અને રંગવાના. પછી રીહર્સલ અને પછી ક્યારેક રાતના નાટકના શો. એમાં વળી ક્યારેક
પોતાની મમ્મીને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. અને, પછી પિયરમાં રોકાઈને બે ઘરના –
અને એક વરના - કામ સાચવવા પડે. મેઘા છેલ્લા એક વર્ષથી આવા સંજોગો સાથે સતત ઝઝૂમતી હતી.
આવા સંજોગો વચ્ચે એ જ વર્ષે આવી ટ્રીપનું આયોજન કરવું અને પાર પાડવું એ કઇ સામાન્ય
વાત નથી.


બીજુ મહત્વનું પરિમાણ છે સ્ત્રી
હોવું. આમ બાઈક ચલાવવું એ મેઘા માટે સહજ વાત છે. પુરુષ સમોવડા થવા માટે કે વુમન
એમ્પાવરમેંટની હિમાયતી બનવા માટે એ બાઈક નથી ચલાવતી. પણ, બાઈક-ટ્રીપના સપનાની વાતને
અસર કરતા સ્ત્રીસહજ ડાઈમેન્શનસ તો હોવાના જ. આમાં સૌથી મોટુ ડાઈમેન્શન એટલે મા
બનવાનું. એક પુરુષ ઘર, ઘરકામ, માં-બાપ, પત્ની કે સંતાનોને મુકીને પોતાના શોખ કે
સપના પુરા કરવા સાવ સહજપણે નીકળી જઈ શકે. પણ એક સ્ત્રીને માટે એ બધું એટલું સહજ
નથી. અને પરણેલી સ્ત્રી માટે તો વધારે અઘરું. એક પરણેલા પુરુષના આવા સપનાને પોતાના
અને સાસરા પક્ષના એમ બંને પરિવારો બીરદાવશે, જયારે એક પરણેલી સ્ત્રીને એ જ બંને
પરિવારો કાં તો ડરાવશે અથવા સપના પાછળ ના ભાગવા સમજાવશે. પરણેલો પુરુષ જો બાપ
બનવાનો હશે તોય અને જો નવો-નવો બાપ બન્યો હશે તોય આવા સપના પુરા કરવા નીકળી જતાં બહુ
અચકાશે નહિ. પણ, એક પરણેલી સ્ત્રી જો મા બનવાનો વિચાર પણ કરતી હોય તો, આવા સપના
માટે બે-ચાર વાર વિચારશે. પ્રેગ્નન્ટ હોય કે નવી-નવી મા બની હોય તો તો પાચ-છ વરસ
સપનાઓ વિષે વિચારવાનું જ માંડી વાળવાનું. ચાલો, એક વાર માની પણ લઈએ કે સપનાઓનું
અને ફેમિલીનું બંનેનું આગોતરું પ્લાનિંગ પણ કરી શકાય. પરંતુ, સ્ત્રીના શરીરની એક
ઉંમર પછી સતત ભાગતી સાઇકલનું શું? સપનાઓ પુરા કરવા માટેની તો કદાચ કોઈ ઉંમર ના પણ હોય,
પરંતુ મા બનવા માટે તો વધતી ઉંમર અગત્યનું પાસું બની જાય. એટલે જ મેઘા જેવી સ્ત્રી
માટે જે આગળ લખ્યું છે એ - ત્રીસેક વરસની ઉંમરે અને લગ્નના ત્રણેક વરસ પછી – હકીકત
બહુ જ મહત્વની બની જાય. મેઘાને પોતાની અને પતિની વધતી જતી ઉંમર, પોતાની મા બનવાની
અદમ્ય ઈચ્છા, અને માના કિરદારને દિલથી માણવાની તમન્નાનો પુરેપુરો અહેસાસ હતો. સાથે
સાથે, મા બન્યા પહેલા જ આ સપનું પૂરું કરવું જોઈએ એ સમજ પણ એટલી જ સ્પષ્ટ હતી
કારણકે મા બનવું એ ઓછા માં ઓછા પાંચથી સાત વરસનો ફૂલટાઇમ પ્રોજેક્ટ છે એ એને ખબર
હતી. આ બધી પરિસ્થિતિઓનો તાલમેલ સાચવીને આવા પ્રવાસનું આયોજન કરવું એ પણ બહુ મોટી
વાત છે.


છેલ્લે આવે પરણ્યા પછી પણ પોતાની
જીંદગી અને પોતાના શોખને પોતાની રીતે જીવવાની વાત. ઘણા પરિવારોની મહિલાઓને - ‘મને તો
ફિલ્મો જોવી બહુ ગમે, પણ અમારા આને શોખ નહિ. એટલે, અમે ફિલ્મો જોવા જતાં જ નથી’ - આવી
વાતો કરતા સાંભળી છે. એમ લાગે કે પરણ્યા પછી પોતાના શોખને આમ દબાવી દેતી આ સ્ત્રીઓના
સપનાઓની તો વાત જ ક્યાં કરવી! આપણા સમાજમાં દીકરીઓને શોખ રાખવાની અને સપનાઓ
સજાવવાની છૂટ તો દેવાતી હોય છે, પણ સાથે સાથે ‘શોખ અને સપનાઓ પુરા થશે જ એવી જીદ
રાખવી નહિ’ એવી સલાહ પણ સતત અપાતી હોય છે. અને પરણ્યા પછી તો જાણે એનું નીજી
અસ્તિત્વ જ ખતમ. ‘સારા ઘરની દીકરી’, ‘સારી પત્ની’, કે ‘સારી વહુ’ બનવામાં જ જાણે
જગ જીત્યાનો અહેસાસ મેળવી લેવાનો. આજે પણ ખુબ ભણેલા અને ભદ્ર જણાતા પરિવારોમાં
સીધી લીટી અને આડી લીટીનો ભેદ કાયમ જ છે. પછી ભલેને દેખીતી રીતે - અમારે તો વહુ
અને દીકરી બંને સરખા – એવી વાતો થતી હોય !


આવા મુલ્યો અને સંસ્કારો વચ્ચે,
એક પરણેલી સ્ત્રીએ પોતાના શોખ અને સપનાઓ કાયમ રાખવા હોય તો બે વસ્તુ ખુબ જરૂરી
બને. પહેલું અને સૌથી મહત્વનું પાસું છે સ્ત્રી પોતે. શોખ અને સપનાને સાચવવાનો અને
એને પોષતા રહેવાનો પોતાનો દ્રઢ નિર્ણય અને એ પુરા કરવા માટે સામાજિક કે આર્થિક સ્તરે
લડવાની અને કિંમત ચુકવવાની તૈયારી – ખુબ મહત્વની છે. બીજું મહત્વનું પાસું છે એનો
પતિ. પતિનો સાથ, સમજ અને તૈયારી ખુબ જ જરૂરી છે. એક સાથીની રૂએ બિનશરતી, સતત, અને
સોલીડ સાથ, આવા સાથ આપવા માટે થતા વિરોધોને મેનેજ કરવાની સમજ, અને પોતાની સ્ત્રીના
સપના પુરા કરવા માટે સામાજિક કે આર્થિક સ્તરે કિંમત ચુકવવાની તૈયારી – ખુબ મહત્વની
છે.  આ બંને શરતો પૂરી કરવા માટે પતિ-પત્નીનું
એક-બીજા માટે બહુ બધા સ્નેહ, વ્હાલ, હેત, પ્રેમ જરૂરી છે, પણ પૂરતા નથી. એને માટે સૌથી
વધારે જરૂર છે તો એક-બીજાના માટે અઢળક માન એટલે કે રીસ્પેક્ટની. ‘મારી પત્ની મારી
પાછળ બેઠી હતી અને અમે બંને જણા બાઈક પર લેહ-લડાખ જઈ આવ્યા’ એ એક વાત છે. પણ ‘મારી
પત્નીની લેહ-લડાખ બાઈક પર એકલા જવાની ઇચ્છા હતી. એ એકલી જઈ આવી. મને ખુબ ચિંતા હતી
કે શું થશે, પણ મને ગર્વ છે અને આનંદ છે કે એણે એનું સપનું પૂરું કર્યું’ – એ એક ઉપરના
સ્તરની વાત છે. આ બીજા – ઉપરના સ્તરના અહેસાસ માટે મેઘા જેવી પત્ની અને અભિનય જેવા
પતિ થવું પડે.


પોતાની રોજ ચલાવતી બાઈક વિશ્વના
સૌથી ઉંચા રસ્તા પર ચલાવવાનું મેઘાનું સપનું, એ સપનાની માવજત, અને એ સપનાને પાર
પાડવાનો અનુભવ છોકરીઓ માટે અને પરિણીત સ્ત્રીઓ માટે તો પ્રેરણાદાયી છે જ. પણ, આ સપનાની
માવજત કરવામાં સાથ આપવાનો અનુભવ, અને એ પૂરું થવામાં ગર્વ અને આનંદની લાગણી
અનુભવવાની વાત છોકરાઓ અને પરણેલા પુરુષો માટે પણ એટલી જ પ્રેરણાદાયી છે. પોતાના
ઘરની સ્ત્રીઓના સપના પુરા કરવામાં પુરુષોનો ફાળો હોય તો બહુ જ સરસ પણ કોઈ મોટો
સિંહફાળો હોવો જરૂરી પણ નથી. પણ હા, જો ઘરની સ્ત્રીના કોઈ સપના પુરા થાય તો એક
સાથીની જેમ ખુશ તો થઇ જ શકાય. પુરુષોને પ્રોવાઈડર રોલમાંથી થોડા હળવા થઈને કુટુંબની
સ્ત્રીઓની સફળતાને ઉજવતા થવાની જરૂર છે. મને એમ લાગે છે કે પુરુષોમાં ગુસ્સા, તણાવ
અને હિંસાત્મક વલણ માટે પુરુષોની પોતાની માનસિકતા અને વેલ્યુ-સીસ્ટમ જવાબદાર છે. જયારે
પુરુષ પોતાના સપનાઓની જેમ પોતાના ઘરની સ્ત્રીઓના સપનાઓને પણ મહત્વ આપતો થશે, પોતાના
સપનાઓની માવજતની જેમ પોતાના ઘરની સ્ત્રીઓના સપનાઓની પણ માવજત કરતો થઇ જશે, અને
પોતાના સપના પુરા થાય ત્યારે અનુભવાતા ગર્વ અને આનંદને પોતાના ઘરની સ્ત્રીઓના
સપનાઓ પુરા થાય ત્યારે પણ અનુભવતો થઇ જશે ત્યારે પુરુષોમાં ગુસ્સાનું, તણાવનું અને
તેમના હિંસાત્મક સ્વભાવનું પ્રમાણ પણ ઓછું થઇ જશે.


મેઘાના સફરની ખાસ યાદોને
વાગોળતા વાગોળતા એ  ‘ઓછો ઓક્સીજન, ઉભા ઉભા
હાંફી જવાય, ઊંચા ઢોળાવની ચઢાઈ, આવા ઢોળાવ પણ સાવ ધીરી ઝડપે ચઢાણ, બ્રેક મારીએ તો
લપસીને ખીણમાં જવાનો ડર, એક્સ્ટ્રીમ તાપમાન, આગળ રસ્તો ના દેખાય તો પણ ચાલતા
રહેવાનું, ટીમ મેમ્બર્સ છૂટી જાય તો એકલા ચાલતા રહેવાનું, એકલું એકલું લાગે તો રડી
લઈને પાછા ચાલવા માંડવાનું’ એવી વાતો જણાવે. અને જયારે મેઘાના બાઈક-રાઈડના સપનાની માવજત
વખતે ઘર-કુટુંબ-સમાજના સ્તરે થયેલા અનુભવોને યાદ કરીએ ત્યારે પણ કૈક આવી જ યાદો
ઉભરીને આવે. પણ બંને વખતે એક વાત તો કોમન જ રહે – .’..બટ ઈટ વોઝ ઓલ વર્થ ઈટ’!!


Comments

Post a Comment

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health