Memoir : એના હૃદયકુંજમાં રામ











This is a short memoir of my uncle who played a very important role in shaping me. I love him!!


________________________________


કમળાબેન નામે માતા અને
ભૂપતરાય પિતાના આઠ સંતાનોમાં સાતમું બાળક ૧૪ જુન ૧૯૪૬ જેઠ મહિનાની પૂનમના દિવસે જનમ્યું.
આ બાળક એટલે અશ્વિનકુમાર ત્રિવેદી. એમનો સ્વર્ગવાસ લગભગ સીતેર વર્ષની વયે તા. ૨૧
મે ૨૦૧૬ એટલે વૈશાખ મહિનાની પૂનમે થયો.


માતા કમળાબાને એણે છ-આઠ
વર્ષની ઉમરે જ ગુમાવી દીધેલા. પણ, જતાં પહેલા માએ એને જીવનનો ઉદેશ્ય આપી દીધેલો: ‘હું
ના હોય ત્યારે રામ-સીતા તને રાખશે. તું એમને ભજજે’. માની આ સલાહ નાના અશ્વિનના
મનમાં કોતરાઈ ગઈ અને અડધું જીવન રામના દર્શન થાય એના પ્રયત્નોમાં અને બાકીનું રામને
ભજવામાં કાઢી નાખ્યું. રામ-ભક્ત હનુમાનની જેમ આજીવન અવિવાહિત રહ્યા. ભગવાન ભજવા
હતા એટલે લગ્ન ન કર્યા પણ સંસારી રહ્યા. ભાઈ તરીકે, કાકા તરીકે, મામા તરીકેના
વિવિધ કીરદારો આજીવન પોતાની નિષ્ઠાથી અને ક્ષમતાથી ભજવતા રહ્યા. કુટુંબના સગપણથી
મળેલા સગાઓ ઉપરાંત એમનો એક અહમ પરિવાર એટલે એમનો દાદુ પરિવાર. દાદુ એટલે લેફ્ટનન્ટ
કર્નલ સી.સી. બક્ષી. અને અશ્વિનભાઈ ની શ્રદ્ધા મુજબ કહીએ તો પ.પૂ.બક્ષીદાદા. આ
પરિવારની વાત કરૂ એ પહેલા બક્ષીદાદા મળ્યા એની વાત.


બાળ અશ્વિન અને કિશોર
અશ્વિન પિતા ભુપતરાયની ધાર્મિક અને આધ્યાત્મિક છાયામાં ઘડાતો ગયો. ભગવાનના દર્શન
કરવાની અજબની તાલાવેલી. મા વગરનું બાળપણ એટલે ભગવાનને જ હેત, પ્રેમ, હુંફ,
વાત્સલ્યનું સ્ત્રોત માનેલા. પણ, ભગવાનનું દર્શન કરાવે એવા ગુરુની સતત તલાશ રહેતી.
એ વખતના આજુબાજુના ઘણા સંત-મહાત્માને મળતા રહેતા. પિતાજી સાથે અને પછી એકલા
હિમાલયની જાત્રા કરતા રહેતા કે ક્યાંકથી કોઈ હાથ પકડનારૂ મળી જાય જે ભગવાનના દર્શન
કરાવે! એમાં ભાવનગરમાં જ મળી ગયા – બક્ષીદાદા અને એમના પ્રેમાળ પત્ની-હર્ષિદાબા. ગુરુની
અને માની બન્ને ઝંખના જાણે એક ઝાટકે પૂરી થઇ ગઈ. પૂ.બક્ષીદાદાએ એમને સંભાળી લીધા. આધ્યાત્મિક
તેમજ સાંસારિક બન્ને વિષયોની સમજ-સલાહ આપતા રહ્યા. એમ કહોને કે અશ્વીનભાઈની બાકીની
જિંદગી બક્ષીદાદા-મય જ રહી. બક્ષીદાદાને ત્યાં આવતા બીજા સ્નેહીજનોએ પણ અશ્વીનભાઈને
હૃદયપૂર્વક સ્વીકાર્યા અને પ્રેમ કર્યો. આમ, છેલ્લા ચાર દસકાથી બે પરિવારના થઈને રહ્યા.


આધ્યાત્મના અભ્યાસ સાથે
કુટુંબની નવી પેઢીને ભણવા-ગણવા માટેની મદદ કરતા રહ્યા. થઇ શકે એટલી ક્ષમતાથી પોતાની
સંસારિક જવાબદારીઓ પણ નિભાવતા રહ્યા. માહિતી ભેગી કરવાનો અને વહેચવાનો ગજબનો શોખ.
પરફેકશનના પ્રખર આગ્રહી. એમની નાની-મોટી બધી જ બાબતો એકદમ સિસ્ટેમેટીક રહેતી.
અલૌકિક વિશ્વની સમજ હતી અને એમને યોગ્ય લાગે તે 
લોકોને યોગ્ય સમયે દિવ્યતાનો અનુભવ પણ કરાવતા. સ્વ-નિર્ભર રહ્યા. મદદ કરતા
અને જરૂર પડે આભાર-સહ મદદ માંગતા પણ ખરા. આધ્યાત્મ એમના જીવનનો મોટો ભાગ પણ
માનવ-સહજ સ્વભાવ, શોખ અને વ્યક્તિત્વના બીજા સામાન્ય પાસાઓ પણ ખરા જ. પોતાની
માન્યતા-મુલ્યો સાથે જીદ લાગે એ રીતે વળગી રહે. બાંધછોડ ના કરે. મીઠાઈ-આઈસ્ક્રીમ-વિવિધ
વાનગીઓના શોખીન અને તે જ રીતે હરવા-ફરવાનો શોખ. ફોટા પડાવવા અને દેખાડવા પણ ખુબ
ગમે.


ભાવનગરમાં, પૂનમ અને શનિવારના
દિવસે, સિત્તેર-બોત્તેર વરસની ઉંમરે થનાર અવસાનની વાતો એમણે કોઈક-કોઈકને ક્યારેક
કરેલી. તૈયારી સાથેનું જીવન અને અંતની પણ ગજબ ની તૈયારી. 





આ ખુબ પ્રેમાળ માણસ જો ખુલીને પ્રેમ કરી શક્યો હોત
તો ઔર મજા આવત!!!





Comments

Popular posts from this blog

Review - Akoopar

As I leave IIPHG

Thoughts on teaching and learning about Gender and Health