Story : અલગ-અલગ પણ સેમ સેમ!
અલગ-અલગ પણ સેમ સેમ!!
ઢીંગલીઘર આવી ગયું, ઢીંગલીઘર ઝીંગાલાલા!! ની કીકીયારીથી બસ ગાજી ઉઠી
હતી. ઉસ્માનપુરાના અન્ડરપાસ નીચેથી પસાર થતી વખતે બાળકો અંધારાની મજા લેતા લેતા
હૂઊઊઊની રાડો પડતા હતા. બસની સૌથી આગળની સીટ પર બેઠેલા મૈત્રેયભાઈ કઈક ઊંડા
વિચારોમાં ઘરે પહોચવાની રાહમાં હતા. પણ, આ શું? અંડરપાસ તો લાંબો થતો જ ચાલ્યો. બે
સેકન્ડનો અંધકાર જે રોમાંચ આપતો હતો તે લાંબો ખેચાતાં બાળકો પણ ડરવા માંડ્યા હતા.
મૈત્રેયભાઈને પણ ખબર નહોતી પડતી કે શું કરવું. અંધકાર એટલો ઘેરો બનવા માંડ્યો કે બાજુની
સીટ પર ડ્રાઈવર પણ નહોતો દેખાતો. સંભળાતી હતી તો બસ બાળકો ની ચિચિયારીઓ અને રડવાના
અવાજો. ગભરાઈ જઈને મૈત્રેયભાઈ સીટ પરથી ઝાટકાભેર ઉભા થયા તો તેમના ગોઠણની નસ ખેચાઇ
ગઈ. અસહ્ય દર્દની વેદનાથી તેમનાથી જોરથી રાડ પડી ગઈ અને તે સાથે જ તેમની આંખ
ખુલ્લી ગઈ. આજુબાજુ નજર કરી તો સમજાણું કે
સપનું હતું.
---------xxx---------xxx---------
સપનામાં અનુભવાયેલી લાગણીઓ – ડર અને દર્દ – એકદમ
તાજી હતી. બેઠા બેઠા, ગોઠણ પંપાળતા પાણી પીધું ને થોડા હળવા થયા. શિયાળામાં આમેય
પરેશાની વધારે રહેતી. હવે અચાનક ઉડી ગયેલી
ઊંઘ તરત પાછી નથી આવવાની. શરીરના દુખાવા અને સપનાથી ઉભી થયેલી ઉદાસીનતા અને ડર
સાથે મૈત્રેયભાઈનું મન વિચારે ચડ્યું. શરીર-હૃદય-મન, મૈત્રેયભાઈના આ ત્રિલોકમાં
હમણાં હમણાંથી થોડી પરેશાની રહેતી.
ત્રીસ-ચાલીસ વર્ષની ભાગદોડ. નદી, ખેતર, ડુંગરા ખુંદવાથી અને નાના
બાળકો સાથે તેમના જેવા થઇ રમવાથી – એમ જ કહો ને કે વાનરવેડા જેવી કુદાકુદ કરવાથી –સાઇંઠ
વર્ષે હવે બંને ગોઠણ હિસાબ માંગતા થયા. બંને પગમાં અને કમરમાં ખુબ દુખાવો રહેતો
હતો. વચ્ચેના લોક – એટલે કે દિલમાં પણ એક ભાર જેવું કઈંક રહ્યા કરતું. દિલના
દુઃખનું એક કારણ એ હતું કે બદલાતા સમાજની બદલાતી અપેક્ષા સાથે તેમનું
બાળક-કેન્દ્રિત અને બાળક-લક્ષી સમાજનું સપનું મેચ ન થતું. છેલ્લા ત્રીસ ત્રીસ
વરસોથી લગાતાર પ્રયત્નોએ સેંકડો બાળકોના બાળપણ સુધાર્યા હતા, પણ હવે નવી પેઢીના
મમ્મી-પપ્પાઓને મૈત્રેયભાઈનો આ અભિગમ જુનવાણી લાગવા માંડેલો. પોતે સિવિલ એન્જીનીયર
હોવા છતાંય પપ્પાના શોખ અને જીવનથી પ્રેરાઈને અને તેમની પ્રતિભાથી અંજાઈને આ સ્કૂલ
સંભાળેલી ત્યારે લાગેલું કે પપ્પાએ શરુ કરેલી આ કેળવણીની પરંપરા થકી આ સંસ્થા પેઢી
દર પેઢી બાળકોનો વિકાસ કરતી રહેશે. પણ, બાળકોને તેમની રીતે જીવવા દો, ઉડવા દો, એવા
અભિગમ પોતાના બાળકોમાં પણ અનુસર્યા હોવાથી દીકરા-દીકરીઓએ શિક્ષણથી અલગ એવી પોતાની
કેરિયર પસંદ કરી લીધી હતી. પોતાના બાળકોને હવે કુટુંબની પરંપરા જેવી આ સ્કૂલને આગળ
લઇ જવામાં રસ ના હતો. વર્ષોનું સપનું અધૂરું જ રહી જશે એવું લાગતું રહેતું અને
એટલે ઉદાસીનતા વધતી જતી. ત્રીજું લોક એટલે મન, જેની વ્યાકુળતા દિવસે દિવસે વધતી જ
જતી હતી. નાના ભૂલકાઓ કુદરતની સૌથી નજીક
હોય; તેમને કુદરતની પાસે જ રાખવા જોઈએ. અનુભવ એ જ સાચું શિક્ષણ. આ બે સિદ્ધાંતો પર
ઢીંગલીઘર વર્ષોથી કેળવણીનું કામ કરતી રહેતી. દર અઠવાડિયે શૈક્ષણિક પ્રવાસ, વરસે
બે-ચાર જંગલ, દરિયાકાંઠા, અને ડુંગરના નેચર કેમ્પ, ઈંટોની ભઠ્ઠી અને કુંભારની
ચાકથી લઈને આઈસ્ક્રીમ/ચોકલેટ/બિસ્કીટની ફેક્ટરીઓની મુલાકાતો, મોટામોટા પતંગો
ઉડાડવાનો ઉત્સવ, અને બીજી અવનવી પ્રવૃતિઓથી સંસ્થા આખું વરસ ધમધમતી રહેતી. પણ હવે
આધુનિકતામાં માનનારા નવી પેઢીના કુટુંબોને પોતાના બાળકોને નદી-ડુંગર-ખેતરો કરતાં
મોલના ગેમિંગ ઝોન, સ્વીમીંગપૂલ વાળા રિસોર્ટની ડે-લોંગ પીકનીક અને કૃત્રિમ બરફવાળા
સ્નો વર્લ્ડમાં લઇ જવામાં વધારે રસ પડતો. બાળકોના નામે પોતાની ઇચ્છાઓ અને અધૂરા
સપનાઓ પુરા કરતાં માં-બાપોને પેરેન્ટ્સ મીટીંગમાં સમજાવી સમજાવી થાકી જવાતું. છેલ્લા પાંચેક વરસથી નેચર કેમ્પમાં પણ લગાતાર
સંખ્યા ઘટવા લાગેલી. આમ તો સંસ્થા ખુબ જૂની. એટલે શરૂઆતના વર્ષોમાં અહિયાં જ ભણેલા
ભૂલકાઓ પણ હવે માં-બાપ બની ગયેલ. પણ આવા પેરેન્ટ્સ પણ સંસ્થાના અભિગમને પ્રશ્ન
કરતાં કરતાં થઇ ગયા હતા. પોતાના દ્રઢ થઇ ગયેલા વિચારો સાચા કે સતત બદલાતા સમાજના
ઉભરતા જતા સિદ્ધાંતો? મનમાં આ અસમંજસ સતત ચાલતી રહેતી. સરવાળે, મન, હૃદય અને શરીર –
ત્રણેય એકબીજાના થાક અને દુખને વધારવા માંડેલા.
પણ, સંસ્થા તો ચાલુ જ હતી. અને એટલે કામ પણ. આવતા અઠવાડિયે ક્રિસમસ છે
અને એટલે આવતીકાલે ચર્ચની પીકનીક ગોઠવેલ. ‘કોઈ એક ધર્મ પર ફોકસ નહિ કરવાનું પણ બધા
જ ધર્મસ્થળોએ બાળકોને લઇ જવા’ એ સંસ્થાનો નિયમ હતો. ધાર્મિક જગ્યાઓમાં ય કુદરત,
સંગીત, સ્થાપત્ય વગેરેનો અનુભવ તો મળવાનો જ ને. બે બે બસ ભરીને લઇ જવાતી પીકનીકની
જગ્યાએ જો કે હવે આવી મસ્જીદ-ચર્ચની પીકનીકમાં ય હિંદુ-જૈનના બાળકો ઓછા આવતા થઇ
ગયા છે. બાળકો ધાર્મિકતાના સંસ્કારને નામે નાનપણથી કેટલા સંકુચિત થવા માંડ્યા છે
!! ગઈકાલની યાદો અને આજની વ્યાકુળતાને સાથે રાખી આવતીકાલના આયોજનને વિચારતા
વિચારતા મૈત્રેયભાઈની આંખ ફરી મીંચાઈ ગઈ.
---------xxx---------xxx---------
ચર્ચના પાદરી સાથે પહેલેથી જ વાત કરી રાખેલ.
પાદરીને પણ વરસો વરસનો અનુભવ. નાના-નાના ભૂલકાઓ હસતા ખેલતા આવે અને મજા કરે એ કોને
ના ગમે! ક્રિસમસની તૈયારીમાં ચર્ચને રંગબેરંગી શણગારેલું. આવી ઝાકઝમાળ જોઈને
બાળકોને પણ મજા પડી. આખા ચર્ચમાં આંટા મારીને લાંબી લાંબી બેન્ચની મજા માણતાં
લાઈનસર બેસી ગયા. પાદરીએ રોજીંદી આદત મુજબ ઇંગ્લીશમાં પ્રાર્થના કરી અને પછી તેનું ગુજરાતી કરીને બાળકોને સમજાવ્યું.
‘હે ઈશ્વર, મારા શરીરનું અને મનનું રક્ષણ કરજે. મારા કુટુંબને સુખી કરજે, મારા
સમાજનું, દેશનું અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરજે.
વગેરે વગેરે.’ પછી નાના-નાના બાળકોએ બે હાથ જોડીને આંખ બંધ કરીને પ્રણામ
કર્યા. થોડુંઘણું સાંભળ્યું. પણ તેમને તો આ ઉંચી છત, ક્રોસમાં લટકતા ઈશુ ખ્રિસ્ત,
એકસાથે સળગતી આટલી બધી મીણબતીઓ, લાંબી બેંચ અને તેની નીચે પાથરેલી લાંબી પોચી
ગાદીઓ વાળી નવી દુનિયામાં વધારે રસ હતો. પ્રાર્થના સાંભળીને, બાળ-સહજ સમજણવાળી
શિસ્ત સાથે મજા કરતાં કરતાં બધા બહાર નીકળ્યા. નાસ્તો કરીને, હાથ ધોઈને બધા બાળકો
પાછા બસમાં બેઠા. બધું સમેટીને મૈત્રેયભાઈ પણ દુખતા પગે ધીરેધીરે બસના ઉંચા પગથીયા
ચઢીને દર વખતની જેમ સૌથી આગળની સીટ પર બેઠા. અને, બસ પાછી સંસ્થાએ જવા નીકળી.
દુખતા પગ અને રાતની ઓછી ઊંઘથી મૈત્રેયભાઈની આંખો થોડી ઘેરાતી હતી.
વ્યાકુળ મનમાં ગઈકાલે રાત્રે અન્ડરપાસના રૂપક જેવા સપના પછી શરુ થયેલા સંસ્થાના
અંધારા ભવિષ્યના વિચારો ચાલતા હતા. ‘તમે આજે કુદકા કેમ ના મરાયા?’ – નાનકડો રુદ્ર
શાહ બાજુમાં બેસીને સાથળ થપથપાવીને પૂછતો હતો. કદાચ એ બીજી પીકનીકની જેમ આ
પીકનીકમાં પણ એના મૈત્રેયદાદાની ધીંગામસ્તી મિસ કરતો હતો. મૈત્રેયભાઈએ હસીને
રુદ્રના ખભે હાથ મુકીને પૂછ્યું, ‘દોસ્ત, કેવી લાગી આજની પીકનીક?’ રુદ્રએ બે હાથ
હલાવતા કહ્યું, ‘એકદમ મસ્ત’. પછી મૈત્રેયભાઈને હાથથી નીચે બોલાવતા કહ્યું, ‘ એક
વાત કહું?’ મૈત્રેયભાઈએ પૂછ્યું, ‘શું?’
રુદ્ર એકદમ ઠાવકો થઈને કાનમાં કહેતો હોય એમ ધીરેકથી કહે, ‘તમને ખબર છે? આ કીસ્ચન
અને જૈન બન્ને આમ અલગ-અલગ પણ આમ સેમ સેમ હો!’ મૈત્રેયભાઈને થોડું હસવું આવ્યું, ‘કેમ
એવું?’ રુદ્રએ જાતે કેળવેલી નવી સમજ આગળ ચલાવી, ‘જો, મમ્મા કે છે એમ એ લોકો નોનવેજ
ખાય અને અમે તો જૈન જ ખાઈએ. અમે દેરાસર જઈએ અને સાધુમુનીને પગે લાગીએ, એમ કીસ્ચન
ચર્ચ જાય અને ફાધરને પગે લાગે. એટલે જૈન કિસ્ચન અલગ અલગ’ ‘તો પછી સેમ સેમ કેવી
રીતે થયા?’, મૈત્રેયભાઈને માટે આ સંવાદ સ્ટ્રેસ બસ્ટર જેવો હતો. ‘અમારા સાધુમુની
કેતા’તા એ જ આ ફાધર પણ કેતા’તા કે મમ્મા-પપ્પાનું, ઘરનું, ને આખી દુનિયાનું સારું
થાય. તો બન્ને સેમ સેમ ય થયા જ ને!!’
મૈત્રેયભાઈ જાતે કેળવાયેલી સમજવાળા રુદ્રને જોઈ રહ્યા.
ઢીંગલીઘર આવી ગયું, ઢીંગલીઘર ઝીંગાલાલા!! ની કીકીયારીથી બસ ગાજી ઉઠી.
ઉસ્માનપુરાના અન્ડરપાસ નીચેથી પસાર થતી વખતે બાળકો અંધારાની મજા લેતા લેતા હૂઊઊઊની
રાડો પાડવા માંડ્યા. બે સેકન્ડમાં નાનકડો અંધકાર પુરો થઇ ગયો અને બસ પછી પ્રકાશમય
થઇ ગઈ. મૈત્રેયભાઈ એ રુદ્ર સામે જોયું, ‘ થેંક્યુ, દોસ્ત’. ‘અનુભવ એ જ સાચું
શિક્ષણ’ સાકાર થતું જોઈને મૈત્રેયભાઈના શરીર-હૃદય-મન ત્રિલોકમાં થોડું સારું
લાગ્યું.
---------xxx---------xxx---------
Comments
Post a Comment