Story : અલગ-અલગ પણ સેમ સેમ!
અલગ-અલગ પણ સેમ સેમ!! ઢીંગલીઘર આવી ગયું, ઢીંગલીઘર ઝીંગાલાલા!! ની કીકીયારીથી બસ ગાજી ઉઠી હતી. ઉસ્માનપુરાના અન્ડરપાસ નીચેથી પસાર થતી વખતે બાળકો અંધારાની મજા લેતા લેતા હૂઊઊઊની રાડો પડતા હતા. બસની સૌથી આગળની સીટ પર બેઠેલા મૈત્રેયભાઈ કઈક ઊંડા વિચારોમાં ઘરે પહોચવાની રાહમાં હતા. પણ, આ શું? અંડરપાસ તો લાંબો થતો જ ચાલ્યો. બે સેકન્ડનો અંધકાર જે રોમાંચ આપતો હતો તે લાંબો ખેચાતાં બાળકો પણ ડરવા માંડ્યા હતા. મૈત્રેયભાઈને પણ ખબર નહોતી પડતી કે શું કરવું. અંધકાર એટલો ઘેરો બનવા માંડ્યો કે બાજુની સીટ પર ડ્રાઈવર પણ નહોતો દેખાતો. સંભળાતી હતી તો બસ બાળકો ની ચિચિયારીઓ અને રડવાના અવાજો. ગભરાઈ જઈને મૈત્રેયભાઈ સીટ પરથી ઝાટકાભેર ઉભા થયા તો તેમના ગોઠણની નસ ખેચાઇ ગઈ. અસહ્ય દર્દની વેદનાથી તેમનાથી જોરથી રાડ પડી ગઈ અને તે સાથે જ તેમની આંખ ખુલ્લી ગઈ. આજુબાજુ નજર કરી તો સમજાણું કે સપનું હતું. ---------xxx---------xxx--------- સપનામાં અનુભવાયેલી લાગણીઓ – ડર અને દર્દ – એકદમ તાજી હતી. બેઠા બેઠા, ગોઠણ પંપાળતા પાણી પીધું ને થોડા હળવા થયા. શિયાળામાં આમેય પરેશાની વધારે રહેતી. હવે અચાનક ઉડી ગયેલી ઊંઘ તરત પાછી નથી આવ...