Story : Garbo!
ઓફિસમાં જૂની CD ઓ ફંફોળતા હાથમાં લાગેલી ધૂળને પ્રથમના નાક સુધી પહોચતાં વાર ન લાગી. વહેતા નાકે , છીંકતા છીંકતા શુક્રવારની મોડી સાંજે એ ઘરે પહોંચ્યો. મોટા શહેરમાં વરસના આ નવ દિવસો આમેય આકરા હોય છે. ગરબાના શોખીન લોકોને ગરબા રમવાને લીધે, અને પ્રથમ જેવા જેમને શોખ ના હોય તેમને સોસાયટીમાં જોરથી વાગતા ગરબાને લીધે નવ દિવસ ઊંઘ ઓછી રહેવાની અને થાક વધારે રહેવાનો. આ ઉપર ખરાબ થયેલા નાકને લીધે પ્રથમને સવાયો થાક લાગેલ. પણ , પોતાના નાના કુટુંબ , એટલે નાની દીકરી - સંખ્યા - અને પત્ની - સૌમ્યા, સાથે લોંગ ડ્રાઈવ કરીને પોતાની મમ્મીને મળવા જવાનો આનદ હતો એટલે થાક મેનેજ થતો ગયો. આખા અઠવાડિયાના થાક અને બે દિવસના મનગમતા આરામ વચ્ચે બસ શુક્રવારની રાત જ હતી. દીકરીને રખડવાનો આનંદ હતો, સૌમ્યાને ખુશી હતી કે એકવાર કુટુંબના ગરબાના દર્શન થશે, અને પ્રથમને દિવાળી પહેલા નવરાત્રીમાં મમ્મીને એકવાર મળી લેવાની ઇચ્છા હતી. મોટા શહેરમાં કામ માટે રહેતો પ્રથમ બસો કિલોમીટર દુરના નાના શહેરમાં રહેતા મમ્મીના ઘરે ખાસ કરીને વાર-તહેવારે આવતો જતો. બીજા શહેરમાં પત્ની અને બાળક સાથે રહેતા ભલે હોઈએ, પણ જ્યાં સ...