Story : (Don't know why!)
‘ખબર નહિ’
અનોખીનું મન અસમંજસમાં હતું. દિલના ધબકારા અને
મનના વિચારોએ જાણે રેસ લગાવી હતી. મનને અને શરીરને એક વધારાનો ધક્કો મારીને એ
બસમાં ચડી જ ગઈ. સ્ટેટ ટ્રાન્સપોર્ટની લોકલ બસમાં બેસવાનો આ અનુભવ ના જાણે કેટલા
વર્ષે થયો. ધાંગધ્રા વાયા વિરમગામ. બસના કંડકટરને જ્યારે પૂછ્યું કે ‘ધાંગધ્રા
પહોચતા કેટલો ટાઈમ થશે?’, તો જવાબ મળ્યો: ‘ખબર નહિ’. થાકેલી અને અટવાયેલી અનોખી
થોડી વધારે ધૂંધવાઈ.
‘અરે, ખબર નહિ એટલે શું? તમે બસ ચલાવો છો, રોજે
રોજ ચલાવો છો. કેમ કહો છો કે ખબર નહિ?’
‘સ્પીડ બાંધેલી હોય, બેન. ટ્રાફિકનું કઈ કહેવાય
નહિ. એટલે અંદાજ ના લાગે. તો’ય એમ સમજો ને કે વિરમગામથી આઠ પહેલા નહિ નીકળે. તમારે
ક્યાં જવું છે?
‘ખબર નહિ’
અનોખી બારીની જગ્યા લઈને બસમાં બેઠી. ઘડિયાળમાં
સવા પાંચ વાગ્યા અને બસ ચાલુ થઇ. કંડકટર પાસેથી વિરમગામની ટીકીટ લીધી. ‘કેમ,
ધ્રાંગધ્રાનું પૂછતા’તા ને?’ કંડકટરના આશ્ચર્ય સાથેના સવાલને અનોખીએ સ્મિત સાથે
અવગણી દીધો અને બારી બહાર નજર નાખીને વિચારમાં પડી ગઈ. અમદાવાદી સાંજના ટ્રાફિકને
જેમ તેમ કરીને ફોસલાવતી બસ થોડી થોડી રફતારે આગળ ચાલી. અનોખીના મનની ગતિ પણ એ જ
ધીમી રફતારે પાછળ ચાલી.
નવ વર્ષનું લગ્નજીવન અને સાત-આઠ વર્ષની દીકરી –
આરોહી. બેંક, સગાવ્હાલા અને મિત્રોની મદદથી ઘરનું ઘર પણ થઇ ગયેલું. બેંકના મન્થલી
હપ્તા ભરવામાં ઘરનું બજેટ કઈ ખાસ નહોતું ખોરવાયું. જયેશ એકંદરે સારું એવું કમાતો
હતો. આરોહી સ્કૂલે જવા માંડી એટલે અનોખીએ પાંચ-છ વરસથી છોડેલી પ્રિ-સ્કુલની જોબ
ફરી શરુ કરી હતી. પણ, જોબ શરુ કર્યાના એકાદ વરસ પછી પણ અનોખીને કંઇક ખૂટતું હોય
એવું લાગ્યા કરતુ હતું. જે મજા, રોમાંચ એને લગ્ન પહેલા પ્રિ-સ્કુલની જોબમાં આવતો
હતો એ હવે નહોતો મળતો. કંઇક ખૂટતું હતું. અનોખીએ આ વિષે જયેશને પણ વાત કરેલી. પણ,
જયારે પણ જયેશ વિગતે પૂછતો કે, ‘શું પ્રોબ્લેમ છે?’, તો એક જ જવાબ ઉઠતો મનમાં:
‘ખબર નહિ’.
ઝાટકો ખાઈને બસ ઉભી રહી. બસની પહેલી સીટમાં એકલી
બેઠેલી અનોખીએ ડ્રાઈવરના કાચમાંથી બહાર નજર કરી તો બંધ રેલ્વે ફાટક દેખાયું. મોટા
નિસાસા સાથે અનોખી ફરી ચાલી નીકળી પોતાના વિચારોમાં.
‘સાલું જિંદગીનું ય કેવું છે, નહિ? આ ડ્રાઈવરને
તો ખબર છે કે હમણા ટ્રેન નીકળી જશે, ફાટકવાળો ફાટક ખોલી દેશે અને સફર આગળ વધશે.
પણ, મારી જીન્દગીનું ફાટક? બંધ તો છે, પણ કેમ? કઈ ટ્રેનના આવવાની ને નીકળી જવાની
રાહ છે મને? કેમ હું ફાટક ને આ પાર ઉભી છું? કોણ ફાટક ખોલશે? કે પછી, મારે ખોલવા
દેવું પણ છે કે નહિ?’
અનોખી લગ્ન પહેલા નોકરી કરતી ત્યારે મમ્મીને જરૂર
હતી. તેની અને મમ્મીની સેલરીમાંથી ઘર ચાલતું હતું અને બેનની કોલેજનું ભણવાનું.
પપ્પાના અકાળે અવસાનને કારણે ઉભરી આવેલી જવાબદારીનું ભારણ તો હતું જ પણ એ
જવાબદારીનો આનંદ અને રોમાંચ પણ હતો. સાવ નવરા બાળપણ સુધીના અસ્તિત્વને અચાનક
અર્થસભર કારણ મળ્યું હતું. ત્રણ-ચાર વર્ષ
નોકરી સાથે ઘર ચલાવી અને બેનને પોસ્ટ-ગ્રેજ્યુએટ સુધી ભણાવી. બેન પણ નોકરીએ લાગી
ત્યારે ઘરની હાલત થોડી વધારે સારી થઇ. ઘર ઠેકાણે પડ્યું તો પોતાનું ઘર માંડવાનું
યાદ આવ્યું. થોડું મોડું પણ સારું ઘર મળ્યું હતું. જયેશની બેલેન્સશીટમાં ક્રેડીટ
કરતા ડેબિટ એકંદરે વધારે જ હતી. લગ્ન પછી આરોહીનો વિચાર પણ બંનેનો સહિયારો જ હતો.
પ્રિ-સ્કુલ એજયુકેશનની તાલીમ અને ચાર વર્ષનો અનુભવ – આ બધી જ લર્નિંગ અને આવડત
પોતાના બાળકમાં નાખવાની ધગશ પણ હતી એટલે અનોખી નોકરી છોડીને ફૂલ ટાઈમ મમ્મી બનેલી.
ખુશ, સંતોષી પરિવાર.
પણ છેલ્લા બે વર્ષથી – જ્યારથી આરોહી પહેલા
ધોરણમાં આવી અને સ્કુલ જવા માંડી ત્યારથી – વાત થોડી બદલવા માંડેલી. મન ખરાબ
થવાનું શરુ થયું એટલે સૌ પહેલા તો નોકરી શરુ કરી દીધી. જુના સંપર્કો અને સારી આવડત
હોવાથી નોકરી મળવામાં કોઈ તકલીફ ના થઇ. પણ, અનોખીને અજંપો થવા માંડેલો. બધું જ
સમુસુતરું હોવા છતાંય કંઇક ખુટતું હોય તેવું લાગતું રહેતું. અનોખીને એવું લાગ્યા
કરતુ કે, ‘હું હજુ કંઇક વધારે કરી શકું જીંદગીમાં’. પણ, કોઈક ખચકાટ હતો. Something was holding her back.
ધીમે ધીમે ચાલતી બસની ધીરી બ્રેકે અનોખીને ફરી
થોડી હલાવી દીધી. બારીમાંથી બહાર જોયું તો અંધારું થવા માંડેલું. એક પછી એક પસાર
થતી ફેક્ટરીની હારમાળાને જોઈને અનોખીએ અંદાજ લગાવ્યો કે સાણંદ આજુબાજુ પહોચ્યા
હોવા જોઈએ. ગુજરાતના આર્થીક વિકાસની ગાથાની સાથે સાથે છેલ્લા થોડા વર્ષોમાં અહિયા
ઘણી નવી ફેક્ટરીઓ લાગેલી. અનોખીને જયેશે સમજાવેલી economic reasoning વાળી વાત યાદ આવી ગઈ.
‘અનોખી, you are under-utilized in your current job. You need
to expand your production frontier. પાંચ-સાત હજારની નોકરી કરતા તારું પોટેન્શિયલ ઘણું વધારે છે. કંઇક
મોટું વિચાર...’
મોટો વિચાર. દસ વર્ષ પહેલા બાળપણને કોરાણે મૂકીને
ઘર સાંભળેલું. અનોખી માટે ત્યારે એ બહુ મોટો વિચાર – બહુ મોટું કામ જ હતું. પણ હવે
એ જ નોકરી, એ જ કામ નાનું લાગવા લાગેલ. કામ તો કેવી રીતે નાનું થઇ જાય ! અનોખીને
લાગ્યું કે કદાચ પોતે જ મોટી થઇ ગઈ હશે.
‘ જયેશ, પોટેન્શિયલ તો છે મારામાં પણ અમારા
ફિલ્ડમાં મોટું કામ એટલે પોતાની પ્રિ-સ્કુલ. પોતાની સંસ્થા. પોતાનું રોકાણ અને
બીઝનેસ. ના આપણી પાસે પૈસા છે, ના જગ્યા, ના બિઝનેસનો અનુભવ ! કેમ કરીને મોટું
વિચારું??’
‘ કંઇક વિચાર તો ખરી, રસ્તો નીકળી આવશે’, જયેશ આશ્વાસન
અને હિંમત આપતો અને ગાડું થોડા મહિના સુધી ગબડતું રહેતું.
ઘણું વિચાર્યું અને કર્યું પણ ખરું. છેલ્લા એક
વર્ષમાં બે ત્રણ સ્કૂલો/સંસ્થાઓ, ઇન્વેસ્ટર્સ, અને પૈસાદાર કુટુંબની નવરી પણ
વેપારી ઉદેશ્યવાળી મહિલાઓ સાથે પણ વાત ચલાવી. પણ વાત ક્યાય જામતી નહિ. એનું મુખ્ય
કારણ અનોખીની એક જીદ હતી.
‘મારે ફક્ત પૈસા કમાવા માટે બિઝનેસ નથી કરવો.
મારે એક ઇન્સ્ટીટયુટ તૈયાર કરવી છે. એક એવી સંસ્થા બનાવવી છે કે જેમાં બાળકો તૈયાર
થાય. અને એવા માં-બાપ પણ તૈયાર થાય કે જે ઘરમાં બાળક-કેન્દ્રિત વાતાવરણ ઉભું કરે.
મારે પૈસા કમાવા માટે સ્કુલ નથી બનાવવી પણ સ્કુલ બનાવવા અને ચલાવવા પૈસા જોઈએ છે.’
મોટા ભાગના લોકો હસી દેતા કે મજાક ઉડાવતા, અથવા તો પછી all the best કરીને નીકળી જતા.
સ્કુલની રૂટીન નોકરી અને તેનાથી બની ગયેલી
રોજીંદી ઘટમાળથી અનોખી કંટાળવા લાગેલી. ‘કંઇક મોટું’ કરવાના વિચારો હવે લાંબા
સમયથી થયેલા પણ મટી ન રહેલા ગુમડા જેવા થઇ ગયા હતાં; એ સતત સાથે રહેતા હતાં અને
દર્દ પણ આપતા. કુટુંબમાં કે
ફ્રેન્ડસર્કલમાં કોઈ એવું નાં હતું કે જેમણે બિઝનેસ કર્યો હોય કે સંસ્થા ઉભી કરી
હોય. જયેશનો સપોર્ટ પણ આશ્વાસનથી ઉપર ઉઠીને હિંમત આપી શકે તેટલો પુરતો ના હતો. કોઈ
જ અનુભવ વગર, એકલે હાથે કેમ કરીને સંસ્થા બનાવવી ને ચલાવવી?!! અનોખી ધીરે ધીરે હારવા
માંડેલી.
‘ચલ, આ વીક-એન્ડમાં સોમનાથ જઈએ. તારી ફેવરીટ
જગ્યા છે. તને ગમશે, સારું લાગશે.’ અકળાટ અને ચચરાટભર્યા એ દિવસોમાં જયેશે ઓફર
કરી. અનોખીએ વાત કાપી નાખીને ગુસ્સામાં જ કહી દીધું, ‘મારે કોઈનીય સાથે ક્યાંય
જવું નથી. મન થાય છે કે બધું છોડી ને એકલી કોઈ અજાણી જગ્યાએ જતી રહું. કોઈ પણ
જાણીતું નાં હોય અને કઈ પણ જાણીતું નાં હોય..કંટાળી ગઈ છુ હું, આ જાણીતા લોકોથી,
જાણીતી જગ્યાઓથી, ને જાણીતી દુનિયાથી...’
સોમનાથ તો ના જ ગયા પણ અનોખીના મનમાં એક નવી તલબ જાગી: ‘મને ક્યાંક
અજાણી જગ્યાએ જવું છે ને એ પણ એકલા’.
રોજીંદા જીવનમાં આમેય કોઈ રોમાંચ ના હતો. જયેશ
અને આરોહી પોતાની જીંદગી જાત્રે જીવી જ લેતા હતા. એક શનિવારે, સ્કુલ પતાવીને અનોખી
ઘરે થી નીકળી જ ગઈ. જયેશને મેસેજ કરી દીધો
કે, ‘am out for a
night-out.. Will be in touch..Don’t worry.’ આરોહીને પણ વાત કરી દીધી કે મમ્મા પીકનીક પર જાય છે. કાલે પાછા આવી
જશે. ઓટો રીક્ષામાં બેસીને ગીતામંદિર, અને પછી પહેલા પ્લેટફોર્મ પર ઉભેલી પહેલી જ
બસ – ધ્રાંગધ્રા વાયા વિરમગામ.
કોઈ જ તૈયારી વગર. કેમ જવું છે? ક્યાં જવું છે? –
ખબર નહિ.
----------*******----------
સચાણા. રાત્રે ૭:૩૦ વાગ્યા હતા જયારે બસ હાઇવે
પરના એક ગામડે ઉભી રહી. અનોખીએ ઘડિયાળ જોઈ, બારીમાંથી બહાર જોયું અને instinctively સીટ પરથી ઉભી થઇ અને બસમાંથી ઉતારી ગઈ. બસમાંથી
કંડકટરે રાડ પાડી પૂછ્યું, ‘ ઓ બેન, તમે તો વિરમગામની ટીકીટ લીધી છે ને, કેમ અહિયા
ઉતરી ગયા?’ જવાબમાં અનોખીને ક્યાં બીજું કઈ કહેવાનું હતું? તેણે હસીને જવાબ દીધો:
‘ખબર નહિ’!!
અજાણી જગ્યા, અજાણ્યા લોકો, અજાણી દુનિયા. અનોખીએ
ઊંડો શ્વાસ લઈને અજાણી જગ્યાની અજાણી હવાથી ફેફસા ભર્યા. મન અને હૃદય શાંત હતા.
થોડી ચિંતા હતી પણ એનાથી અનોખી વ્યાકુળ ન હતી. આખરે તેણે કંઇક નવું કરવાની શરૂઆત
કરી હતી. અનોખી એ પોતાની જાતને કીધું, ‘પાર્ટી તો બનતી હૈ, સેલીબ્રેટ તો કરવું
પડે.’ નાનકડા ગામના નાના બસસ્ટેન્ડ પાસે પાણીપુરીની લારી હતી. ‘ચીયર્સ ટૂ
માયસેલ્ફ’ કહીને અનોખીએ પાણીપુરી ખાધી. ડર, રોમાંચ, ચિંતા, આનંદ – કઈ કેટલી
ફીલિંગ્સ એક સાથે હતી પણ છતાંય અનોખી અચાનક કમ્ફર્ટેબલ ફીલ કરતી હતી. પાણીપુરી ખાતાં
ખાતાં એને લાગ્યું કે એકદમ આવો જ અહેસાસ – ઘણીબધી લાગણીઓ આમ એકસાથે - આ પહેલા પણ
ક્યારેક અનુભવાયેલ.
પપ્પાના અવસાન બાદ કોલેજ છોડીને નોકરી શરુ કરેલ,
અને જયારે પહેલો પગાર આવ્યો હતો ત્યારે આવી જ મિક્સ્ડ ફીલિંગ્સ થયેલી. ગળામાં ડૂમો
બાઝેલો, આંખમાં આંસુ હતાં અને છતાંય મનમાં ખુશી પણ થયેલી. દુઃખ અને ચિંતાની સાથે
સાથે આનંદ અને રોમાંચ પણ થયેલ ત્યારે. જાણીતું છોડ્યાનો ડર, અને અજાણ્યામાં ઉતરવાની
ચિંતા. કંઇક નવું કર્યાનો આનંદ અને નવું કરતા રહેવાનો રોમાંચ.
પૈસા ચૂકવીને, ખભે રક્સેક લગાવીને, અનોખી નીકળી
પડી. જીંદગીમાં કોઈ ગામડામાં આવા સમયે હોવાનો આ પહેલો અનુભવ હતો. સ્કુલની નોકરીમાં
રહીને, પીકનીકમાં જતા જતા એટલી તો ખબર પડી હતી કે દરેક ગામડામાં એક જગ્યા તો કોમન
હોય જ – મંદિર. રસ્તે રમતા બાળકોને પૂછી લીધું અને આંખોથી પૂછાતા સવાલોને
અવગણીને મંદિરની દિશામાં ચાલવા માંડ્યું.
અનોખીને એના દરેક પગલે તેનો ખોવાઈ ગયેલો કોન્ફીડન્સ પાછો આવતો હોય તેવું વર્તાવા
લાગ્યું. સાથે સાથે અંધારામાંથી એક ચિંતા પણ મનમાં ઉતરીને પૂછતી, ‘અલી, આવી તો ગઈ
અહિયા પણ હવે? રાત્રે ક્યાં રહીશ? શું કરીશ? કોઈ ઓળખાણ પણ નથી આ ગામમાં, અને
છેલ્લી બસ તો ગઈ!!!!!
અનોખી મંદિરની બહાર ખચકાઈને ઉભી રહી ગઈ. આજુબાજુ
નજર કરી. સાચે જ, પોતે સાવ અજાણી જગ્યમાં એકલી ઉભી હતી. જાણીતા લોકો, જાણીતી
જગ્યા, પરિચિત વાતાવરણ અને જાણીતા સંજોગોથી દૂર ભાગી જવાની તલબ યાદ આવી ગઈ. જયેશ
સાથે થયેલ વાત યાદ આવી ગઈ. રોમાંચ અને ચિંતાની ચડસાચડસીમાં ચિંતા ફરીથી આગળ નીકળી
ગઈ.
ઘરે હોત તો આજે આ સમયે જમી પરવારીને ત્રણેય જણા
સાથે મળીને શાંતિથી કોમેડી નાઈટ્સ વિથ કપિલની રાહ જોતા બેઠા હોત. અચાનક જાત પર
થોડો ગુસ્સો આવ્યો. ‘શું આવા નખરા કરવાના? નીતનવા વિચારો મનમાં આવે ને આમ શું
નીકળી પડવાનું? સુખશાંતિ વાળી જીંદગી ઘરે બેઠા મળતી હોય એમાં શું ઓછું પડે છે કે
આવી રીતે આમ અજાણીમાં ઉજાણી કરવા નીકળી પડી?’
‘શાંતિ તો છે પણ સુખ નથી. કોમેડી નાઈટ્સ પુરતી
હસી લઉં છું પણ સુતા પહેલા દિલમાં પુરતો આનંદ નથી હોતો’, મનની બીજી બાજુએ દલીલ
કરી.
‘તો અહિયા આ મંદિર બહાર પીપળા નીચે આનંદ મળી ગયો?’
‘ના...પણ..’
‘ જો બેન, આપણે બધા આવી જ રીતે નોર્મલ જીંદગી જ
જીવતા હોઈએ. આ જ નસીબ છે તારું. જો પોતાની સ્કૂલ બનાવવાની જ હોત ને તો કાં તો
સ્કૂલવાળાને ત્યાં જન્મી હોત ને કાં તો અદાણી જેવા પૈસાદારને પરણી હોત. ચાદર જેટલા
જ પગ પસારો ને, બેન. જે છે એમાં જ ખુશ રહો ને...’
‘સ્કૂલ??...’ અનોખી મન-સંવાદમાંથી બહાર આવીને
આજુબાજુ જોવા લાગી. મન પણ ગજબની વસ્તુ છે, તેને થયું. ક્યાં આ સચાણા ગામને પાદરે
આવેલું આ મંદિર અને ક્યાં સ્કુલ બનાવવાની વાત?!!
મંદિરના આંગણામાં થોડા બાળકો કઈ રમતા હતા. અનોખી
બાજુના બાંકડા પર રક્સેક મુકીને એ બાળકો પાસે ગઈ. ‘મને રમાડશો?’ અને ‘હું નવી ગેમ
રમાડું’થી શરુ કરેલી ઓળખાણ થોડી જ વારમાં ‘અરે વાહ, કેવી મજા પડી, નહિ?’ની
દોસ્તીમાં બદલાઈ ગઈ. અડધા કલાકે જયારે મમ્મીઓ બાળકોને લેવા આવી ત્યારે કુટુંબ સાથે
પણ પરિચય થયો. અનોખીને પોતાના સ્ત્રી હોવાનો, શહેરી હોવાનો અને ચોક્કસ જ્ઞાતિના હોવાનો
આટલો ફાયદાકારક અહેસાસ પહેલા ક્યારેય ન’હોતો થયો. ગામડાના સંસ્કારોએ શહેરથી એકલી
આવેલી આ સ્ત્રીને ઉમળકાથી વધાવી લીધી. નવા બનેલા દોસ્તોમાંથી જ એક છોકરીના ઘરે
રાતવાસાની વ્યવસ્થા થઇ ગઈ. બાજરાના રોટલા, રીંગણાના શાક અને દૂધના ડીનર પછી આડોશપાડોશના
લોકો સાથે ગામ-શહેરની વાતો કરી. નાના બાળકો અને ખાસ તો મમ્મીઓને પણ આગ્રહ કરીને
ફરીથી ગેમ રમાડી. ઉગતા સુરજને જોવાનો, વાડીમાં જઈને પોંક શેકીને ખાવાનો અને
નિશાળમાં બધા છોકરા સાથે ગેમ રમવાનો પ્લાન કરીને અનોખી સુવા માટે આડી પડી. પડ્યા
પડ્યા વિચાર કરતા અનોખીને લાગ્યું કે, ‘અજાણ્યું કંઈ એટલું બધું અનકમ્ફર્ટેબલ નથી.
દૂરથી અલગ અને અઘરું લાગતું આ unknown થોડા
પ્રયત્નો પછી હવે સરળ થવા માંડ્યું છે’. અનોખીને ઘર, જયેશ અને આરોહી યાદ આવ્યા, પણ
તે લોકો મિસ ના થયા. તેમને મેસેજ કરીને, મનમાં-દિલમાં કંઇક ઉભી થતી અને કંઇક શમી
જતી હલચલને છાતીએ વળગાડીને અનોખી ઉંઘી જ ગઈ.
----------*******----------
‘ એક દિન જીંદગી
ઇતની હોગી હસીન
ઝુમેગા આસમાન ગાયેગી
એ જમીન
મૈને સોચા ના
થા.....’
વહેલી સવારે દુરથી આવતા રેડિયોના અવાજથી
અનોખીની ઉંઘ ઉડી ગઈ, પણ પડ્યા પડ્યા ‘યેસ બોસ’ ફિલ્મનું આ ગીત સાંભળતી રહી અને મમળાવતી
રહી. ‘મૈને સોચા ન થા’...ગીત ખુબ પોતીકું લાગ્યું એને. સાચે જ, આમતેમ ભાગતી
ખિસકોલીઓ, આંખની સામે જ આંબા પર ઉગુ-ઉગુ કરતા કેરીના મોર..આવી રીતી કોઈ અજાણ્યા
ગામના અજાણ્યા ઘરની અજાણી સવાર વિષે તો ક્યારેય વિચાર્યું જ ન હતું. જે પરસાળમાં
અનોખી સુતી હતી તેની બહાર આંગણામાં બે કુતરા એકબીજાની સાથે ગેલ કરતા હતા. તેમને
સુતા સુતા જોતી અનોખીને અચાનક કુતરાથી લાગતી બીક યાદ આવી. અનોખીને એવું લાગ્યું કે
આ પળ પુરતી એ સિક્યોર છે – એને આટલા નજીક હોવા છતાંય કુતરાની પણ બીક નહોતી લાગતી. ઢળતી
રાતના સાવ આછા અંધકારમાં પરસાળની બાજુના રસોડામાંથી નીકળતા ચુલાના ધુમાડામાંથી
ઉગતી સવારનું દ્રશ્ય મનમાં ભરીને અનોખી ઉઠી. ઘણા વર્ષથી છૂટી ગયેલું ધ્યાન-
મેડીટેશન અચાનક યાદ આવ્યું અને પથારીમાં બેઠા બેઠા જ આંખો ખોલ્યા વગર એ
મેડીટેશનમાં સરી ગઈ. મન તો શાંત જ હતું. કોઈ ઊછાળ ના હતો. કોઈ વ્યગ્રતા કે ઉચાટના
અભાવે શુન્યસ્થ થતા કોઈ જ વાર ન લાગી. સહજ ધ્યાન કદાચ આને જ કહેવાતું હશે. થોડો સમય
ગયો હશે અને ‘દીદી, ઉઠો. ઉગતો સુરજ જોવા જવાનું છે’ની રાડે અનોખીને ઉઠાડી દીધી.
આખોય દિવસ અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં અને
કરાવવામાં ક્યાં જતો રહ્યો એની ખબર જ નાં પડી. ખેતરમાં માંચડે ચડીને જોયેલો
સૂર્યોદય, તાજા તોડેલા પોંકને ત્યાં ને ત્યાંજ શેકીને ખાવાની મજા, દાદાનો ડંગોરો
લઈને, પાઘડી પહેરીને ઢોર ચરાવવાનો અનુભવ, નિશાળના ઘણાબધા બાળકો સાથે રમેલી અને
રમાડેલી અવનવી રમતો, પડોશીને ત્યાં બપોરનું જમવાનું. ટાઢા પહોરે ચા પીને આંગણામાં
ઢાળેલા ખાટલામાં આરામ કરતા કરતા અનોખીને ફરી લેખા-જોખા કરવાનો સમય મળ્યો.
સુતા સુતા અનોખીની નજર આંબા પર ઝૂલતા થોડા
ઘેરા લીલા અને થોડા કુણા કુણા, આછા લીલા કેરીના મોર પર ગઈ. ‘સમય નો પ્રવાહ’,
અનોખીનું મન ફરી વિચારે ચડ્યું.
‘કેરી, ગોટલું, અને ગોટલામાંથી ફરી આંબો.
આંબામાં દર વરસે મોર બેસે અને એમાંથી ફરી કેરી થાય. કેરીમાંથી ફરી ગોટલું અને
એમાંથી ક્યાંક ક્યારેક કોઈક નવો આંબો. કંઇક નવું કરવું, ઉપજાવવું, ઉભું કરવું –
કેવી કુદરતી પ્રક્રિયા છે, નહિ?
‘એ ઝાડ છે, બેન. અને તું માણસ છે. તને દર
વરસે આરોહી નાં આવે’, મનની બીજી બાજુ તૈયાર જ હતી વીરોધપક્ષની દલીલ લઈને.
‘લે તે એ તો ના જ આવે ને. જોઈતી પણ નથી
અને એટલે જ તો ફેમીલી પ્લાનિંગ હોય.’
‘હમમમ, એટલે જ કહું છું કે જે ઘર-વર ને
કુટુંબ છે તેમાં ખુશ રહે ને ! બહુ મોટા સપના શાને જોવાના?’
‘સપનાઓ કેમ નાં જોઉં? વધારે બાળક નથી
જોઈતું તો શરીરની પ્રક્રિયા ફેમીલી પ્લાનિંગથી રોકી દઈએ પણ, મનનું કોઈ contraception થોડું હોય? મારા મનના આંબાને કેરી આપવાની તલબ ના
હોય? એમાં કુદરતી આવતા મોરને કેમ રોકી દેવાય?’
‘પવનનું એક વાવાઝોડું આવે ને બધા મોર
ક્યાંના ક્યાંય ઉડી જાય, બેન. કાલ નો કોઈ ભરોસો નહિ.’
‘તે પવનની બીકે કંઈ આંબો કેરી ઉગાડવાનું
બંધ થોડું કરી દે? એ તો એનું કામ કરે જ ને!! શક્યતાઓને જનમ આપવાનો એ જ એનું કામ.
પરિણામ પછી જે આવે તે’
‘પણ, આપણે તો મિડલ ક્લાસ ઘરની દીકરી-વહુ
કહેવાય, બેટા’, મન થોડું ઢીલું પડ્યું હોય તેમ લાગ્યું. ‘મોટા સપનાઓ, બહુ મોટી શક્યતાઓ
એ આપણા ગજા બહારની વાત. કેરીના મોરમાંથી કેરી નાં પણ ઉગે – આવું રિસ્ક આંબો જ લઇ
શકે. કોકના પૈસે સ્કુલ બનાવવી અને એ જો નાં ચાલે તો? આવું રિસ્ક કેમ કરીને લેવાય?
છે કોઈ સગા વ્હાલા કુટુંબમાં જેને બીઝ્નેસ કર્યો હોય?’
‘ના, કોઈ નથી. પણ હવે થશે. કંઇક રસ્તો તો
નીકળશે. આ તો સપનાની પ્રેગ્નન્સી છે. કાળજી તો લઈશ હું. ડીલીવરી પણ સારી રીતે જ
કરાવીશ, અને સારો ઉછેર પણ કરીશ. પછી જે થાય તે..
‘પણ...બહુ અજાણી છે એ દુનિયા !!! જે છે,
જે જાણીતું છે, એમાં શાંતિથી ખુશીથી કેમ નહિ જીવવાનું? ગાંડાઘેલા સપના પાછળ કેમ
ભાગતા રહેવાનું?
‘......ખબર નહિ!’
----------*******----------
અજાણી જગ્યાના નવા મિત્રોને આવજો કરીને
અનોખી ફરીથી લોકલ બસમાં બેસી ગઈ. ફરીથી એ જ મિક્સ્ડ ફીલિંગ્સ - આનંદ, રોમાંચ બીક અને ડર...અને ઉગુઉગું કરતી
થોડી આશાઓ અને એની પાછળ લાગી પડવાની હિંમત.
બારી બહાર નજર નાખી...અજાણ્યામાંથી થોડી
જાણીતી બનેલી જગ્યાની થોડી જાણીતી હવાથી ફેફસા ભર્યા..
બેગમાંથી નાનકડી બુક કાઢીને, randomly, પાનું ખોલ્યું. જોનાથન લિવિંગ્સ્ટન સીગલને બીજા દેશના બે પક્ષીઓ
લેવા આવ્યા હતા અને કહેતા હતા કે,
“One
school has finished and it is the time for another to begin’’
----------*******---------
Comments
Post a Comment