Review - Bey Yaar - બે યાર ફિલ્મ
ગુજરાતી ફિલ્મ હોય, અને એ પણ 'કેવી રીતે જઈશ' જેવી લેન્ડમાર્ક ફિલ્મ પછીની
તે જ પ્રોડક્શન હાઉસની અને એ જ ડિરેક્ટરની હોય, અને સૌથી મોટી વાત કે તેમાં
એવા મિત્રો હોય કે જેની સાથે ખુબ સમય વિતાવ્યો હોય તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો
તો જવું જ જોઈને!! એટલે ૧૦ વાગ્યાના પહેલા શો જોયો અને ફિલ્મના અંતે ફિલ્મના કલાકારો અને કસબીઓને શો બાદ મળ્યા પછી મજા પડી.
મજાની ફિલ્મ બનાવી છે. એક વખત જો સરખામણી ને સાઈડ પર મૂકી દઈએ તો ગુજરાતી ફિલ્મ જોયાનો અનેરો આનંદ આવે. સારા પાસાઓની વાત કરું તો ઘણા જ છે. વાર્તાની પરિકલ્પના સારી છે. છેલ્લા થોડા વર્ષોમાં અમદાવાદમાં બનેલી ઘટનાઓને ખુબ સહજતાથી વાર્તામા વણી લીધી છે. વાત તો અહી પણ સપનાઓની જ છે - અમેરિકાની નહિ તો 'આમ મિડલ ક્લાસના સાવ લોઅર છેડેથી મિડલ ક્લાસની મિડલ સુધી પહોચવાના સપનાની'. જેમ ફિલ્મમાં ચકો કે'છે ને એમ, 'ધોળકાથી ઓઢવ અને ઓઢવથી ખાડીયા પહોચેલા માણસના સેટેલાઇટ સુધી પહોચવાના સપનાની વાત'. ખુબ વધારે સંવાદો વાળી આ બોલકી ફિલ્મમાં અલગ અલગ ગુજરાતી બોલીની છાંટ ઉડીને
આંખે વળગે છે - કાઠીયાવાડી, મેં'હાણી, પાટણ બાજુની અને ઓફ કોર્સ, અમદાવાદી
બે યાર વાળું ગુજરાતી!! કળા-કલાકારો, કલાનો કલાકારો દ્વારા અને ધંધાર્થીઓ દ્વારા થતો વ્યવસાય,
કળાથી પર એવી દોસ્તી - આવા અજાણ્યા અને અઘરા વિષયોને આવી મનોરંજક રીતે રજુ
કરવી એ એક ચેલેન્જ જ કહેવાય. પણ, મને લાગે છે કે સ્ક્રીનપ્લે વાર્તાને ન્યાય આપી શકે તેવો હજુ વધારે સારો બની શક્યો હોત. ક્યાંક ક્યાંક હિન્દી ફિલ્મ ખોસલા કા ઘોસલાની ગુજરાતી આવૃત્તિ લાગતી આ વાર્તા થોડી અલગ થઇ શકી હોત. અને વાર્તાની લય થોડા વધારે ટાઇટ એડીટીંગથી વધુ સારી થઇ શકી હોત.
અદાકારીની વાત કરીએ તો, દર્શનભાઈ જરીવાલા અને મનોજ જોશી જેવા ધુરંધરો અને અમિત મિસ્ત્રી જેવા ટેલેન્ટેડ માણસોએ રંગ રાખ્યો છે. ચકો - દિવ્યાંગ અને ટીનો- પ્રતિક (હું ચંદ્રકાંત બક્ષી વાળા) પણ ઓછા ઉતર્યા નથી હો! બે ત્રણ સિકવન્સ માટે તો ખાસ બીજી વાર જોવાનું મન થાય. જેમ કે, દર્શનભાઈની ચિત્રની ઓળખ આપતો સિન (હિસાબ ચુકતે), મનોજભાઈ નો લાઈફના પુરા સર્કલ વાળો સિન, અમિતનો તાંબા પીતળનો સિન અને ચકા-ટીનાનો ફ્રેંચ માણસ સાથેનો સિન. વાહ વાહ!!
સિનેમેટોગ્રાફીમાં કેવી રીતે જઈશ જેવી કારીગીરી તો છે પણ તેના જેટલી તાજગી નથી વર્તાતી. લોકેશન્સ
જાણે ખૂટી ગયા હોય તેમ રીપીટીશન પણ જણાતું હતું. પણ તેની સાથે સાથે માણેક ચોકને ઉપરથી જોવાનો મોકો પણ પહેલીવાર જ મળ્યો. ને, પેલો નર્મદાનહેર વાળો રસ્તો ને નર્મદાના નીર સાબરમતીમાં ભળે એ કરાઈ ડેમની જગ્યા - બોલો, કેટલા લોકો એ આ પહેલા જોઈ છે?? મેં તો નથી જોઈ!! આવા અર્બન ગુજરાતી ફિલ્મ જોવાની આ જ તો મજા છે - જાણીતી જગ્યાઓ, જાણીતા લોકોને મોટા પડદા પર જોવાનો રોમાંચ !!
સંગીતની વાત કરીએ તો, વાર્તાનો લય તોડી નાખતા હોય તેવા 'લીપ સિંક' કરતા ગીતો નથી પણ છતાંય, વાર્તાને સાથ આપે તે રીતે ગીતો બેકગ્રાઉન્ડમાં છે અને ખુબ સારી રીતે મુકેલા છે. યુવાનોને ગમે તેવા શબ્દો અને ધૂન પણ છે. સંવાદોની સાથે આવતો બેકગ્રાઉન્ડ સ્કોર ક્યાંક ક્યાંક ખુબ લાઉડ છે.
ફિલ્મમેકિંગમાં નાની નાની ભૂલો પણ છે - જેમ કે વિદેશીને ઈ-મેઈલ અને ફોન પર 'કરોડ' શબ્દનો ઉપયોગ, જે જે ટી સ્ટોલ પર કોઈ જ ગ્રાહકનું ક્યારેય પણ ના હોવું, વગેરે. પણ, એકંદરે ઘણી બધી હિન્દી ફિલ્મો કરતા ચડિયાતી ફિલ્મ જ કહી શકાય.
પણ, કેવી રીતે જઈશ પછીની સીનેમેન પ્રોડક્શન અને અભિષેકની આ બીજી જ ફિલ્મ એટલે બે-યાર બેધારી તલવાર કેહવાય. એક રીતે પહેલી સફળ ફિલ્મ સાથે બીજી ફિલ્મની સરખામણી થાય અને બીજી ફિલ્મ તો પહેલા કરતા ચડિયાતી જ હોવી જોઈએ એવી અપેક્ષા બંધાય. અને, બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે, 'અરે હજી તો બીજી જ ફિલ્મ છે એમની, અને બીજી ગુજરાતી ફિલ્મોની સરખામણીમાં તો કેટલી અલગ છે એ તો જુવો'.
પણ, એકવાર 'કેવી રીતે જઈશ' જેવા માપદંડ પ્રસ્થાપિત કર્યા પછી બે-યારને એક આમ ગુજરાતી ફિલ્મ તરીકે જ મુલવું એટલો
ઉદારદિલનો પ્રેક્ષક હું નાં થઇ શક્યો એટલે 'કડવું સત્ય કઠણ થઈને કહીશ કે
બે યાર!, તું 'કેવી રીતે જઈશ' જેવી 'કેવી રીતે થઈશ'???

Comments
Post a Comment