મંટોની મીણબતીઓ
“અજ અખાં વારિસ શાહનુ, કીતો કબરા વીચ્ચો બોલ, તે આજ કિતાબેં
ઇશ્ક્દા, કોઈ અગલા વરકા ફોલ
ઇક રોઈ સી ધી પંજાબદી, તું લીખલીખ મારે વેણ, અજ લખાં ધીયાં રોન્દીયા,
તેનું વારિસ શાહનુ કેણ”
અમૃતા પ્રીતમ નામના
કવીયેત્રીએ આ કવિતામાં એક ચીસ ભરી દીધી છે. સ્ત્રીઓની સંવેદનાની ચીસ. માણસ ને
માણસાઈ દેખાડવાની ચીસ. “હું આજે વારિસ
શાહને કહું છું કે તું કબરમાંથી બોલ ને પ્રેમની વાર્તાનું કોઈ નવું પ્રકરણ ખોલ. પંજાબની એક બેટી – હીર
– જયારે રડી હતી તો તે આવી મોટી લાંબી હીરરાંજાની દાસ્તાન લખી નાખી હતી. આજે એજ
પંજાબની લાખો દીકરીઓ રોઈ રહી છે ને તને પોકારી રહી છે.”
૧૯૪૭. આઝાદીનું વર્ષ. અને
તેની સાથે સાથે માનવ ઇતિહાસના સૌથી મોટા માનવ સ્થળાંતર અને તેની સાથે અને તેના
કારણે થયેલા હત્યાકાંડો, હુલ્લડો, અને અત્યાચારોનું વર્ષ. લગભગ દોઢ થી અઢી કરોડ
લોકોએ એ આશાએ સરહદો પાર કરેલ કે તેઓ ‘ધાર્મિક બહુમતી’ વાળા વિસ્તારમાં સુરક્ષિત
રહેશે. આમાંના લગભગ ૫ થી ૧૦ લાખ લોકોની હત્યા થઇ કે બીજા કારણોથી માર્યા ગયા. સૌથી
કારમી પુકાર સ્ત્રીઓની હતી. ના હતો કોઈ ઉમરનો બાધ – ૧૩ લઈને ૬૩ વર્ષની
સ્ત્રીઓ...લગભગ ૭૫ હજારથી ૧ લાખ સ્ત્રીઓનું અપહરણ થયું હતું; એનાથી કેટલીયે
વધારેની સાથે બળાત્કાર અને પછી તેમની હત્યા થઇ હશે. જેની સાથે અત્યાચારો થયા કે
જેણે અત્યાચારો કર્યા, એ બંને હિંદુ, શિખ કે મુસલમાન હતા. શું આ બળાત્કારો ફક્ત
જાતીય સંતોષ માટે જ હશે? શું આ બળાત્કારીઓ ખરાબ ચરિત્રના, પાશવી લોકો હશે કે જે
કોઈ માનસિકતાથી પીડાતા હશે? કદાચ નહિ. સ્ત્રીઓ – કે જેને સમજે આબરૂની ઓઢણી
પહેરાવેલ છે – એક માધ્યમ બની જાય છે, જયારે કોઈ વ્યક્તિ, કુટુંબ, જ્ઞાતિ, ધર્મની
આબરુ લુંટવાની વાત આવે છે. બદલો લેવાની વાત આવે છે. આવા મોટા પ્રસંગો ઉપરાંત પણ,
આજે બળાત્કાર એક એવું રોજીંદુ સત્ય બની ગયું છે કે દરેક સ્ત્રીમાં તેનો ડર ક્યાંક
ને ક્યાંક છુપાયેલો હોય જ છે.
એવું તો શું છે કે જેથી
પુરુષ આવું કામ કરવા પ્રેરાય છે? કોઈકે બહુ સાચું જ કીધું છે કે, બળાત્કારમાં એકાદ
જ ટકો સેક્સ છે, નવ્વાણું ટકા તો એ પાવરની – સામર્થ્ય અને કાબુની - વાત છે. કોઈ પણ વ્યક્તિ કે જે આવું કરે છે એ કોઈ
જન્મજાત બળાત્કારીઓ નથી હોતા, ના તેમના કુળગત, જ્ઞાતિગત કે ધર્મગત સંસ્કારો આવા
હોય છે. તેઓ પણ જયારે એ ૧-૨ વર્ષના હશે ત્યારે મારા તમારા જેવા નાજુક નિર્દોષ
બાળકો જ હશે ને. તેઓને જે સમાજ મળ્યો, જેવા સંજોગો મળ્યા, તેમાં તેઓ ઘડાતાં ગયા અને
એટલે જ એવા છે કે જે આપણને અલગ લાગે છે. જો કોઈનો દોષ કાઢવો જ હોય તો આ સમાજ દોષી
છે.
ખરાબ બળાત્કારીઓ નથી,
બળાત્કાર છે. માણસ ખરાબ નથી, તેનું વર્તન કદાચ છે. અને એટલે એ વર્તનને સમજવાની
જરૂર છે. બળાત્કાર એ સેક્સ અને પાવર બન્નેનો સમન્વય છે એટલે આ બન્ને બાબતોને
સમજવાની ખુબ જરૂર છે. જેમ સેક્સ એ બે પગની વચ્ચે નહિ પણ બે કાનની વચ્ચેની વાત છે,
તેમ પાવર સામર્થ્ય પણ, બાવડાના બળની નહિ પણ માનસિક ક્ષમતા અને અક્ષમતાઓની વાત છે.
બળાત્કારનો વિરોધ બળાત્કારીઓના વિરોધથી પુરો ના થાય. શરીર કે કપડાની વાતોથી ના થાય.
આ વર્તનના મૂળમાં જવાની જરૂર છે અને એ સમજવાની જરૂર છે કે કેમ આદિકાળથી પુરુષોનું
આવું વર્તન સ્ત્રીઓ સાથે થતું આવ્યું છે. કેમ સ્ત્રી સાધન માત્ર બનીને રહી જાય છે –
સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે, સ્ત્રી એ પ્રતિષ્ઠા,આબરુ
ને ચરિત્રનું પ્રમાણ છે. કદાચ આ જ મૂલ્યો છે કે જે એવું વર્તન ઉભું કરે છે કે
કોઈને ચોરી કરવી હોય, સામર્થ્ય બતાવવું હોય, કે અપમાનિત કરવા હોય, ત્યારે, સ્ત્રી
આવું દેખાડવાનું સાધન બની જાય છે. પાઠ ભણાવવાનો એક રસ્તો માત્ર. એ પછી ભલેને સવર્ણોને હરિજનોને પાઠ ભણાવવો હોય,
પોલીસને કે આર્મીને નાગરિકોને, મુસલમાનોને હિન્દુઓએ, શીખો અને હિન્દુઓએ
મુસલમાનોને. કે પછી પાંચ છ છોકરાઓને એક છોકરીને. આપણો આખો વિરોધ આ ‘પાવર-સામર્થ્ય’
પરિમાણ સામે છે. પણ, સેક્સ અને સેકસ્યુઅલિટીની પુરતી સમજ પણ જરૂરી તો છે જ ને. એને
વિષે કેમ કોઈ વાત નહિ?
ભારતના ભાગલાએ ઘણા આત્માઓને
હલાવી દીધેલા. અમૃતા પ્રીતમ જયારે દીકરીઓની પોકારને શબ્દ્સાત કરતી હતી ત્યારે,
સઆદત હસન મંટો નામનો માણસ, નાની-મોટી વાર્તાઓ થકી, માણસજાતના આવા બિહામણા પણ નકારી
ના શકાય એવા વર્તનને સમજવાનો પ્રયતો કરી રહ્યો હતો. એમના શબ્દોની નગ્નતાની આગ એ
સમયના સતાધીશોને સહન ના થવાથી તેમની પર કાયદાકીય કાર્યવાહીઓ પણ થયેલી. પણ, તેઓ કદી
ગુનેગાર સાબિત થયા નહિ કારણકે તેઓની દલીલ એક જ હતી, ‘સમાજનો નગ્ન ચિતાર આપવા માટે
શબ્દો પણ નગ્ન જ હોવા પડે. જો તમને મારા શબ્દો ખરાબ, અભદ્ર લગતા હોય તો જાણી લેજો
કે તમારો સમાજ જ ખરાબ અને અભદ્ર છે’. આજના રોજીંદા થયેલા બળાત્કારોની ઘટનાઓને
સમજવા માટે કદાચ ૧૯૪૭ના એ અસંખ્ય અત્યાચારોની સમજ ફરીથી સમજવાની જરૂર છે, મંટોને
સમજવાની જરૂર છે. મન્ટોની વાર્તાઓમાં સમાજની સાચી પણ રોજીંદા જીવનમાં ના કહેવાતી
ઘટનાઓ હોય છે અને તેની નાયિકાઓ હોય છે એવી સ્ત્રીઓ કે જે સામાન્ય માપદંડથી જોવામાં
આવે તો ખુબ અલગ કે વિદ્રોહી લાગે. મન્ટોની વાર્તાઓના બે મોટા વર્ગીકરણ થઇ શકે, એક,
‘૧૯૪૭ના ભાગલાની વાર્તાઓ’ અને બીજી, ‘મુંબઈની વાર્તાઓ’.
ભાગલાની વાર્તાઓમાં પણ ગુઢ
રીતે સ્ત્રીઓની માનસિકતા અને તેમના પર થતા અત્યાચારોની તેમના પર અને જનમાનસ પરની
અસર ખુબ સંવેદનાત્મક રીતે વર્ણવી છે. ‘ખોલ દો’ વાર્તાની સકીના હોય કે પછી ‘ઠંડા
ગોશ્ત’ ની કુલવંત કૌર હોય.
તેમના મુંબઈના લગભગ આઠેક
વર્ષના નિવાસ દરમિયાન તેમણે આ શહેરને ખુબ નજીકથી અનુભવ્યું અને તેને પોતાની કલમથી
વાર્તાઓમાં ભર્યું. તેમની ઘણી વાર્તાઓ શહેરના અભદ્ર ગણાતા – પણ રોજીંદી રીતે ખુબ
અનુભવાતા – રેડ લાઈટ એરિયા પર લખાયેલી છે. એવી નાયિકાઓની વાત છે જે શહેરની ગટર
જેવી છે કે જે સદીઓથી લોકોના મેલ પીવે છે પણ તેની સામું નજર નાખવી પણ આપણને ગમતી
નથી હોતી. પણ આ જ સ્ત્રીઓ, કે જેમને માટે બળાત્કારની વ્યાખ્યા સાવ જ અલગ છે, જ છે
જે સમાજના કે પુરુષોના દુઃખ, ગમ, વાસના, હતાશા રૂપી મેલને પીવે છે. પણ આ સ્ત્રીઓની વાત ભદ્ર સમાજ કરતો નથી; હા,
તેનો ઉપભોગ જરૂર કરે છે. આ એ જ શારદા, સિરાજ,
સૌગન્ધિ કે સરિતા છે કે જે જીવનના કોઈ તબક્કે નામરજી, હતાશા કે મજબૂરીથી આ
વ્યવસાયમાં જોડાઈ ગઈ હોય. એવી સ્ત્રીઓ કે જેમને પણ અરમાન છે, હુંફ અને પ્રેમની
જરૂર છે અને સામે તે આપવાની ક્ષમતા પણ છે. મંટોએ આ સ્ત્રીઓ અને તેના જીવનના બીજા
પાત્રોની સાથે સમય વિતાવીને, તેમની ‘અનકહી – અનસુની’ વાતોને સમજીને તેને શબ્દોનું
સ્વરૂપ આપ્યું છે.
આપણા જેવા નવાનવેલા બુદ્ધીજીવીઓને
ચુકાદાઓ આપવા બહુ ગમે છે. આજે આપણે બધા ઉકેલ આપવા માટે એટલા ઉત્સાહી અને ઉતાવળા છીએ
કે, એક પળ માટે થોભીને કારણો જાણવાનો ના તો આપણી પાસે સમય છે, ના આપણને તેની જરૂર લાગે
છે. સ્ત્રીઓને, તેમના વ્યવસાયને કે
બળાત્કારીઓને અને તેમના વર્તનને ‘સ્ટીરીયોટાઇપ’ કરીને આપણે ‘કોઈક બીજાને’ જવાબદાર
ગણાવીને શાંતિ મેળવી લઈએ છીએ. શું આજકાલ થઇ રહેલી ઘટનાઓને સમજવા માટે સમાજને સમજવાની
જરૂર નથી? શું આપણી પોતાની સમજને ફરીથી સમજવાની જરૂર નથી?
ઘણી સ્ત્રીઓએ ઘણી સ્ત્રીઓ
માટે ઘણું ઘણું લખ્યું છે. મંટોની વાત એટલે અલગ છે કે એક પુરુષ થઈને તેણે સ્ત્રીઓને, સ્ત્રીઓની સંવેદનાઓને
સમજી અને સ્ત્રીત્વ વિષે એવી વાતો, એવી અલગ રીતે કહી કે તેણે વાંચ્યા, સાંભળ્યા પછી
કોઈપણ માણસ સ્ત્રીઓ વિષે, સ્ત્રીઓના મહત્વ વિષે અને તેના સન્માન વિષે અલગ અંદાઝમાં
વિચારતો થઇ જ જાય.
સ્ત્રીઓને સન્માન મળે તે
જરૂરી છે જ. આ વાતની ચર્ચા કે હિમાયતની જરૂર જ નથી. ‘સન્માન’ એટલે શું એ સમજવાની જરૂર છે.
બે બળાત્કાર થાય અને પછીના વીસ દિવસોમાં બે લાખ મીણબતીઓ સળગી સળગીને ઓલવાઈ જાય
તેનાથી ‘બૌધિક ચચરાટ” જરૂરથી થાય પણ સ્ત્રીઓને સન્માન ના મળે. તેના માટેની મીણબતીઓ
તો દિલમાં ને દિમાગમાં સળગાવવી પડે અને સળગતી રાખવી પડે.
સઆદત હસન મંટોએ આવી ઘણી
મીણબતીઓ ‘લઘુકથા’ એટલે કે શોર્ટ સ્ટોરી રીતે સળગતી મૂકી છે. આ મીણબતીઓ વર્ષોથી
સળગે છે. તેને વાંચનાર, સાંભળનાર, ભજવનાર કે જોનારની મન-મીણબતીઓ પણ વર્ષોથી સળગતી રહી
છે. પ્રકાશ ફેલાવતી રહી છે.
બહુ જ સરસ, સચોટ, ચોટદાર પોસ્ટ. ગુજરાતીમાં આવા વિષય, મંટો, અમૃતા પ્રીતમ વગેરે વિષે વાંચીને જાણે માન્યામાં આવતું નથી. તમને મળવું પડશે, બોસ!
ReplyDeleteઋતુલ
હૃદયસ્પર્શી અને સંવેદનશીલ લેખ ... બળાત્કાર માત્ર શારીરિક જ નથી થતો, પુરુષ દ્વારા અનેક સ્વરૂપે સ્ત્રી ઉપર આધિપત્ય જમાવવાના પ્રયત્નો થાય છે. એક પુરુષ જેટલી સહજતાથી પોતાનાં ક્રોધાવેશને વ્યાજબી ઠેરવી શકે છે એટલી સહજતાથી એ સ્ત્રીના ક્રોધને સ્વીકારી શકશે? શું કોઈ પુરુષ વારંવાર સ્ત્રી સાથે આવું કરે એને શાબ્દિક બળાત્કાર કહી શકાય? અમૃતા પ્રીતમ- મંટોને સાંકળતી કડી લેખમાં સરસ રીતે જોડાઈ છે. અભિનંદન
ReplyDelete