મધ્યાંતરની પેલે પાર
પ્રેક્ષક તરીકે મને
નાટકોના ભવિષ્યની ચિંતા થાય છે. ધ્રુનાદ કામલે જેવા કલાકારે જો ફેસબુક પર એવી
ચર્ચા કરવી પડે કે મને થિયેટર જોઈએ કે હું થિયેટરને તો વિચારવું પડે કે ક્યાં
પ્રોબ્લેમ છે? અને એક પ્રેક્ષક તરીકે હું એનું શું કરી શકું?
કલાકારો શું કરી શકે
કે સરકાર શું કરી શકે કે પછી ‘સંસ્થાઓ’ શું કરી શકે એ મહત્વનું છે કે પણ એટલું જ
મહત્વ એ વાત નું પણ છે કે હું પ્રેક્ષક તરીકે શું કરી શકું? શું મારી ફરજ બસો
ચારસો રૂપિયાની ટીકીટ લઈને, નાટક જોઈને, રુંવાડા કે ભમ્મર ઉભી કરીને – ખુશ કે
નાખુશ થઈને – પૂરી થઇ જાય કે પછી એનાથી
આગળ જઈને કૈક વધારે કરી શકું કે જેનાથી જે લોકો આ કલાને જાળવી રાખવા પાંગરવામાં
મદદ કરે છે તેમને પોતાના વર્તમાન કે ભવિષ્યની ચિંતા ના કરવી પડે. જો એમને આવી
ચિંતા કરતા રહેવી પડશેને તો કદાચ થોડા દસકા પછી નવી પેઢીને ફક્ત ડીવીડી પર જ
દેખાડી ને કેહવું પડશે કે, ;જો બેટા, નાટકો આવા હતા.
એક દ્રષ્ટિએ આ
આર્થિક પ્રશ્ન પણ છે – ઇકોનોમિક ક્વેશચન. ડીમાંડ અને સપ્લાય નો ખેલ છે. એક મત એવો
થાય કે સારા નાટકોની ડીમાંડ જ ક્યાં છે કે એનો સપ્લાય હોય? સામે પક્ષે એવો પણ મત
હોય કે સારા નાટકો આવવાના બંધ થઇ ગયા એટલે ધીરે ધીરે ડીમાંડ પણ ઓછી થતી ગઈ. પણ,
ઇકોનોમિક્સ માં એક એવા ગૂડ્સની વાત પણ આવે છે જેને મેરીટ ગૂડ્સ કેહવાય- એ એવી
વસ્તુઓ/સેવાઓ હોય કે જે સોસાયટી/જનતા/સમુદાય માટે સારી હોય અને એટલે જ એવી વસ્તુઓ/સેવાઓ
– ડીમાંડ હોય કે નાં હોય, ઓછી હોય કે
વધારે હોય - પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
કરાવવાની જ હોય. કોઈ વ્યક્તિ કે ઘર એ વસ્તુઓને અફોર્ડ ના કરી શકે – ખર્ચને પહોચી
ના વળી શકે – તો સરકાર કે સમુદાય/સોસાયટી તેને મદદ કરે. ચેરીટીની ભાવનાથી નહિ પણ
એવું કરવું એ સમાજના હિતમાં છે એટલે. પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ અને પ્રાથમિક શિક્ષણ,
સાંસ્કૃતિક અને ઐતિહાસિક શિક્ષણ, વગેરે આવા મેરીટ ગુડ્સના ઉદાહરણો છે. મને લાગે છે
કે નાટકો પણ મેરીટ ગૂડ્સ જ છે – વારસો છે, શિક્ષણ છે, કળા છે જેના લાંબા ગાળાના
રોકાણો અને ફાયદા છે. એટલે જો વ્યાવસાયિક ધોરણે આ વારસો સચવાતો વિકસતો ના હોય,
આર્થીક રીતે એની ડીમાંડ નાં હોય તો પણ, સરકારે કે સમુદાય/સોસાયટી/સમાજે સંસાધનો
ઉભા કરીને પણ આ કળા/વારસાને સાચવવો પડશે કારણકે એ જનહિત માં છે.
સમુદાય/સોસાયટી/સમાજ મારાથી જ બને એને એટલે મારે પણ કૈક તો કરવું જ પડશે કે જેનાથી
આ પ્રોફેશન સચવાય અને વિકસે.
ડીમાંડ/માંગને બે
વસ્તુ ઓ અસર કરે – પૈસા ખર્ચવાની ઈચ્છા અને પૈસા ખર્ચવાની ક્ષમતા. જયારે ડીમાંડ
ઓછી હોય ત્યારે માંગ વધારવા બે વસ્તુઓ કરવામાં આવે – એક, જાહેરાત કે જેથી ઈચ્છા –
વિલીન્ગ્નેસ વધે અને બીજું, લોન અથવા ઈએમઆઈ અથવા આર્થીક સહાય કે જેથી ક્ષમતા વધે.
જાહેરાતો ઘણી વાર ઈચ્છા વધારવાની સાથે સાથે જાણકારી/સમજ/મૂલ્ય વધારવા માટે પણ હોય.
મને લાગે છે કે ગુજરાતી નાટકો અને તેનું મહત્વ (કોઈપણ કળા અને તેનું મહત્વ)ની
સમજ અને તેનું મૂલ્ય વધારવાની પણ જરૂર છે.
એટલે કે નાટકની કે નાટકના શો ની જાહેરાત નહિ પણ લોકોના જીવનમાં નાટકોનું મહત્વ
વધારે એવી જાહેરાત/સંદેશાઓ/લખાણની ખુબ જરૂરિયાત છે, એવું મને લાગે છે. નવયુવાનો ને
જો તમાકુ કંપની મફત સિગરેટ પીવડાવીને પછી રવાડે ચડાવી શકતી હોય, તો એવું કૈક કરીએ કે
જેનાથી આ યુવાનોને નાટકોની લત લગાડીએ; અગર તેઓ રંગભૂમિ સુધી નથી આવતા તો તેમને શરુ
કરવા કેમ રંગભૂમિને એમની પાસે ના લઇ જઈએ? એક વાર લત લાગશે તો પછી એમાના ઘણા
રંગભૂમિ સુધી આવતા થશે જ. જરૂરી નથી કે નાટકો તેમની પાસે લઇ જવા, નાટકની વાતો,
તેનો ઇતિહાસ, તેના ટેકનીકલ પાસાઓ, અદાકારી/સ્ક્રીપ્ટ/લાઈટીંગની વાતો વગેરેને
રોમાન્ટીસાઇઝ કરીને તેમને પીરસવાની જરૂર છે. પ્રેક્ષકોને નાટકોની દુનિયા ગમતી
કરવાની જરૂર છે, શું ‘એપ્રિશિયેટ’ કરવું એની ખબર પડશે ત્યારે જ તો ‘એપ્રિશિયેટ’
કરી શકશે ને!!
બીજી એક જરૂર છે
લોકોને નાટક પાછળ થતી મેહનત બતાવવાની અને તેઓ એહસાસ કરાવવાની. ટીવી ચેનલોના
વ્યાપનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ખુબ લાભ લીધો. છેલ્લા લગભગ ૧૫-૧૮ વર્ષોથી ‘મેકિંગ ઓફ’
કરીને વિડિઓ અને કાર્યક્રમો જોવા મળે છે. ફિલ્મો બનાવવા પાછળ થતી મેહનત અને મસ્તી
બંને દેખાડવામાં આવે અને જેથી એક સન્માન અને જીજ્ઞાશા બંને ઉભું થાય. ‘કેવી રીતે
જઈશ’ ફિલ્મના લીમીટેડ માર્કેટિંગ બજેટમાં પણ આ યુક્તિ નો ઉપયોગ કરાયેલ. નાટકો માટે
આવું થતું જોયું નથી. આજના ફ્રી ઈન્ટરનેટ યુગમાં આવી નાની નાની ‘મેંકીંગ ઓફ’
ફિલ્મો નાટકના પ્રચાર માટે પણ જો યુ-ટ્યુબ કે ફેસબુક પર પ્રચલિત કરાય તો નાટકની
અને તેની પાછળ થતા મહેનત ‘એપ્રિશિયેટ’ થાય શકે.
આર્થીક સહાયને માટે
કા તો સબસીડીની વ્યસ્થા થાય શકે અને કા તો પ્રોડક્શન કોસ્ટ ઘટાડી શકાય. મને એવું
પણ લાગે છે કે નાટકો માટે ફંડ રેઈસિંગનો કન્સેપ્ટ પણ એક્સ્પ્લોર કરી શકાય કે જેથી
કરીને દર પ્રેક્ષક દીઠ ટીકીટ ખર્ચ ઓછો આવે. આર્થીક પાસાને આવરી લેતો એક પ્રયોગ
ગીફ્ટ વાઉચરનો પણ હોય શકે. દિવાળી/લગ્ન/વેવિશાળ/જન્મ દિવસ માટે ભેટ આપવાનો રીવાજ
તો છે જ, ઘણા ઘરોમાં ચોપડીઓની ભેટ આપવાનો પણ રીવાજ છે. તો કેમ નાટકની ટીકીટના ગીફ્ટ વાઉચર નહિ? હા, આવા
ગીફ્ટ વાઉચર ઓપન ડેઈટ અને કિંમતના હોવા જોઈએ – ઓછા પૈસાના પણ હોય શકે, ભલે ને બે
વાઉચરની એક ટીકીટ મળે, આવતા વર્ષમાં ગમે ત્યારે!! તનિષ્કની જેમ ૧૧ હપ્તા તમે આપો,
એક અમે આપશું એવું પણ વિચારી શકાય. મારી પોતાની જ વાત કરું તો, ૩૦૦ની બે ટીકીટના
૬૦૦ રૂપિયા એક ઝાટકે વધારે લાગે ક્યારેક, પણ ૫૦ ૫૦ રૂપિયા દર મહિને બહુ ના લાગે!!
સંસ્થાઓ/ક્લબ દ્વારા
કરવાતા શો પણ એક રસ્તો છે જેનાથી માંગ વધારવામાં આવી રહી છે પણ આવી માંગને ‘સાચી’
માંગ નાં કહી શકાય કારણકે તેમાં પ્રેક્ષકની પસંદગીના કાર્યક્રમો/નાટકો નથી હોતા
અને એટલે દરેક પ્રેક્ષક આ નાટક જોવા માટે જ આવે છે એવું કહી ના શકાય. પરંતુ, આવી
સંસ્થાઓ દ્વારા થતી જથ્થાબંધ ખરીદી આડકતરી રીતે નાટકોની આર્થીક રીતે
નભાવવામાં/ટકાવી રાખવામાં મદદરૂપ તો થાય જ છે. જો સંજય લીલા ભણસાલી ‘રાઊડી રાઠોર’
બનાવી ને આર્થીક સદ્ધરતા મેળવીને પછી/સાથે સાથે બીજી ક્રિએટીવ ફિલ્મો બનાવતા હોય
તો આવું ‘ક્રોસ સબસીડાઈઝેશન’ એ પણ એક વિચારવા જેવો આર્થીક પેહલું છે જ. અહી મહત્વ
ઈ વાતનું છે કે, ‘વ્હુ ઇસ કોલિંગ ધ શોટ્સ’? સંસ્થાવાળા કે નાટક વાળા?
અંતિમ કોલ તો
રંગભૂમિનો અને તેના કદરદાનનો જ હોવો જોઈએ અને હોવાનો. ખુબ ખુશીની વાત છે કે રંગમચ
સાથે સંકળાયેલા બધા સ્ટેકહોલ્ડર્સ વાતો ચર્ચા કરી રહ્યા છે કે આગળની દિશા વિષે
નિર્ણય લેવામાં મદદ મળી રહે. મારા જેવા પ્રેક્ષકને ખુબ આનંદ છે કે તમે લોકો આ રીતે
રંગભૂમિને સાચવી રહ્યા છો. અમારી ફરજ બને કે અમે તમને અને તમારા આ રંગભૂમિના
પ્રેમને સાચવીએ, વધાવીએ, અને વિસ્તારીએ. ચાલો, કોશિશ કરતા રહીએ.
___________________________________________________________________________
શબ્દ, શ્વાસ અને તેની
વચ્ચેનો અહેસાસ
વર્ષોનો પ્રયાસ, એક ચમકારો અનાયાસ
ભજવેલો કિરદાર બને ત્યારેજ ખાસ
- મયૂર ત્રિવેદી
Comments
Post a Comment